૧૮૫૭ની ક્રાંતિમાં સિંધિયા અંગ્રેજોને પક્ષે હતા

ડો. હરિ દેસાઈ Monday 10th July 2017 07:32 EDT
 
 

વિજયી રાની આગે ચલ દી,
કિયા ગ્વાલિયર પર અધિકાર,
અંગ્રેજો કે મિત્ર સિંધિયા,
ને છોડી રજધાની થી.

કવયિત્રી સુભદ્રાકુમારી ચૌહાણની ‘ઝાંસી કી રાની’ કવિતા ભારતભરમાં પ્રત્યેક રાષ્ટ્રવાદીની જુબાન પર હોવી સ્વાભાવિક છે, પણ ઉપરોક્ત પંક્તિઓ દીર્ઘકાવ્યનો હિસ્સો હોવાને કારણે મહારાજા સિંધિયાનાં રાજકુમારી અને રાજસ્થાનનાં મુખ્ય પ્રધાન વસુંધરા રાજે સિંધિયાએ શાળાના પાઠ્યપુસ્તકમાંથી એને દૂર કરવાનું પગલુ ભર્યું હતું. આની સામે વિરોધ નોંધાવતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના અગ્રણી કનૈયાલાલ ચતુર્વેદીએ કહ્યું હતું કે વાસ્તવિક ઇતિહાસ છે કે ૧૮૫૭ના ભારતના આઝાદીના સંગ્રામમાં ગ્વાલિયરના મહારાજા અંગ્રેજોને પક્ષે હતા. એટલે હકીકતને અભ્યાસક્રમમાંથી દૂર કરવામાં આવે એ યોગ્ય નથી.
સ્વાતંત્ર્યવીર સાવરકરે પણ ‘ભારતીય સ્વાતંત્ર્યના પ્રથમ યુદ્ધ ૧૮૫૭’ નામક ગ્રંથમાં મહારાજા માટે અંગ્રેજોના મળતિયા જેવા શબ્દો જ નહીં, પણ ‘કોબ્રા’ અને ‘ગદ્દાર’ જેવો શબ્દપ્રયોગ કરવાનું પસંદ કર્યું છે. સાવરકર પરિવારનાં જ હિમાની સાવરકરે ૨૦૧૦માં અંગ્રેજીમાં ‘Indian War of Independence 1857’નું પ્રકાશન કરાવવા ઉપરાંત ‘સાવરકર સમગ્ર’ના દસ ગ્રંથને હિંદીમાં પ્રકાશિત કરાવ્યા ત્યારે પણ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને નાનાસાહેબ પેશવા વિરુદ્ધની ગ્વાલિયર ભૂમિકા સ્પષ્ટ કરતા સાવરકર લિખિત ઇતિહાસને યથાવત પ્રકાશિત કરવાનું પસંદ કર્યું છે. સાવરકર લિખિત આ ગ્રંથ ‘૧૮૫૭’ સૌપ્રથમવાર ૧૯૦૯માં પ્રકાશિત થયો હતો.

ગ્વાલિયરના મહારાજા આગ્રા ભાગી ગયા હતા

સાવરકરના શબ્દોમાં, તાત્યા ટોપેએ ઘણી વાર ગ્વાલિયરની મુલાકાત લીધી હતી. અને ત્યાંની પ્રજા તથા લશ્કર અંગ્રેજો સામે બળવો કરવામાં પેશવા તથા લક્ષ્મીબાઈને મદદ કરવા તૈયાર કર્યું હતું. પરંતુ મહારાજા જયાજીરાવ અંગ્રેજોના પક્ષે હતા એટલે એ સલામતી ખાતર આગ્રા ભાગી ગયા હતા. ગ્વાલિયર પર પેશવા અને લક્ષ્મીબાઈ થકી કબજો મેળવાયો હતો. પેશવાએ ગ્વાલિયર કબજે કરી અહીં દરબાર પણ ભર્યો. પરંતુ રાણી લક્ષ્મીબાઈ એ દરબારના જલસામાં સામેલ થવાને બદલે યુદ્ધભૂમિમાં લડતાં લડતાં મોતને ભેટ્યાં હતાં.
સુભદ્રાકુમારીએ એટલે જ ‘ખૂબ લડી મર્દાની વો તો ઝાંસીવાલી રાની થી...’ લખીને એમને ભવ્ય અંજલિ અર્પી હતી. એટલું જ નહીં અંગ્રેજ સરદાર લેફ્ટનન્ટ રોઝના શબ્દો હતાઃ ‘બળવાખોર નેતાઓમાં એ (રાણી) સૌથી શ્રેષ્ઠ અને સૌથી બળવાન હતી.’ તેમણે રાણી વિશે ‘ઇન્ડિયન જ્હોન ઓફ આર્ક’ જેવા શબ્દપ્રયોગ પણ કર્યા છે. આજ લેફ્ટનન્ટ રોઝે બળવાખોરોએ કબજે કરેલા ગ્વાલિયરને ફરી કબજે કર્યું હતું.

સાવરકરે બાદશાહને ભવ્ય અંજલી અર્પી

હિંદુ મહાસાગરના સર્વોચ્ચ નેતા બેરિસ્ટર વિનાયક દામોદર સાવરકર (સ્વાતંત્ર્યવીર) પોતાના ગ્રંથમાં પેશવાએ ગ્વાલિયરના મહારાજાને મોકલાવેલા સંદેશને પણ ટાંકે છે. રાણી તો પેશવાને ચેતવે છે કે મહારાજા પોતાના પૂવર્જોના વ્યવહારને ભૂલી ગયા છે. ક્યારેક ‘પેશવાના નોકર’ રહેલા સિંધિયા એમનું સામૈયું કરવા આવવાને બદલે મુકાબલો કરવા આવ્યા હતા. રાણી સાચાં પડ્યાં હતાં. ૧૮૫૭નો જંગ છેલ્લા મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફરના નેતૃત્વમાં હિંદુ-મુસ્લિમ એકતાના ઝંડા તળે લડાયાનું સાવરકર સ્વીકારે છે. એટલું જ નહીં, એમણે બહાદુર શાહ ઝફર દ્વારા જયપુર, જોધપુર, બિકાનેર, અલવર સહિતના હિંદુ મહારાજાઓને પોતાના હસ્તાક્ષર સાથે પાઠવેલા સંદેશાને ટાંકીને મુઘલ બાદશાહને ભવ્ય અંજલિ અર્પી હતી.
અંગ્રેજોની ઈસ્ટ ઇન્ડિયા કંપની સાંકેતિક રીતે ભારતમાં મુઘલ બાદશાહના નામે વહીવટ કરતી હતી, પણ ૧૮૫૭ની નિષ્ફળતા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બદલે વહીવટ અંગ્રેજ રાણીના હાથમાં લેવામાં આવ્યો હતો. છેક ૧૯૪૭માં બ્રિટિશ ઇન્ડિયાના ભારત અને પાકિસ્તાનમાં ભાગલા સાથે આઝાદી મળી ત્યાં લગી બ્રિટિશ રાણીના અખત્યાર હેઠળ આઝાદી મળી ત્યાં લગી બ્રિટિશ રાણીના અખત્યાર હેઠળ શાસન ચલાવાતું રહ્યું.
છેલ્લા મુઘલ બાદશાહે ૧૮૫૭ના બળવાની સરદારી લેતાં હિંદુ રાજાઓને પાઠવેલા સંદેશામાં લખ્યું હતુંઃ ‘મારી અંતરની ઈચ્છા છે કે હિંદુસ્તાનમાંથી ફિરંગીઓને કોઈપણ માર્ગે અને કોઈપણ ભોગે ભગાડી મૂકવા જોઈએ. હિંદુસ્તાન સ્વતંત્ર થાય એ મારી દિલી ઇચ્છા છે. આ લક્ષ્યની પૂર્તિ સશક્ત શાસકો પ્રજાને સંગઠિત કરીને જંગે ચડે નહીં ત્યાં લગી શક્ય નથી... અંગ્રજો ભારત છોડી જાય પછી રાજગાદીને ચીટકી રહેવાની મારી ઈચ્છા નથી. જો તમે બધા દેશી રાજાઓ દુશ્મન સામે તલવારો મ્યાનમાંથી કાઢીને એમને દેશમાંથી કાઢવા તૈયાર હો તો, હું મારી તમામ શાહી સત્તા છોડી દેવા અને દેશી રાજવીઓ નક્કી કરે એ શાસક જૂથના હાથમાં સોંપી દેવા તૈયાર છું.’
‘સ્વાતંત્ર્ય, સ્વરાજ, સ્વદેશ અને સ્વધર્મ કાજે’ દિલ્હીના બાદશાહે કરેલી હાકલને કામયાબ કરવાને બદલે ઘણા દેશી હિંદુ રાજવીઓ અને મુસ્લિમ સરદારોએ ગદ્દારી કરી અને આ ક્રાંતિને નિષ્ફળ બનાવી એટલે ભારતને આઝાદ થતાં નવ દાયકાનો વિલંબ થયો.

ભાજપના મુખ્ય પ્રધાન ચૌહાણના સિંધિયા પર પ્રહાર

ઘણી વાર રાજકીય નેતાઓ ઇતિહાસના ઘટનાક્રમની ચર્ચામાં રમમાણ રહીને પોતાના જ પક્ષના નેતાઓ માટે કેવી મૂંઝવણો સર્જે છે એનો તાજો દાખલો મેં ૨૦૧૭માં મધ્ય પ્રદેશની વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના પ્રચારમાં જોવા મળ્યો. સ્વયં ભાજપી મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ અને પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજયવર્ગીય થકી પ્રચાર સભાઓમાં ૧૮૫૭ના બળવામાં અંગ્રેજોના પક્ષે રહીને ગ્વાલિયરના મહારાજાએ પ્રજા સાથે જુલ્મી વર્તન દાખવ્યું હોવાનું કહ્યું. એમણે ગ્વાલિયરના મહારાજાને હીણા ચીતરીને અત્યારના કોંગ્રેસી નેતા અને ગ્વાલિયરના ‘મહારાજા’ જ્યોતિરાદિત્ય સિંધિયાની ટીકા કરવાનો ઇરાદો હતો. તેઓ ભૂલી ગયા કે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રહેલા ગ્વાલિયરના રાજમાતા વિજયારાજે સિંધિયા અને એમની બેઉ દીકરીઓ પણ ભાજપની નેતા જ નહીં, સરકારમાં પ્રધાનપદાં પણ ધરાવે છે. સદ્ગત રાજમાતાના મોટા રાજકુંવરી વસુંધરા રાજે ભાજપના અગ્રણી છે અને રાજસ્થાનના મુખ્ય પ્રધાન છે. નાના રાજકુમારી અને ગુજરાતી તબીબને પરણેલાં યશોધરા રાજે તો પાછાં મધ્ય પ્રદેશમાં જ ચૌહાણ સરકારમાં કેબિનેટ પ્રધાન છે! બે બહેનોના ભાઈ ‘મહારાજા’ માધવરાવ કોંગ્રેસના નેતા હતા અને વિમાન અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. એમના ભત્રીજા અને વડોદરાના મહારાજા ગાયકવાડના પરિવારના જમાઈ જ્યોતિરાદિત્ય અત્યારના ‘મહારાજા’ ગણાય છે.
હદ તો ત્યાં થઈ કે મધ્ય પ્રદેશની ભાજપ સરકારમાં પ્રધાન રહી ચૂકેલા વિજયવર્ગીય તો ગ્વાલિયરના મહારાજા જ નહીં, રાજમાતાના પિયર સાગરના રાજાએ પણ ૧૮૫૭માં ગદ્દારી કરી હતી એવું કહી બેઠા હતાં. રાજનેતાઓ વાણીવિલાસમાં ઇતિહાસના ઘટનાક્રમને જ્યારે ચૂંથવા બેસે ત્યારે કેવા વરવાં દૃશ્યો સર્જે છે. એનાં આ ઉદાહરણ છે.

રાજમાતા સિંધિયાની આત્મકથામાં બચાવ

ક્યારેક વડા પ્રધાન જવાહરલાલ નેહરુના આગ્રહથી કોંગ્રેસનાં સાંસદ બનેલા રાજમાતા વિજયારાજે સિંધિયા છેક ૧૯૬૭ લગી તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીના અંતરંગ સખી રહ્યાં હતાં. મધ્ય પ્રાંતનાં કોંગ્રેસકારણથી કંટાળીને એમણે ૧૯૬૭માં કોંગ્રેસ છોડીને એ વેળા લોકસભાની બેઠક પર સ્વતંત્ર પક્ષની ટિકિટ પર ઉમેદવારી કરી અને વિધાનસભાની બેઠક પર જનસંઘની ટિકિટ પર ઉમેદવારી કરી હતી. રાજમાતા બંને બેઠકો પર જીત્યાં હતાં. જોકે એમની આત્મકથા ‘રાજપથ સે લોકપથ પર’માં એમણે આ બધા ઘટનાક્રમ અને સંયુક્ત વિધાયક દળ (સંવિદ) સરકારોની રચના વિશે મોકળાશથી લખ્યું છે. સાથે જ ૧૮૫૭ની ક્રાંતિમાં ગ્વાલિયરના એ વેળાના મહારાજાની સહાનુભૂતિ પેશવા અને ઝાંસીની રાણી ભણી હોવાની સ્પષ્ટતા કરવાનો પણ પ્રયાસ કર્યો છે. સાથે રાજમાતાએ નોંધ્યું છેઃ ‘ભારત સંઘમાં ગ્વાલિયર રાજ્યનો વિલય કરતી વખતે એમણે (તેમના પતિ મહારાજા જિવાજીરાવ સિંધિયાએ) ૫૪ કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા... પાંચસોથી વધુ દેશી રજવાડાંએ કુલ મળીને ૭૪ કરોડ રૂપિયા જમા કરાવ્યા હતાં...’

(વધુ વિગતો માટે વાંચો Asian Voice અંક તા. ૧૫ જુલાઇ ૨૦૧૭ અથવા ક્લિક કરો વેબલિંક http://bit.ly/2u5HRaR


comments powered by Disqus


to the free, weekly Gujarat Samachar email newsletter