શિક્ષણ અને સેવાનું સંયોજનઃ ડો. હર્ષદભાઈ દેસાઈ

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Saturday 27th April 2019 10:56 EDT
 
 

સેવાની લગન ના હોત તો એ વ્યક્તિ આજે ગુજરાતમાં અને દેશમાં અગ્રગણ્ય ઉદ્યોગપતિ હોત. ગજબની આવડત, સૂઝ અને ક્ષમતા ધરાવતી એ વ્યક્તિની એક જ ધખના. આ ધખના તે વતન સેવા. જનસેવા. ગુજરાત અને ભારતને સમૃદ્ધ કરવા, નવી રાષ્ટ્રપ્રેમી, વ્યસનવિહોણી અને તેજસ્વી પેઢી પેદા થાય. આ વ્યક્તિની શૈક્ષણિક તેજસ્વિતા પણ જબરી.

૧૯૬૦માં ડિસ્ટિંક્શન સાથે બી.એસસી. અને પછી તેવી જ રીતે કેમિસ્ટ્રીના વિષયમાં ડિસ્ટિંક્શન સાથે સમગ્ર ગુજરાતમાં બીજા નંબરે એમ.એસસી. કર્યું. આ પછી માત્ર બે જ વર્ષમાં ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. આ વ્યક્તિ તે હર્ષદભાઈ દેસાઈ. આ પછી પોસ્ટ ડોક્ટરેટ કર્યું અને જ્યાં ભણ્યા ત્યાં નડિયાદની જે એન્ડ જે કોલેજમાં લેક્ચરર થયા. ૧૯૬૯માં કેમેસ્ટ્રીના વિભાગીય વડા થયા તો બીજા વર્ષે ૧૯૭૦માં ૩૯ વર્ષની વયે પ્રિન્સિપાલ થયા. તેમના જેટલી ઉંમરના કેટલાક વિદ્યાર્થી હતા અને પિતાની ઉંમરનો કેટલોક સ્ટાફ. ત્યાં ચાર - ચાર વર્ષ સફળ આચાર્ય રહ્યા અને ઘડાયા. મહાગુજરાતની લડત વખતે વિદ્યાર્થીઓની તૂટેલી શિસ્તને ફરી સ્થાપવામાં અને ખિસ્સામાં ચપ્પુ તથા પરીક્ષા વખતે કાપલીઓ રાખનાર વિદ્યાર્થીઓને અંકુશમાં રાખવામાં સફળ થયા. હર્ષદભાઈ કોઈની શેહશરમ વિના સાચું કરે તેથી ફાવ્યા. ગુજરાતમાં એમ.એસસી.નું સૌપ્રથમ કેન્દ્ર તેમણે નડિયાદમાં મેળવ્યું.

૧૯૭૪માં નડિયાદની ડી.ડી.આઈ.ટી.માં તે આચાર્ય બન્યા. ત્યારે ડી.ડી.આઈ.ટી.ને ગુજરાત યુનિવર્સિટી સાથેના પ્રશ્નોની વિટંબણાને લીધે સરકારી ગ્રાન્ટ નહોતી મળતી. માત્ર કેમિકલ એન્જિનિયરિંગની એક જ બ્રાન્ચ હતી. હર્ષદભાઈએ સૂઝ, પરિશ્રમ અને નિષ્ઠાથી કામ આરંભ્યું. સવારે આઠથી મોડી સાંજ સુધી તેઓ ઓફિસમાં જ રહે. પ્રામાણિકતા અને નિયમમાં ક્યાંય બાંધછોડ ન કરવાનો સ્વભાવ. સંસ્થા વિકસતી ચાલી. ૧૯૯૧માં ગુજરાત યુનિવર્સિટીના આધિપત્યમાં એનો સ્વાયત્ત સંસ્થા તરીકેનો દરજ્જો સ્વીકારાયો. આથી તે પોતે જ વિદ્યાર્થીને ગ્રેજ્યુએટ તરીકે પદવી આપી શકે. ૨૦૦૦માં તે ડિમ્ડ યુનિવર્સિટી બની અને ૨૦૦૫માં ધર્મસિંહ દેસાઈ એટલે કે ડી.ડી. યુનિવર્સિટીનો પૂર્ણ દરજ્જો પામી. આ બધું હર્ષદભાઈના સતત તપનું પરિણામ છે.

૨૦૦૫માં ડેન્ટલ કોલેજ બની તો બીજા વર્ષે ફાર્મસી કોલેજ શરૂ થઈ. સમગ્ર ગુજરાતમાં આ એક જ યુનિવર્સિટીને નેનો ટેકનોલોજીની પરવાનગી ધરાવે છે.

ડી.ડી.યુ.ના ઉપકુલપતિ હર્ષદભાઈ યુનિવર્સિટી માટે ધૂણી ધખાવીને બેઠેલા તાપસ શા છે! તેમના નેજા હેઠળ અમેરિકાની યુનિવર્સિટીઓ સાથે ડી.ડી.યુ.ને નાતો બંધાયો છે. હર્ષદભાઈની સૂઝ ગજબની છે. અદ્યતન લાઈબ્રેરી કરવા માટે આઈપીસીએલને સમજાવ્યું કે અહીં તૈયાર થનારા કેમિકલ એન્જિનિયર તમારે ત્યાં આવવાના છે. એ જેટલા સજ્જ હોય તેટલો તમને લાભ થશે અને અમને યશ મળશે. આ માટે લાઈબ્રેરીના મકાન માટે અન્ય ખર્ચ તમે આપો તો સારું! આઈપીસીએલે મોટી રકમ આપી.

અહીં પ્રવેશ માટે બધી શાખાઓમાં પડાપડી રહે છે. કારણ વિદ્યાર્થીઓમાંથી મોટા ભાગનાને ઉદ્યોગગૃહો સીધી નોકરી આપે છે. અહીં ૫૦૦ કરતાં વધુ કમ્પ્યુટર છે. ગુજરાતની બીજી યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ માટે આ સગવડ હોય તો મને ખ્યાલ નથી. અહીં સુંદર કેન્ટિન ચાલે છે. પોષણયુક્ત, સ્વાદિષ્ટ નાસ્તો, ભોજન આની વિશિષ્ટતા છે. બીજી યુનિવર્સિટીમાં આટલો સસ્તો, સ્વાદિષ્ટ, પોષક આહાર મુશ્કેલ છે. છતાં યુનિવર્સિટી આમાં કોઈ સબસિડી આપતી નથી. કોન્ટ્રાક્ટરને વિના ભાડે મકાન આપે, એક સાથે સેંકડો ખાનારા હોય તેથી ઓછા નફે પણ તેને પોષાય છે.

હર્ષદભાઈએ ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે કામચલાઉ હોદ્દો સંભાળ્યો ત્યારે તેઓ સવારથી સાંજ સુધી યુનિવર્સિટીની કાર, મકાન કે વધારાનું વેતન લીધા વિના કામ કરતા હતા.

નડિયાદમાં હાર્ટ હોસ્પિટલ કરવામાં એમનું મહત્ત્વનું પ્રદાન છે. આ ટ્રસ્ટના ખજાનચી છે. ટ્રસ્ટના ઉપક્રમે ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ડઝનબંધ હૃદયરોગ નિદાન કેમ્પ થયા છે.

૧૯૬૨થી તેઓ લાયન્સ ક્લબમાં જોડાયેલા. ૧૯૭૯-૮૦માં પ્રમુખ બન્યા ત્યારે કાનનાં ઓપરેશનનો કેમ્પ, બે નેત્ર યજ્ઞો અને ૨૫ રક્તદાન શિબિર યોજેલા. સંતરામ મંદિરે ત્યારે આ પ્રવૃત્તિ શરૂ કરી ન હતી.

હર્ષદભાઈ નડિયાદની સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિના પ્રાણ શા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter