લેબર પાર્ટી અને આપણા મીડિયાએ 6 એપ્રિલે લેબર પાર્ટી 2022ની ચૂંટણીઓની સૌથી વિજેતા બની હોવાની જાહેરાત કરવાની અને કેર સ્ટાર્મરના વડા પ્રધાન બનવાનો માત્ર સમયનો સવાલ હોવાની કાગારોળ મચાવી દીધી હતી. હું તો આશ્ચર્યમાં પડી ગયો હતો. એક પળ તો મને લાગ્યું કે હું સમાંતર વિશ્વમાં જીવી રહ્યો છું અને બધું જ ધરમૂળથી બદલાઈ ગયું છે. જોકે, મને ડેટાનું મૂલ્યાંકન કરતા અને લેબર પાર્ટી તથા આપણા ડાબેરી મીડિયા હંમેશાંની માફક સંપૂર્ણપણે પ્રામાણિક ન હોવાનું નક્કી કરવામાં જરા પણ લાંબો સમય લાગ્યો નહિ.
હવે આપણે હકીકતોની ચકાસણી કરવાનું શરૂ કરીએ. લેબર પાર્ટીએ યુકેમાં ઘણી નવી બેઠકો પર વિજય મેળવ્યો છે. હું જાણું છું તેમ, દેખીતી રીતે જ કન્ઝર્વે્ટિવ પાર્ટીએ ઘણી બેઠકો ગુમાવી છે. પરંતુ, જે દેખાય છે તે સાચું નથી. તમે જાણો છો તેમ ઈંગ્લેન્ડમાં મતદારોની વિશાળ બહુમતી છે. લેબર પાર્ટીએ આશરે માત્ર 22 બેઠકો મેળવી છે (જે આશરે 1 ટકાનો વધારો સૂચવે છે). બીજી તરફ, લિબરલ ડેમોક્રેટ્સે વધુ 192 બેઠક અને ગ્રીન પાર્ટીએ આશરે 63 વધુ બેઠક મેળવી છે. ઈંગ્લેન્ડમાં ટોરીઝ વિરુદ્ધ આ સ્પષ્ટ વિરોધમત હતો અને તેનો સીધો ફાયદો નાની પાર્ટીઓને મળ્યો છે. લેબર પાર્ટી તમને એમ જ કહેશે કે આ તેમના માસ્ટર પ્લાનનો એક ભાગ જ હતો પરંતુ, તમારે તેનાથી ગેરમાર્ગે દોરવાઈ જવાની જરૂર નથી. સત્ય તદ્દન સરળ છે, ઈતિહાસ આપણને દર્શાવે છે તેમ સામાન્ય ચૂંટણીના સમયે મોટા ભાગના વિરોધમત મુખ્ય પાર્ટી તરફ પાછા વળતા હોય છે.
સ્કોટલેન્ડમાં લેબર પાર્ટીએ 20 બેઠક મેળવી છે પરંતુ, લિબરલ ડેમોક્રેટ્સે વધુ 20 અને ગ્રીન પાર્ટીએ વધુ 16 બેઠક મેળવી છે. લેબર પાર્ટી માટે શિલાસમાન બની રહેલા વેલ્સમાં તેમણે ટોરીઝના ભોગે સારો દેખાવ કર્યો છે.
આ ચૂંટણીઓમા કન્ઝર્વેટિવ પાર્ટીને માર પડ્યો છે તે નિર્વિવાદ છે. આ મધ્યસત્ર ચૂંટણી હતી તેમજ કોવિડ, આપણી નાણાકીય હાલત પરના ભારે દબાણો, પાર્ટી-ગેટ કૌભાંડ મુદ્દે ચકચાર જમાવતા હુમલાઓ, મીડિયા દ્વારા ટોરીઝ વિરુદ્ધ પૂર્વગ્રહયુક્ત કેમ્પેઈન્સ, બોરિસવિરોધી અને રિશિવિરોધી અભિયાનો તેમજ આપણી એનર્જી અને આવશ્યક ચીજવસ્તુઓની કિંમતો પર યુક્રેન યુદ્ધની અસરો સહિતના પડકારોના કારણે આ અપેક્ષિત જ હતું. જ્યારે તમે આ બધુ વિચારશો ત્યારે સહેજે આશ્ચર્ય થાય કે લેબર પાર્ટીએ શા માટે ટોરીઝને ખતમ કરી નાખ્યા નહિ? આવી અપેક્ષાના સંદર્ભે એટલું જ કહી શકાય કે ટોરીઝે ઘણી બેઠકો ગુમાવી હોવાં છતાં, લેબર પાર્ટી વિજેતા નથી.
ટોરીઝ માટે આ જાગી જવાની ચેતવણીસૂચક હાકલ છે. જરા પણ શંકા નથી કે તેઓ આ સમજશે અને ફરી જંગેમેદાનમાં લડવા આવશે. તેઓ હંમેશાં આમ કરે છે.
લેબર પાર્ટી જો સરેરાશ-સામાન્ય દેખાવની ઉજવણી કરશે અને જે નથી તેનો દેખાડો કરશે તો તેમના માટે ગંભીર ભૂલ હશે. તેમણે ભૂલવું ન જોઈએ કે ગત જનરલ ઈલેક્શનમાં જે રેડ વોલ વોટ્સ ગુમાવ્યા હતા તે હજુ તેમણે પાછા મેળવ્યા નથી. આ તેમના માટે મોટો પડકાર છે. પરંપરાગત લેબર મતદારો તેમની ખુદની પાર્ટીનો વિશ્વાસ કરતા નથી. તેઓ તેની હાર્દસમાન તુષ્ટિકરણની નીતિનો વિરોધ કરે છે, જેનો સામનો કરવામાં કેર સ્ટાર્મર અત્યાર સુધી ખચકાટ અનુભવી રહ્યા છે.
સૌથી આશ્ચર્યજનક પરિણામ કદાચ હેરો કાઉન્સિલનું ગણી શકાય જે આખરે ટોરી પાર્ટી હસ્તક ગઈ છે. આનો યશ સ્થાનિક ભારતીય ટોરી ઉમેદવારોને મળવો જોઈએ જેઓ 2010થી પાયાના સ્તરથી કાર્ય કરી રહ્યા છે. લેસ્ટર જેવાં સ્થળો માટે આ સ્પષ્ટ સંદેશ છે જેમણે આ માર્ગે જવું જોઈએ!
સમગ્રતયા જોઈએ તો, આપણી કોમ્યુનિટીના આટલા બધા ઉમેદવારોને આ ચૂંટણીમાં ભાગ લેતા જોઈને ઘણું સારું લાગ્યું છે. તેમના માટે એ યાદ રાખવું મહત્ત્વનું છે કે એક વખત ચૂંટાયા પછી તેમણે આ પ્લેટફોર્મનો ઉપયોગ ભારતવિરોધી પરિબળોને પડકારવામાં પણ કરવો જોઈએ.
‘હિન્દુઝ ફોર લેબર’ના ડો. નીરજ પાટિલે જણાવ્યું છે કે,‘તમામ સંભાવના એ છે કે 2024માં કેર સ્ટાર્મરના વડા પ્રધાનપદ હેઠળ લેબર સરકાર આવશે.’ મને લાગે છે કે તેઓ પોતાના આ મૂલ્યાંકનમાં કદાચ વધુ પડતા આશાવાદી છે. જાણકાર લોકો બરાબર જાણે છે કે લેબર પાર્ટીએ નંબર 10ની નજીક પણ પહોંચવા પહેલા હજું ઘણું કરવાનું બાકી છે.
મને તો એમ જણાય છે કે ‘કન્ઝર્વેટિવ્ઝ આર ફોર હિન્દુઝ’ એટલે કે કન્ઝર્વેટિવ્ઝ હિન્દુઓ માટે છે જ્યારે લેબર પાર્ટીની વાત કરીએ તો હજુ પણ‘હિન્દુઝ ફોર લેબર’ અર્થાત હિન્દુઓ લેબર પાર્ટી માટે છે. જ્યાં સુધી લેબર પાર્ટી પણ ‘લેબર ફોર હિન્દુઝ’ નહિ બને અને પોતાના વ્યવહારુ કાર્યોથી તે કરી બતાવશે નહિ ત્યાં સુધી મને શંકા છે કે તેમના માટે ભારતીય અને હિન્દુ વોટ ગુમાવવાનું યથાવત રહેશે. ખરેખર તો પ્રશ્ન એ છે કે જે પાર્ટી પાકિસ્તાન તરફી અને ભારતવિરોધી હોય તેને કોઈ ભારતીય શા માટે મત આપે?
(તમે મને Twitter: @kk_OEG પર ફોલો કરી શકો છો.)