સમૃદ્ધિ, મેઘા અને માનવતાનો મેળઃ પીલુ મોદી

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Saturday 13th July 2019 03:48 EDT
 
 

સોક્રેટિસે ‘ફિલોસોફર કિંગ’ની કલ્પના કરેલી. એવો એકાંગી શાસક આજે હાસ્યાસ્પદ બને. રાજાઓ ગયા અને પ્રજાના પ્રતિનિધિઓ શાસક બન્યા. પણ નીડરતા, નિષ્ઠા અને નિપુણતા વિનાના પ્રજા પ્રતિનિધિ હોય ત્યારે શાસન સુશાસનને બદલે કુશાસન બને. ભારતમાં સુશાસન સ્થપાય, રશિયા પ્રેરિત ડાબેરીઓનો પ્રસાર - પ્રચાર અટકે અને સારી લોકશાહી અમલી બને એ માટે સતત જાગૃત અને યત્નશીલ રાજકારણી તે પીલુ મોદી.
પીલુ મોદી મેઘાવી માનવી. ભારત અને અમેરિકામાં ભણીને આર્કિટેક્ટ થયેલા. પંજાબના પાટનગર ચંડીગઢના ફ્રેંચ સ્થપતિ લ’ કાર્બુઝિયર સાથે ચંડીગઢ સારું, સૌંદર્યભર્યું અને સવલતભર્યું બને તે કરવામાં એમનું ય પ્રદાન હતું. બનારસની તાજ મહાલ હોટેલ અને દિલ્હીની ઓબેરોય હોટેલ જેવી લક્ઝુરિયસ હોટેલોના એ આર્કિટેક્ટ. ધનકુબેરો, દેશી રાજવીઓના વારસદારો અને ઉદ્યોગપતિઓના સગવડભર્યાં ભવ્ય મહાલયોના એ સ્થપતિ અને તેથી તેમને પૈસાની ટંકશાળ ધરાવતા હોય તેવી સ્થિતિ. આવા પીલુ મોદી પરણેલા અમેરિકન મહિલાને.
પીલુ મોદી ગર્ભશ્રીમંત પારસી પરિવારના નબીરા. પિતા હોમી મોદી આઝાદી પહેલાં વાઈસરોયની કાઉન્સિલના માનવંતા સભ્ય હતા. આઝાદી પછી એ ઉત્તર પ્રદેશના ગવર્નર બનેલા. છૂટથી પૈસા ખર્ચતા અને સુખ-સગવડમાં જીવતા પીલુ મોદીનો અંતરાત્મા જાગ્યો. એમને થયું અમે ભલે સુખી રહ્યા, પણ રાજકારણીઓની ખોટી નીતિ, ભ્રષ્ટાચાર, ધનલોલુપતા અને સ્વાર્થને કારણે દેશનો વિકાસરથ થોભ્યો છે. દેશના વિકાસરથને ચાલુ રાખવાની ઈચ્છાથી તે રાજકારણમાં પડ્યા. તે જમાનામાં જવાહરલાલ નેહરુનો સત્તાસૂર્ય સોળે કળાએ તપતો હતો. એમની સામે પડવા હિંમત જોઈએ. દ્દઢ સંકલ્પ અને હિંમતવાન વ્યક્તિ જ આ કરી શકે.
પીલુ મોદીએ આવી હિંમત બતાવી. ચક્રવર્તી રાજ ગોપાલાચારીને સ્વતંત્ર પક્ષ સ્થાપવામાં સાથ આપ્યો. પોતે મહારાષ્ટ્રની ધારાસભામાં ચૂંટણીમાં ઊભા રહીને હાર્યા. હિંમત હાર્યા વિના બીજી વાર પંચમહાલમાંથી લોકસભાની ચૂંટણીમાં ગામડાં ખૂંદ્યાં. ગામડાંની ગરીબી અને સમસ્યા જાણી અને જીત્યા. મતદારો એમના માટે સાધન ન હતા. ગરીબોની સેવાનો એમણે ભેખ લીધો. એમને ઘેર મળવા આવતા મેલાંઘેલાં કપડાંધારી અને ગંદા બાળકોવાળા આદિવાસીઓને તે પ્રેમથી આવકારતા, રડતાં આવતાંનો પ્રશ્ન ઊકેલી હસતાં પાછા મોકલતાં. આદિવાસીઓએ ઘાસ, વાંસ, માટી, લાકડાં કે અન્ય ચીજોથી બનાવેલી સુશોભનની ચીજો એ ઘરે રાખતા. વિદેશી કે ધનિક મુલાકાતીઓને વેચીને આવતા પૈસા આદિવાસી કલ્યાણમાં વાપરતા.
ઈંદિરાજીએ કટોકટી દરમિયાન આ જાડા ભીમકાય નેતાને જેલમાં પૂર્યાં. સુખ-સગવડોમાં રહેલા પીલુ મોદીએ જેલની અગવડો વેઠી પણ ભાંગ્યાં નહીં. કટોકટી પછી ચૂંટણી વખતે જુદા જુદા પક્ષો એક મંચ પર આવે તો જીતાય એમ માનીને, પોતાની મીઠી ભાષા, સંબંધો અને સમજાવટ શક્તિનો ધીરજપૂર્વક ઉપયોગ કરીને જનતા પક્ષ રચવામાં તેમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો. ચૂંટણી પછી એ જ સમજાવટ શક્તિનો ઉપયોગ કરીને મોરારજીભાઈ દેસાઈને વડા પ્રધાન બનાવવામાં જયપ્રકાશ નારાયણ અને આચાર્ય કૃપલાણી સાથે તેમનું ય પ્રદાન હતું.
જનતા પક્ષ માટે ચૂંટણી ભંડોળ ભેગું કરવા ઠેર ઠેર ફરીને તેમણે ઉદ્યોગપતિઓ, ધનિક મિત્રો વગેરે પાસેથી મોટી રકમ ભેગી કરી હતી.
પીલુ મોદી બે સત્ર સુધી લોકસભાના અને એક સત્ર રાજસભાના સભ્ય હતા. તેઓ સંસદીય કાર્યવાહીના જબરા જાણકાર, પ્રખર વક્તા, હાજરજવાબી અને બુદ્ધિવાન હતા. સાચી વાત કહેતાં એ કોઈથી અંજાતા કે ડરતા નહીં. એમના બુદ્ધિયુક્ત પ્રશ્નો પ્રધાનોને મૂંઝવતા અને ડારતા. એમના પ્રતિપ્રશ્નોથી ક્યારેય પ્રધાનોને ભોંઠા પડવું પડતું. રમૂજના રાજા અને નિષ્ણાત આર્કિટેક્ટ પીલુ મોદી સંગીતરસિયા અને અભ્યાસી હતા. સુંદર પિયાનોવાદક હતા. ખાવાના શોખીન એવા કે ડોક્ટરો ટોકે તો કહી દેતા, ‘તો પછી જીવવાનું શું કામ?’
પાકિસ્તાનના વડા પ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોના એ અંગત મિત્ર અને સહાધ્યાયી હતા. ‘ઝુલ્ફી માય ફ્રેન્ડ’ એવું એમનું પુસ્તક ખૂબ વંચાયેલું. ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા સીમલા કરારમાં ઝુલ્ફીને સંમત કરાવવામાં તેમને ફાળો હતો. કાશ્મીર અંગેના પ્રશ્નમાં ભારત સરકાર આનો ઉપયોગ કરે છે.
પાર્લામેન્ટમાં વિપક્ષોનું જોર ઘટ્યું ત્યારે કોંગ્રેસીઓ, ખાસ કરીને ડાબેરીઓ, સ્વતંત્ર પક્ષવાળાને અમેરિકી સીઆઈએના એજન્ટ કહીને વગોવતા. પીલુએ એક દિવસ ગળે પાટિયું લટકાવ્યું, જેમાં લખ્યું હતુંઃ ‘હું સીઆઈએનો એજન્ટ છું.’ પાટિયા સાથે એ પાર્લામેન્ટમાં આવ્યા. કોંગ્રેસીઓની બોલતી બંધ થઈ.
આવા નીડર પીલુ મોદીને ૧૯૮૩માં માત્ર ૫૭ વર્ષની વયે દેહાંત થતાં એક અભ્યાસી, રમૂજી અને નીડર રાજકારણીથી સંસદ સૂની પડી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter