સાહસિક ઉદ્યોગપતિ અને સમાજસુધારક બહેચરદાસ લશ્કરી (ભાગ-૧)

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Thursday 21st November 2019 03:59 EST
 
 

અમદાવાદમાં વસતા શરાફ અંબાઇદાસ પાસે બ્રિટિશ ઈસ્ટ ઈંડિયા કંપની, પૂનાના પેશ્વા અને વડોદરાના ગાયકવાડના પ્રતિનિધિઓ આંટાફેરા કરતા. આ અંબાઈદાસ કડવા પાટીદાર શરાફ. મુત્સદ્દીગીરીમાં કાબેલ તેથી તો જ્યારે પેશ્વાઈ તૂટી હતી, કાયદો અને વ્યવસ્થા કથળ્યાં હતાં, માથાભારે મવાલીઓ અને ટોળકીઓના નેતાની ધાકથી ભલભલા ધ્રુજતા ત્યારે અંબાઈદાસ ગૌરવ અને હિંમતથી ધંધો કરતા. એમના પુત્ર બહેચરદાસ ૧૮૧૮માં જન્મ્યા.

બહેચરદાસે બાળપણમાં મરાઠી, ગુજરાતી અને ઉર્દૂ ભાષાનો અભ્યાસ કરેલો. બહેચરદાસે ૧૮૪૫માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીના લશ્કરમાં નોકરી કરી, આથી એ લશ્કરી તરીકે ઓળખાયા. થોડા વખતમાં પિતાના મરણથી નોકરી છોડીને તેમણે પિતાની ભૂજ, અમરેલી, રાજકોટ અને નીમચની પેઢીઓ સંભાળી લીધી. તેમનો ધંધો વિકસતો ગયો અને ત્યારે અનેક અંગ્રેજ અમલદારો સાથે મૈત્રી થઈ. આમાં લશ્કરમાં કેપ્ટન કૌલી સાથે મૈત્રી થતાં તેમણે બહેચરદાસને પોતાને ઘેર રાખીને અંગ્રેજી શીખવ્યું. હજી રાષ્ટ્રવાદની ભાવના વિક્સી ન હતી. ૧૮૫૭માં સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે તેમણે મૈત્રીને લીધે અંગ્રેજોને સાથ આપ્યો.
ભારતમાં ૧૮૫૭માં બ્રિટિશ તાજનું શાસન શરૂ થયું. અંગ્રેજો સાથે સંબંધો, અંગ્રેજીની જાણકારી તેથી તેમણે મુંબઈમાં આયાત-નિકાસની પોતાની પેઢી સ્થાપી. યુરોપની ઘણી મોટી મોટી કંપનીઓ સાથે તેમના સંબંધો વિકસ્યા. કંપની વિક્સી અને ભરૂચ, ધોલેરા, વઢવાણ, કુમટા, બારસી વગેરેમાં તેમણે તેની શાખાઓ શરૂ કરી.
૧૮૬૫માં તેમણે અમદાવાદમાં સ્પિનિંગ અને વિવિંગ મિલ શરૂ કરી. ૪૨,૭૩૩ ચોરસ વારના વિસ્તારમાં સ્થપાયેલી આ મિલ ગુજરાતમાં સ્થપાયેલી બીજી મિલ હતી. નવા જમાનાને અનુરૂપ ઉદ્યોગ સ્થાપવાનું શ્રેય એમને ઘટે છે.
શરાફી પેઢી, મિલ ઉદ્યોગ અને આયાત-નિકાસના મોટા ધંધાને કારણે શેઠ બહેચરદાસને ભારતમાં ઠેર-ઠેર ફરવું પડતું. આને કારણે અનેક માણસોના સંપર્કમાં આવવાનું થતાં તેમનો દૃષ્ટિફલક વિકસ્યો. ઉઘાડી આંખે ફરતા અને જોતા તેથી નવા જમાનાના પ્રવાહને તે પારખી શક્યા.
બહેચરદાસ જે પાટીદાર સમાજમાંથી આવતા હતા તે સમાજ મુખ્યત્વે ખેતીપ્રધાન, નિરક્ષર અને રૂઢિચુસ્ત હતો. અનેક કુરિવાજોથી ભરેલો હતો. આવા પાટીદાર સમાજને સુધારાને પંથે દોરવામાં તેમનું મોટું પ્રદાન હતું. પાટીદારોમાં બારમા-તેરમાના ભારે ખર્ચમાં સમગ્ર સમાજ ડૂબતો હતો. કન્યાવિક્રય અને વરવિક્રય બંને તરફથી સમાજ શોષાતો હતો. પોતાનાથી ઊંચા કૂળમાં દીકરી આપવા ભારે ખર્ચ કરતા. દીકરો પરણાવવા કન્યાઓની અછતથી કન્યાના બાપને પૈસા આપવાના રિવાજે પાટીદારો દેવાદાર થતા હતા. ઊંચા કુટુંબમાં દીકરી આપવાનું ખર્ચ ના પોષાય તેથી દીકરીનો જન્મ થતાં તેને દૂધ પીતી કરતા, તેથી કન્યાની અછત રહેતી. પાટીદાર પંચે એક ઠરાવ કરેલો પણ કોઇ પાળતું નહોતું. ૧૮૬૯માં બહેચરદાસે આ માટે લોકજાગૃતિની ઝુંબેશ ઉપાડી. ૭૦૦૦ પાટીદાર આગેવાનોએ સુધારામાં સંમતિ આપી અને સમાજસુધારો આગળ વધ્યો. (ક્રમશઃ)


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter