હિંદુત્વના હામીઃ ભદ્રેશ ભટ્ટ

દેશવિદેશે ગુજરાત

પ્રા. ચંદ્રકાન્ત પટેલ Sunday 12th January 2020 05:29 EST
 
 

૧૯૮૯માં પીજના ભદ્રેશ ભટ્ટ ઝામ્બિયાના લુસાકામાં નોકરી છોડીને કેનેડાના વિનિપેગમાં આવીને વસ્યા. બ્રાહ્મણ જીવ ભદ્રેશભાઈને ત્યારે બે પુત્રો. પાંચ અને સાત વર્ષના પુત્રોના સંસ્કાર સચવાય માટે પત્ની મિનાક્ષીબહેન અને ભદ્રેશભાઈ આતુર. આથી તેઓ પુત્રોને લઈને મેનિટોબા હિંદુ સોસાયટી સંચાલિત મંદિરે જતા. મંદિરના મોવડીઓ સાથે પરિચય થતાં માત્ર ત્રણ જ વર્ષમાં તેઓ હિંદુ સોસાયટીના સહમંત્રી બન્યા અને ૧૯૯૪માં તેના વાઈસ પ્રેસિડેન્ટ બન્યા. આમ આવીને માત્ર પાંચ વર્ષમાં વિનિપેગના જાહેરજીવનમાં આગેવાની પામ્યા. ૧૯૯૪ના અંતે સ્વેચ્છાએ હોદ્દો છોડીને ગુજરાતી કલ્ચર સોસાયટી પ્રમુખ બન્યા. આમ છતાં મંદિરે જવાનું ચાલુ રાખ્યું. ૧૯૯૭ ફરીથી હિંદુ સોસાયટી ઓફ મેનિટોબામાં વાઈસ પ્રેસિડેન્ટ બન્યા. ૨૦૦૦માં પ્રમુખ બન્યા.
આ સમયે મંદિરે વધતી ભીડથી તેમણે મોટું મંદિર કરવા પ્રસ્તાવ મૂક્યો. મંદિર માટે ફંડ ભેગું કરવા ડોક્ટર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, વેપારી અને વ્યવસાયી લોકોની કમિટી બનાવીને ફંડ ભેગું કરવા માંડ્યું. પ્રેસિડેન્ટની એક વર્ષની મુદ્દત પતી ગઈ છતાં બધાંના આગ્રહથી કામ ચાલુ રાખ્યું. ૨૦૦૨માં ફાઈનાન્સ કમિટીના ચેરમેન બન્યા. ફંડ રેઝિંગ ડિનર ગોઠવ્યું. ૧૨ લાખ ડોલરની કુલ રકમ ભેગી થતાં મંદિરનું નિર્માણકાર્ય શરૂ કર્યું. ૫૦ લાખ ડોલરથી કામ પૂરું થયું. મંદિરમાં નવાં નવાં બાંધકામ, સભાખંડ, રસોઈઘર, લાયબ્રેરી, સ્ટે, સ્પોર્ટ્સ રૂમ વગેરે સાથે ૨૦૦૫માં મંદિર પૂરું થયું ત્યારે ૧૪ લાખ ડોલરનું દેવું હતું. આવી દેવાવાળી સંસ્થાના પ્રમુખ થવા કોઈ તૈયાર ન થતાં એ વધારે બે વર્ષ પ્રમુખ રહ્યાં. જુદા જુદા સમયે થઈને છ વર્ષ પ્રમુખ અને ચાર વર્ષ ટ્રસ્ટી રહ્યા. તેમની નમ્રતા, શાલિનતા અને અન્યો માટે ઘસાવાની વૃત્તિથી પ્રેરણા લઈને સંખ્યાબંધ વ્યક્તિઓ સ્વયંસેવક તરીકે કામ કરતી થઈ. આમાં ડોક્ટર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, જુદા જુદા પ્રકારના એન્જિનિયર, મેનિટોબા સ્ટેટના ચૂંટણી કમિશનર જેવી વ્યક્તિઓ છે. ભદ્રેશભાઈ આ રીતે હિંદુત્વની પ્રેરણામૂર્તિ અને હામી છે.
ભદ્રેશભાઈ સતત પુરુષાર્થી, સદા મદદ તત્પર અને સત્કાર્યના સાથી રહ્યા હોવાથી સફળતાના સંગાથી બન્યા છે. ૧૯૭૮માં તેમણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માટેની આર્ટિકલશિપ પૂરી કરી અને પરીક્ષા બાકી હતી અને પિતા રમણલાલ ભટ્ટનું કેન્યામાં આકસ્મિક અવસાન થતાં તે કેન્યા આવ્યા. આ પછી ત્યાંથી ઝામ્બિયા પહોંચ્યાં. ધર્મજના હર્ષદભાઈને ત્યાં એમના બહુવિધ ધંધામાં ૧૯૭૮થી ૧૯૮૮ સુધી એક દશકો નોકરી કરીને ઘડાયા. હર્ષદભાઈનો પ્રેમ અને વિશ્વાસ પામ્યા. ધંધાની ફાવટ આવી. આઝાદી પછી ઝામ્બિયામાં વિદેશીઓની સલામતી ઘટતાં તેમણે સલામતી અને વિકાસને ખ્યાલમાં રાખીને કેનેડામાં વસવા અરજી કરેલી. તેનો જવાબ હકારમાં આવતાં તેમણે હર્ષદભાઈને વાત કરી. હર્ષદભાઈએ આત્મીયભાવે સલાહમાં કહ્યું, ‘કેનેડામાં જઈને નોકરીમાં સલામતી લાગતાં નવું કરવા મન નહીં થાય. તમે ધંધો કરશો તો પ્રગતિ થશે. આરંભમાં જરૂર હોય તો હું થોડા સમય માટે મદદ કરીશ.’
ભદ્રેશભાઈ નવાં સપનાં અને ધરપત લઈને વિનિપેગ આવ્યા. ઘણા ધંધા જોયાં. નફા-નુકસાનનાં લેખાંજોખાં વિચાર્યાં. અંતે પ્રિન્ટિંગની ફ્રેંચાઈઝ લીધી. ઓલિમ્પિક પ્રિન્ટિંગ કંપની સ્થાપી. ઓફસેટ પ્રિન્ટિંગના ક્ષેત્રે કેનેડામાં એનું મોટું નામ છે. ૬૫૦૦ ચોરસ ફૂટનું પોતાનું મકાન કંપની ધરાવે છે. કોપિંગ અને પ્રિન્ટિંગમાં કંપની મોટો કોર્પોરેટ બિઝનેસ ધરાવે છે. મોટી મોટી કંપનીઓનાં ૪૦થી ૬૦ અને તેથીય વધારે પૃષ્ઠોની હજારો નકલ કરવાનું કામ કરે છે. કેટલાંક માસિકની મહિને દોઢ લાખ કે વધારે નકલ દર મહિને છાપવાની હોય છે. કંપનીમાં ૧૭ માણસ કામ કરે છે.
મુંબઈમાં જેમને ત્યાં રહીને ભણ્યા હતા તે મોટા ભાઈ હરિવદનભાઈને કેનેડા બોલાવીને તેમને સ્થાયી થવામાં મદદરૂપ થયા. ભદ્રેશભાઈ વધારામાં એક સાઈન બોર્ડ કંપનીની માલિકી ધરાવે છે.
વિનિપેગમાં સફળ વ્યવસાયી એવા ભદ્રેશભાઈનું ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના ક્ષેત્રે મોટું અને મહત્ત્વનું પ્રદાન છે. વિનિપેગના ભારતીયોમાં તેમની સેવા મળતાવડો સ્વભાવ જાણીતો છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter