ચૂંટણીપૂર્વે મોદી સરકારની સિક્સરઃ કરદાતાને રાહત, ખેડૂતને આવક, શ્રમિકને પેન્શન

Wednesday 06th February 2019 05:26 EST
 
 

નવી દિલ્હીઃ મોદી સરકારે લોકસભા ચૂંટણી પૂર્વેનું અંતિમ વચગાળાનું બજેટ રજૂ કરતાં કિસાનોથી માંડીને કર્મચારીઓ, સહુ કોઇ માટે રાહતનો વરસાદ વરસાવ્યો છે. કાર્યકારી નાણાં પ્રધાન પીયૂષ ગોયલે પગારદાર, પેન્શનર સહિતના મધ્યમ વર્ગને મોટી રાહત આપતાં આવકવેરા મુક્તિમર્યાદા રૂપિયા પાંચ લાખ કરી છે. તો સમસ્યાઓનો સામનો કરી રહેલા ખેડૂતોને આર્થિક સહાય આપતી પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિ અને બિનસંગઠિત ક્ષેત્રના કામદારોને સામાજિક સુરક્ષા આપતી પ્રધાનમંત્રી શ્રમયોગ માનધન યોજના જાહેર કરી છે. આ સાથે નાણાં પ્રધાને નૂતન ભારતનાં નિર્માણ માટે ‘વિઝન ૨૦૩૦’ રજૂ કર્યું હતું.
પહેલી ફેબ્રુઆરીએ સંસદમાં વોટ ઓન એકાઉન્ટનાં સ્થાને લગભગ પૂર્ણ કક્ષાના બજેટ ભાષણમાં ગોયલે મધ્યમ વર્ગનાં ૩ કરોડ લોકોને આવકવેરામાં રૂ. ૧૮,૫૦૦ કરોડની રાહત આપતાં આવકવેરા મુક્તિમર્યાદા રૂપિયા પાંચ લાખ કરવાનો બજેટ પ્રસ્તાવ મૂક્યો હતો. આ ઉપરાંત સ્ટાન્ડર્ડ ડિડક્શન રૂપિયા ૪૦,૦૦૦થી વધારી રૂપિયા ૫૦,૦૦૦ કરવા, બેન્ક અને પોસ્ટ ઓફિસમાંથી મળતા વ્યાજ પરનો ટીડીએસ રૂપિયા ૧૦,૦૦૦થી વધારી રૂપિયા ૪૦,૦૦૦ કરવા, બે મકાન સુધી નોશનલ રેન્ટ પરના ટેક્સમાંથી મુક્તિ આપવા, ભાડા પરની ટીડીએસની મર્યાદા રૂપિયા ૧.૮૦ લાખથી વધારીને રૂપિયા ૨.૪૦ લાખ કરવા, ઇન્કમટેક્સ રિબેટ રૂપિયા ૨,૫૦૦થી વધારીને રૂપિયા ૧૨,૫૦૦ કરવાના બજેટ પ્રસ્તાવ રજૂ કર્યા હતા.
દેવાં તળે દટાયેલા ખેડૂતોને રાહત આપતાં નાણાં પ્રધાને બે હેક્ટર (પાંચ એકર)થી ઓછી જમીન ધરાવતા દેશના ૧૨ કરોડ નાના અને સીમાંત ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જાહેર કરી હતી. આ યોજના અને નિયમો અંતર્ગત આવતા ખેડૂતોને વાર્ષિક રૂપિયા ૬,૦૦૦ની સહાય ૩ હપ્તામાં ચૂકવાશે. લાભાર્થીઓને ડિસેમ્બર ૨૦૧૮થી જ લાભ અપાશે અને રૂપિયા ૨,૦૦૦નો પહેલો હપ્તો ટૂંક સમયમાં ખેડૂતોનાં બેન્ક ખાતામાં જમા કરાવી દેવાશે.
બિનસંગઠિત ક્ષેત્રે કામદારોને સામાજિક સુરક્ષા પ્રદાન કરવા નાણાં પ્રધાને પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના જાહેર કરી હતી. આ યોજના અંતર્ગત બિનસંગઠિત ક્ષેત્રના માસિક ૧૫,૦૦૦ સુધીની આવક ધરાવતા કામદારોને નિવૃત્તિ બાદ ૬૦ વર્ષની ઉંમરથી માસિક ૩,૦૦૦ પેન્શન ચૂકવાશે. આ માટે ૨૯ વર્ષની વયે યોજનામાં જોડાનારે માસિક ૧૦૦ અને ૧૮ વર્ષની ઊંમરે જોડાનારને રૂપિયા ૫૫નું યોગદાન આપવાનું રહેશે. સરકાર તરફથી પણ સમાન રકમનું યોગદાન અપાશે. આ યોજનાનો બિનસંગઠિત ક્ષેત્રના ૧૦ કરોડ કામદારોને લાભ થશે. ગોયલે ન્યૂ ઈન્ડિયાનાં નિર્માણ માટે વિઝન ૨૦૩૦ પણ રજૂ કર્યું હતું, જેમાં તેમણે આગામી ૧૦ વર્ષનાં આયોજનોનો ચિતાર આપ્યો હતો.

‘હાઉ ઇઝ ધ જોશ!’

નાણાં પ્રધાને મનોરંજન ઉદ્યોગનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, આપણે હાલમાં જ ‘ઉરી’ ફિલ્મ જોઈ. ઘણી મઝા આવી અને તેમાં ઘણો જોશ હતો. આ નિવેદન બાદ ગૃહમાં બેઠેલા તમામ એનડીએ સાંસદોએ મેજ થપથપાવી અને કોંગ્રેસ તરફ જોઇને ટોણો માર્યો હતોઃ ‘હાઉ ઇઝ ધ જોશ!’
બજેટ સંબોધન શરૂ થતાં જ વડા પ્રધાન મોદી સતત મેજ થપથપાવી ગોયલને પ્રોત્સાહન આપતા જોવા મળ્યા હતા. ખેડૂતોનાં ખાતામાં ૬,૦૦૦ રૂપિયા જમા થશે એવી જાહેરાત કરતાં જ તેમણે ‘વાહ વાહ’ કરતાં મેજ થપથપાવ્યું હતું. ગોયલે જાહેરાત કરી કે, ૫ લાખ સુધીની આવક પર કોઈ આવકવેરો નહીં લાગે, એ સાથે જ ગૃહ મોદી મોદીના નારા સાથે ગૂંજી ઊઠ્યું હતું.

દુનિયામાં સૌથી ઝડપી માર્ગનિર્માણ

ભારત સરકારે આ વખતે પણ માર્ગ પરિવહન પર જોર દર્શાવ્યું છે. નેશનલ હાઇ-વે માટે રૂ. ૮૩,૦૧૬ કરોડ ફાળવ્યા છે. મોદી સરકાર ૨૦૧૪-૧૫માં સત્તા પર આવી ત્યારે તેનું બજેટ રૂ. ૩૪ હજાર કરોડ હતું. આજે તે બમણાથી વધુ થયું છે. હાલમાં રોજિંદા ૨૭ કિમી રસ્તાઓ બની રહ્યા છે, જે દુનિયામાં સૌથી ઝડપી માર્ગનિર્માણ છે. રેટિંગ એજન્સી ઇકરાના મતે, ૬૦૦માંથી ૩૯ ટકા પ્રોજેક્ટ્સ મોદી શાસનમાં હાથ ધરાયા છે. ૨૦૧૪ સુધી યુપીએ સરકારે ૯૦,૦૦૦ કિમી માર્ગનિર્માણ કર્યું હતું. તો મોદી સરકાર ડિસેમ્બર સુધીમાં ૧.૩૧ લાખ કિમી માર્ગ નિર્માણ કરી ચૂકી છે.

આયુષ્યમાનનું બજેટ ૧૬૭ ટકા વધારાયું

હેલ્થ અને સોશિયલ વેલફેર ક્ષેત્રમાં ખાસ મોટી જાહેરાત કરાઇ નથી. જોકે આયુષ્યમાન ભારતનું બજેટ ૧૬૭ ટકા વધારીને ૬૪૦૦ કરોડ કરી દેવાયું છે. ૫૦ કરોડ લોકોને સારવાર આપવાના લક્ષ્યથી બનેલી આ યોજનાથી અત્યાર સુધી ૧૦ લાખ લોકો ૩૦૦૦ કરોડ રૂપિયાની સારવાર મેળવી ચૂક્યા છે. કુલ હેલ્થ બજેટ ૧૬.૨૨ ટકાથી વધીને ૬૩.૫૩૮ કરોડ થઈ ગયું છે.

રોજગારીનો મુદ્દો વણસ્પર્શ્યો

કાર્યવાહક નાણાં પ્રધાને નોકરિયાતથી લઈ અસંગઠિત વર્ગને ખુશ કરવા ૧૦૫ મિનિટ સુધી ભલે ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા, પરંતુ યુવા, શિક્ષણ અને રોજગારી જેવા મુદ્દાને સ્પર્શ જ નથી કર્યો. આ ક્ષેત્રે ના તો કોઈ નવી યોજનાની જાહેરાત કરાઇ છે અને ના તો રોજગારના મુદ્દે કોઈ મજબૂત પગલું ભરાયું છે. તેમણે ફક્ત એટલું જ કહ્યું છે કે ભારત વિકાસ કરી રહ્યું છે તો નોકરીઓ તો આવશે જ.

મહિલા સુરક્ષા માટે નજીવો વધારો

મહિલાઓ માટે કોઈ નવી જાહેરાત કરાઇ નથી, ફક્ત જૂની યોજનાનો પુનરોચ્ચાર કરાયો હતો. સુરક્ષા અને સશક્તિકરણ મિશન માટે ૧૩૩૦ કરોડ રૂપિયા ફાળવાયા છે જે ૨૦૧૮-૧૯ના સુધારેલા અનુમાનના મુકાબલે ૧૭૪ કરોડ વધુ છે. ગોયલે કહ્યું કે મુદ્રા યોજનામાં અપાયેલ ૧૫.૫૬ કરોડ લોનમાં ૭૦ ટકા લાભાર્થી મહિલા છે.

રેલવેઃ ન ભાડું વધ્યું, ન માલભાડું

મુસાફરો માટેઃ સુવિધા વધારવા ૩,૪૨૨ કરોડની જોગવાઈ કરાઇ છે. મુસાફરો માટે રૂ. ૧૦૦૦ કરોડની ફાળવણી કરી છે.

સૌથી વધુ બજેટઃ રેલવેએ ભાડા કે માલભાડામાં કોઈ વધારો કર્યો નથી. બજેટ ફાળવણી પણ અત્યાર સુધી સૌથી વધુ ૧.૪૮ લાખ કરોડ કરાઇ છે.

પૂર્વોત્તર પર ફોકસઃ પૂર્વોત્તર ભારતમાં મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ પહેલી વખત દેશના રેલવે નકશામાં આવ્યું છે. પૂર્વોત્તર રાજ્યોના વિકાસ માટે ફાળવણી ૨૧ ટકા વધારી રૂ. ૫૮,૧૬૬ કરોડ કરી છે.

વિમાનઃ ઉડ્ડયન ક્ષેત્ર વિસ્તરશે

મુસાફરો માટેઃ સરકારે દાવો કર્યો છે કે, ઉડ્ડયન યોજનાને લીધે સ્થાનિક મુસાફરોની સંખ્યા ચાર વર્ષમાં વધી છે. સિક્કિમને જોડતાં હાલ દેશમાં એરપોર્ટની સંખ્યા ૧૦૦ને પાર કરી ગઈ છે.

૫૪ ટકા ઓછું બજેટઃ નાણાં મંત્રાલયે ઉડ્ડયન મંત્રાલય માટે રૂ. ૪,૫૦૦ કરોડ ફાળવ્યા છે. જે ૨૦૧૮-૧૯ની રૂ. ૮,૭૦૦ કરોડની તુલનાએ ૫૪ ટકા ઓછું છે.

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં વધારોઃ વિમાન મંત્રાલયના હાથમાં હાલ અનેક યોજનાઓ છે. જેમાં એર-ઇન્ડિયાને પુનઃજીવન આપવાની યોજના મુખ્ય છે. બીજી મોટી યોજનામાં ઉડાનનો ત્રીજો તબક્કો લાગુ કરવાની છે. જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે હજુ વધુ ફ્લાઇટ ઓપરેટ કરવાનો સમાવેશ થાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter