નવી દિલ્હીઃ ચાલુ વર્ષ 2024ના એપ્રિલથી જૂનના પ્રથમ ક્વાર્ટરમાં ભારતમાં આવેલા ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI)નો પ્રવાહ આશરે 26.4 ટકા જેટલો વધીને 22.4 બિલિયન ડોલર થયો છે. છેલ્લા પાંચ ત્રિમાસિક ગાળામાં FDIમાં થયેલી આ વૃદ્ધિ સૌથી વધારે છે. અન્ય દેશોમાં રોકાણ કરવાના પ્રવાહમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે ત્યારે ભારતમાં પણ વિદેશી રોકાણમાં આ પ્રકારે નોંધપાત્ર વધારો થયો છે.
વૈશ્વિક સ્તરે સેન્ટિમેન્ટ નબળાં થતાં છેલ્લા બે નાણાકીય વર્ષમાં એફડીઆઈમાં ઘટાડો થયો છે તેમ છતાં ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતમાં આવેલા FDI પ્રવાહમાં વધારો નોંધાયો છે. રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયાએ તાજેતરમાં જારી કરેલા આંકડા મુજબ જૂન મહિનામાં એફડીઆઈના પ્રવાહમાં 37.6 ટકાનો વધારો નોંધાયો છે, જે મે મહિનામાં નોંધાયેલા 49 ટકાના વધારા કરતાં ઓછો છે. આરબીઆઈ રિપોર્ટ મુજબ, એફડીઆઇના કુલ પ્રવાહમાંથી 80 ટકા રોકાણ મેન્યુફેક્ચરિંગ, ફાયનાન્સિયલ સર્વિસીસ, કોમ્યુનિકેશન સર્વિસીસ, કોમ્પ્યુટર સર્વિસીસ અને વીજ સહિતના ઉર્જા ક્ષેત્રે આવ્યું છે. જે કુલ એફડીઆઇ આવ્યું છે તેમાં મોટો ફાળો સિંગાપોર, મોરેશિયસ, નેધરલેન્ડ, યુએસ અને બેલ્જિયમ જેવા દેશોનો છે.