અમેરિકામાં કોલ સેન્ટર ખંડણી કૌભાંડમાં દોષિત ઠરેલા ગુજરાતીને આઠ વર્ષન કેદ

Thursday 04th April 2019 07:35 EDT
 

વોશિંગ્ટનઃ જંગી કોલ સેન્ટર કૌભાંડમાં સંડોવણી બદલ ગુજરાતી નાગરિક અને તેના સાથી ષડયંત્રકારોને આઠ વર્ષ અને નવ મહિનાની સજા ફટકારાઈ હતી. આ લોકો અમેરિકન નાગરિકોને પોતે ટેક્સ ઓફિસરનો પરિચય આપી ખંડણી વસુલતા હતા એમ યુએસ જસ્ટિસ વિભાગે કહ્યું હતું. નવમી જાન્યુઆરીએ પોતાના ગુનાની કબુલાત કરનાર નિશિતકુમાર પટેલ (ઉં ૩૧)ને ફલોરિડા કોર્ટે બે લાખ ડોલર ચૂકવવા અને ઓકટોબર ૨૦૧૮માં જપ્ત કરેલી ૨૦૧૫ લેન્ડ રોવર કારને પણ પરત કરવા ઓર્ડર કર્યો હતો.

કોર્ટના દસ્તાવેજો અનુસાર, પટેલ ભારતના કોલ સેન્ટર અને અમેરિકામાં રહેતા ષડયંત્રકારો સાથે મળીને ૨૦૧૪ અને ૨૦૧૬ વચ્ચે પોતે ઇન્ટરનલ રેવેન્યુ ડિપાર્ટમેન્ટમાંથી બોલે છે તેમ કહીને ડોલર ખંખેર્યાં હતાં. આઇઆરએસ એ અમેરિકન ફેડરલ સરકારનો મહેસૂલ વસૂલ કરતો વિભાગ છે. ઉપરોક્ત સમયગાળા દરમિયાન તેઓ પીડિતોને એમ કહેતા હતા કે તમારે આઇઆરએસને બાકીના લેણા ચૂકવવાના છે અને જો તમે એ પૈસા નહીં ભરો તો તાત્કાલિક તમારી ધરપકડ કરવામાં આવશે.

ષડયંત્રકારો ભોગ બનેલાઓએ ખરીદેલા પ્રિપેડ કાર્ડમાંથી રોકડ રકમ ઉપાડી લઇ ફ્રોડના પૈસા ભેગા કરતા હતા. ઉપરાંત પીડિતો દ્વારા વાયર મની કાઢવા રનરોને પૈસા આપતા તેમજ બેંક ખાતા ખોલાવતા જેમાં ભોગ બનેલાઓના પૈસા જમા કરાવી પાછળથી પોતે જ ઉપાડી લેતા હતા, એમ કોર્ટના દસ્તાવેજોમાં કહેવામાં આવ્યું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter