અમેરિકામાં ત્રણ ભારતીયોની ભૂખ હડતાળ તોડવા આઇવી ડ્રિપ્સ અપાઇ

Friday 02nd August 2019 06:54 EDT
 

હ્યુસ્ટનઃ ટેક્સાસના એલ પાસોમાં ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ (આઇસીઇ)માં અમેરિકામાં આશ્રય મેળવવાની માગ સાથે ભૂખ હડતાળ કરી રહેલા ત્રણ ભારતીયને બળજબરીપૂર્વક નસોમાં ડ્રિપ્સ (આઇવી ડ્રિપ્સ) ચઢાવવામાં આવી હતી.

આ ત્રણ ભારતીયોના વકીલે જણાવ્યું કે આ ત્રણેય છેલ્લા ૧૨ દિવસથી ભૂખ હડતાળ પર બેઠા છે. આ ત્રણેય લોકોની માગ હતી કે જ્યાં સુધી અમને દેશનિકાલ કરવામાં ન આવે ત્યાં સુધી અમને મુક્ત કરવામાં આવે તે માગની સાથે આ ત્રણેય ભારતીયો ૯ જુલાઈથી આઇસીઇમાં ભૂખ હડતાળ પર બેસી ગયા હતાં.

આ ત્રણેયના વકીલ લિંડા કોરચાડોએ જણાવ્યું હતું કે આશ્રય મેળવવા માગની સાથે આવેલા ત્રણેય ભારતીયોની અરજી ફગાવી દેવામાં આવી હતી. ત્રણેય ભારતીયો પોતાની અરજી પર પુનઃવિચારની માગ કરી રહ્યાં છે.

મીડિયાના અહેવાલ મુજબ આ ત્રણેય ભારતીયો ઘણા મહિનાથી અટકાયતમાં રાખવામાં આવ્યા છે. જે પૈકી એક વ્યકિત એક વર્ષથી પણ વધુ સમયથી અટકાયતમાં છે. કાયદા મંત્રાલયે ગયા સપ્તાહમાં સંઘીય જજોની સમક્ષ અરજી કરી ત્રણેયની સંમતિ વગર તેને ભોજન આપવા અને પાણી ચઢાવવાની માગ કરી હતી.

વકીલો અને અધિકાર કાર્યકર્તાઓ એ વાતથી ચિંતિત છે કે તેમને ભવિષ્યમાં બળજબરીપૂર્વક ખવડાવામાં ન આવે.

કોરચાડોએ જણાવ્યું હતું કે મારા અસીલને લાંબા સમયથી અટકાયતમાં રાખવા અને તેમની અરજી પ્રત્યે ઇમિગ્રેશન કોર્ટના પક્ષપાતી અને ભેદભાવભર્યા વલણની વિરુદ્ધ અનશન કરવાનો નિર્ણય લીધો હતો.

તેમણે જણાવ્યું હતું કે એક વર્ષથી વધુ સમય અટકાયતમાં પસાર કર્યા પછી અને ભવિષ્યમાં પણ મુક્ત થવાની કોઈ આશા નજર ન આવતા આ લોકોની પાસે પોતાની વ્યથા ઠાલવવા અને અયોગ્ય ઈમિગ્રેશન કાર્યવાહી પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચવા સિવાય અન્ય કોઈ વિકલ્પ ન હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter