અમેરિકામાં વિદેશીઓ ઘૂસાડતા ભારતીયને પાંચ વર્ષની જેલ

Friday 03rd May 2019 07:49 EDT
 

વોશિંગ્ટનઃ મોટાભાગના ભારતીયો સહિત અનેક વિદેશી નાગરિકોને અમેરિકામાં ગેરકાયદે ઘૂસાડવા બદલ ૬૧ વર્ષના ભારતીય નાગરિક યદવિન્દર સિંઘ સંધુને અમેરિકામાં પાંચ વર્ષની જેલ થઈ છે. યદવિન્દરે આ વર્ષના આરંભે એનો ગુનો સ્વીકારતાં કહ્યું હતું કે, એણે ૨૦૧૩થી ૧૫ દરમિયાન લગભગ ૪૦૦ વિદેશીઓને અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવા મદદ કરી હતી.

અમેરિકાના ન્યાય વિભાગની યાદીમાં આમ જણાવીને ઉમેરાયું છે કે યદવિન્દરે કરેલી માનવ-દાણચોરીમાં એક જણનું મોત થયું હતું જ્યારે અનેકના જીવ જોખમમાં મુકાઈ ગયા હતા. ૧૫ માર્ચ, ૨૦૧૭ના રોજ અમેરિકાની ફેડરલ ગ્રાન્ડ જ્યુરી ઈન ધ ડિસ્ટ્રિક્ટ ઓફ પ્યુએરટો રિકોએ સંધુ સામે આરોપો મૂક્યા હતા કે યદવિન્દર સિંહે ભૂપિન્દર કુમાર, રાજિન્દર સિંઘ, રોબર્ટ હાર્વડ સ્કોટ અને અટકિન્સ લોસન હાવર્ડ જેવા અનેક નામોનો ઉપયોગ કરીને કેટલાયને અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીની મદદ કરી છે.

સંધુએ કરેલી કબૂલાત મુજબ એણે ડોમિનિશ્યન રિપબ્લિક, હૈતી પ્યુએરો રિકો, ભારત અને અન્ય દેશોમાંથી નાગરિકોને ગેરકાયદે અમેરિકામાં ઘૂસાડવા થતા કાવતરાભર્યા કામમાં આગેવાની લીધી હતી.

કાવતરામાં સામેલ સંધુ અને અન્ય સભ્યોએ વિદેશી નાગરિકોને ભારતમાંથી થાઈલેન્ડ, યુએઈ, આર્જેન્ટિના, ઈરાન, પનામા, વેનેઝુએલા, બેલિઝ અને હૈતી થઈને ડોમિનિશ્યન રિપબ્લિક પહોંચાડવા ઊડ્ડયનોની વ્યવસ્થા કરી હતી. ડોમિનિશ્યન રિપબ્લિકનો સ્ટેજિંગ એરિયા તરીકે ઉપયોગ કરાયતો હતો, જ્યાં વિદેશીઓને અમેરિકા તરફ રવાના કરતા અગાઉ રખાતા હતા.

એ પછી વિદેશીઓને ડોમિનિશ્યન રિપબ્લિકથી હોડી મારફતે પ્યુએરેટો રિકો અથવા ફ્લોરિડા લઈ જવાતા હતા.

સંધુએ ઘૂસણખોર વસાહતીઓ માટે અમેરિકામાં વાપરવા માટે નકલી ઓળખપત્રોની વ્યવસ્થા કરી હતી.

ભારતમાંથી ગેરકાયદે અમેરિકા જવા માગતા લોકોએ ૩૦,૦૦૦ અમેરિકી ડોલરથી માંડી રૂ. ૮૫,૦૦૦ અમેરિકી ડોલર કાવતરાંખોરોને ચૂકવ્યા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter