કેલિફોર્નિયામાં ભારતીય પોલીસ અધિકારી રોનિલ સિંહનો હત્યારો પકડાયો

Friday 04th January 2019 00:42 EST
 
 

ન્યૂ યોર્કઃ કેલિફોર્નિયામાં ભારતીય અમેરિકન પોલીસ અધિકારીની અજાણ્યા માણસે ગોળી મારીને ૨૭મીએ હત્યા કરી હતી. ૩૩ વર્ષનો પોલીસ અધિકારી રોનિલ સિંહ ક્રિસમસની રાત્રે ઓવરટાઈમ કરતો હતો ત્યારે તેના પર હુમલો થયો હતો.

રોનિલ ટ્રાફિક પોલીસમાં છેલ્લા ૭ વર્ષથી ફરજ બજાવતાં હતા. ટ્રાફિક પોઈન્ટ પર તેઓ ફરજ બજાવતા હતા ત્યારે કોઈ અજાણ્યાએ તેના ઉપર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ કરનારો આરોપી કાર મૂકીને ફરાર થઈ ગયો હતો.

ઘાયલ રોનિલે જ ફાયરિંગ થયાની જાણ પોલીસને કરી હતી. તેમને હોસ્પિટલ પહોંચાડાયા હતા. અતિશય નાજુક હાલતમાં રોનિલ સિંહની સારવાર શરૂ કરાઈ હતી પરંતુ તે દરમિયાન તેઓનું મૃત્યુ થયું હતું.

રોનિલના પરિવારમાં પત્ની અનામિકા અને એક પાંચ મહિનાનો પુત્ર છે. ડ્યૂટી દરમિયાન મૃત્યુ પામેલા પોલીસ અધિકારી રોનિલ સિંહને પોલીસ વિભાગે યોગ્ય સન્માન સાથે અંતિમ વિદાય આપી હતી. ગવર્નર અને પોલીસ કમિશનરે પરિવારને શોકસંદેશો પાઠવીને દુઃખ વ્યક્ત કર્યું હતું.

આરોપીને ઝડપવા માટે કેલિફોર્નિયા પોલીસે તજવીજ હાથ ધરીને આરોપીની કાર કબજે લીધી હતી. સીસીટીવીના આધારે તેની ઓળખ સ્પષ્ટ કરવા પ્રયાસો શરૂ કર્યા હતા. એ પછી રોનિલની હત્યાના આરોપસર એક શકમંદની ધરપકડ કરવામાં આવી હતી. તેની ઓળખ ગુસ્તાવો પેરેજ એરીયગા (ઉં ૩૩) તરીકે થઇ છે. ગુસ્તાવો અમેરિકામાં ગેરકાયદે વસવાટ કરતો હતો તથા બનાવ બાદ મેક્સિકો જવાની વેતરણમાં હતો તેની તેના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી છે. તેવું સ્થાનિક પોલીસે જણાવ્યું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter