કોઈનબેઝ ઈનસાઈડર ટ્રેડિંગઃ નિખિલ વાહીને 10 મહિનાની જેલની સજા

ઈશાન વાહી અને ભાગેડુ સમીર રામાણીને 20-20 વર્ષની સજા થવાની શક્યતા

Tuesday 17th January 2023 14:02 EST
 
 

 વોશિંગ્ટનઃ ક્રિપ્ટો એક્સચેન્જ કોઈનબેઝના પૂર્વ પ્રોજેક્ટ મેનેજર અને ભાઈ ઈશાન વાહી પાસેથી ઈનસાઈડર ટ્રેડિંગની માહિતી મેળવવાના આરોપી નિખિલ વાહીને વેસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ વોશિંગ્ટન ની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા 10 મહિનાની જેલની સજા ફરમાવાઈ છે. નિખિલે વાયર ફ્રોડના ફેડરલ કાવતરાની કબૂલાત કરી હતી. જોકે, તેના ભાઈએ ગુનો કબૂલ કર્યો નથી.

યુએસ સત્તાવાળાએ ગત વર્ષના જુલાઈમાં વાહી ભાઈઓ અને તેમના 33 વર્ષીય ભારતીય અમેરિકન મિત્ર સમીર રામાણી સામે કોઈનબેઝની ગુપ્ત માહિતીના ઉપયોગના કાવતરા અને તેના થકી 1.5 મિલિયન ડોલરની ગેરકાયદે કમાણી કરવાનો આરોપ લગાવ્યો હતો. રામાણી નાસતો ફરે છે. ઈશાન વાહી અને સમીર રામાણીને 20-20 વર્ષની સજા થવાની શક્યતા છે.

વાહી ભાઈઓની ધરપકડ વોશિંગ્ટન સ્ટેટના સીએટલમાંથી કરાઈ હતી. ઈશાન વાહી ઓક્ટોબર 2020થી કોઈનબેઝમાં પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કરતો હતો અને ક્રિપ્ટો એસેટ્સ લિસ્ટિંગની ગુપ્ત પ્રક્રિયા સાથે સંકળાયેલો હતો. કોઈનબેઝ દ્વારા કઈ ક્રિપ્ટો એસેટ્સનું લિસ્ટિંગ કરાવાની છે અને તેની જાહેરાતના સમયની આગોતરી જાણકારી તેને મળતી હતી. યુએસ સત્તાવાળા અનુસાર ઈશાનને ઓછામાં ઓછાં 14 પ્રસંગે ચોક્કસ ક્રિપ્ટો એસેટ્સના લિસ્ટિંગ અને તેની જાહેરાતની આગોતરી જાણકારી હતી. તેણે પોતાના ભાઈ નિખિલ અથવા રામાણીને ગુપ્ત માહિતી પૂરી પાડી હતી. જેથી તેઓ ટ્રેડિંગ કરી તેમાંથી નફો મેળવી શકે. આરોપીઓએ ઓછામાં ઓછી 25 ક્રિપ્ટો એસેટ્સમાં ગેરકાયદે વેપાર કર્યો હતો અને આશરે 1.5 મિલિયન ડોલરનો નફો મેળવ્યો હતો. નિખિલ અને રામાણીએ ક્રિપ્ટો એસેટ્સની ખરીદી છુપાવવા અન્યોના એકાઉન્ટ્સનો ઉપયોગ કર્યો હતો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter