ટોરોન્ટોઃ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફરી એક વાર તેમની ભારતવિરોધી માનસિકતા છતી કરી છે. તેમણે એક નવા વિવાદમાં હિન્દુઓના મંગલમય ધાર્મિક પ્રતીક સ્વસ્તિકને નફરત ફેલાવનારું ગણાવ્યું હતું. સોશિયલ મીડિયા એક્સ પર ટ્રુડોએ લખ્યું કે નફરત ફેલાવનારા ચિન્હોને સંસદની નજીક પ્રદર્શન કરવાની મંજૂરી આપી શકાય નહીં. આપણે ઘૃણિત ભાષા અને કલ્પના સાંભળીને તેની નિંદા કરવી જોઇએ. પાર્લામેન્ટ હિલ પર કોઇ પણ વ્યક્તિ દ્વારા સ્વસ્તિકનું પ્રદર્શન અસ્વીકાર્ય છે.
નફરતનું પ્રતીક છે નાઝીઓનું ચિહ્ન હેકેતાક્રુઝ
સોશિયલ મીડિયા પર લોકો જસ્ટિન ટ્રુડોની આ ટ્વિટની જોરદાર ટીકા કરી રહ્યા છે અને બતાવી રહ્યા છે કે સ્વસ્તિક તો પવિત્રતાનું પ્રતીક છે. જ્યારે નાઝીઓનું ચિન્હ હેકેનક્રુઝ નફરતનું પ્રતીક છે. કેટલાક દિવસો અગાઉ જસ્ટિન ટ્રુડોએ સંસદમાં એક નાઝી યુદ્ધ અપરાધીનું સમ્માન કર્યું હતું. તેની પણ ચારેતરફ ટીકા થઇ હતી અને આ ઘટનામાં કેનેડાના સ્પીકરે રાજીનામું આપી દેવું પડ્યું હતું.
ટ્રુડો સ્વસ્તિક પર પ્રતિબંધ લગાવવાની ફિરાકમાં
જસ્ટિન ટ્રુડો તાજેતરમાં જ કેનેડાની સંસદમાં ભારત ઉપર શીખ આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યા કરવાનો પાયા વગરનો આરોપ મૂક્યો હતો. આ આરોપ બાદ બન્ને દેશ વચ્ચેના સંબંધો બગડ્યા છે. ટ્રુડો ભારત વિરુદ્ધ સક્રિય ખાલિસ્તાન સમર્થક આતંકવાદીઓ તરફ કૂણી લાગણી ધરાવે છે. કેનેડિયન વડાપ્રધાન લાંબા સમયથી સ્વસ્તિક પર પ્રતિબંધ લગાવવાની ફિરાકમાં છે તે સહુ કોઇ જાણે છે.