ટ્રમ્પ-મોદીઃ દિલ સે ડીલ તક...

Wednesday 26th February 2020 04:02 EST
 
 

નવી દિલ્હી: ‘નમસ્તે ટ્રમ્પ’ સાથે શરૂ થયેલો અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો બે દિવસનો ભારત પ્રવાસ ત્રણ બિલિયન ડોલરના સંરક્ષણ સોદા સાથે સંપન્ન થયો છે. અલબત્ત, દ્વિપક્ષીય મેગા ટ્રેડ ડીલની વાત ચર્ચાના સ્તરે અટકી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રમુખ ટ્રમ્પ વચ્ચે મંગળવારે હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય બેઠક બાદ સંયુક્ત નિવેદન જારી કરાયું હતું. જેમાં બન્ને દેશોએ મેગા ટ્રેડ ડીલ વિશે આશાવાદ વ્યક્ત કર્યો છે.
વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે ત્રણ વર્ષમાં વેપારમાં બે આંકડાની વૃદ્ધિ નોંધાઇ છે. દ્વિપક્ષીય વેપારના ક્ષેત્રમાં પણ બંને દેશો વચ્ચે સકારાત્મક ચર્ચા થઈ છે. અમે એક મોટી ટ્રેડ ડીલ વિશે પણ સહમત થયા છીએ. અમને આશા છે કે, તેના સકારાત્મક પરિણામ આવશે.
પ્રમુખ ટ્રમ્પે નિવેદનમાં જણાવ્યું હતું કે, મોદી સાથેની ચર્ચામાં ત્રણ બિલિયન ડોલરના સંરક્ષણ સોદાને મંજૂરી અપાઇ છે. બંને દેશો આતંકવાદ ખતમ કરવા માટે કામ કરશે અને પાકિસ્તાન પર દબાણ ઉભું કરશે.
મોદી અને ટ્રમ્પ વચ્ચે પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીતમાં અનેકવિધ મુદ્દે ચર્ચા થઇ હતી. ભારત-અમેરિકા વચ્ચે ૬ કરાર અંતર્ગત સંરક્ષણ સોદા કરાયા છે, જેમાં ભારતને અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ અપાચે હેલિકોપ્ટર અને ભારતીય નૌસેના માટે ખૂબ જ ઉપયોગી એવા રોમિયો હેલિકોપ્ટર આપવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભારત-અમેરિકા વચ્ચે પરમાણુ રિએક્ટર સાથે જોડાયેલા કરાર પણ મહત્વના છે. જેમાં અમેરિકા ભારતને ૬ અણુ રિએક્ટર આપશે.

પ્રમુખ ટ્રમ્પે મંગળવારે રાજઘાટ જઇને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને પુષ્પાંજલિ અર્પી હતી. બાદમાં વડા પ્રધાન મોદી સાથે બેઠક યોજી હતી, અને સાંજે અમેરિકી દૂતાવાસના કાર્યક્રમમાં ભારતીય ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા કરી હતી. બાદમાં તેમણે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આયોજિત ભોજન સમારંભમાં હાજરી આપી હતી. અને મોડી રાત્રે અમેરિકા જવા રવાના થયા હતા.

મોદી-ટ્રમ્પે કર્યા એકબીજાના વખાણ

વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના ડેલિગેશનનું ફરી એક વાર સ્વાગત કરું છું અને ખુશી છે કે તેઓ પરિવાર સાથે અહીં આવ્યા. છેલ્લા ૮ મહિનામાં તેમની સાથે આ પાંચમી વખત મુલાકાત થઈ છે. દ્વિપક્ષીય સંબંધોને આ સ્થિતિમાં લાવવા માટે ટ્રમ્પનું અમૂલ્ય યોગદાન રહ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, આ બે દિવસ ખૂબ શાનદાર રહ્યા. ભારતીયોની મહેમાનગીરી હંમેશા યાદ રહેશે. ગાંધીજીના આશ્રમમાં ખાસ અનુભૂતિ થઈ.
આતંકવાદ રોકવામાં સંમતિઃ મોદી
વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે ચર્ચામાં અમે પાર્ટનરશીપ વિશે સકારાત્મક વિચાર કર્યો, જેમાં સંરક્ષણ, ટેકનિક, ગ્લોબલ કનેક્ટિવિટી, ટ્રેડ વગેરેનો સમાવેશ થાય છે. આજે અમે આતંકવાદની વિરુદ્ધના પ્રયાસો વધુ મજબૂત બનાવવા નિર્ણય કર્યો છે.

પાકિસ્તાન, કાશ્મીર મામલે ટ્રમ્પ...

ભારત પ્રવાસના સમાપન પૂર્વે પ્રમુખ ટ્રમ્પે પત્રકાર પરિષદને સંબોધતાં દ્વિપક્ષીય વેપાર, ધાર્મિક સ્વતંત્રતા, ઇસ્લામિક આતંકવાદ, પાકિસ્તાન, કાશ્મીર સહિતના મુદ્દે પ્રશ્નોના જવાબ આપ્યા હતા. ટ્રમ્પે આ વાતચીતમાં વડા પ્રધાન મોદીના વખાણ કર્યાં અને ભારતની પણ સરાહના કરી હતી. તેમણે કહ્યું હતું, ‘ભારત અને અમેરિકા વચ્ચે અત્યારે સૌથી સારા સંબંધ છે.’ તેમણે એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ધાર્મિક સ્વતંત્રતાની તરફેણમાં છે. નાગરિકતા સંશોધન કાયદા (સીએએ) બાબતે દિલ્હીમાં હિંસા વિશે તેમણે કહ્યું હતું કે ‘ધાર્મિક સ્વતંત્રતા બાબતે વડા પ્રધાન સાથે ચર્ચા કરી હતી. મોદી ધાર્મિક સ્વતંત્રતાની તરફેણમાં છે, ભારત આ મુદ્દે ગંભીર છે ને સારું કામ કર્યું છે. મોદી ઇચ્છે છે, બધાને ધાર્મિક આઝાદી મળે. અન્ય દેશની સરખામણીએ ભારત ધાર્મિક સ્વતંત્રતા બાબતે ગંભીર છે. મેં દિલ્હી હિંસા વિશે સાંભળ્યું છે, પણ મોદી સાથે વાત નથી કરી.’

દરેક કહાણીની બે બાજુ હોય છે...

પાકિસ્તાનથી ઉદ્ભવતા ત્રાસવાદના પ્રશ્ન પર ટ્રમ્પે કહ્યું, ‘પાકિસ્તાન વિશે અમારી ચર્ચા થઈ છે, ઇમરાન ખાન સાથે પણ મારી સારી મિત્રતા છે.’ જોકે કાશ્મીર મુદ્દે ટ્રમ્પે કહ્યું કે દરેક કહાણીની બે બાજુ હોય છે. તેમણે કહ્યું કે ‘કાશ્મીર મુદ્દો એક સમસ્યા છે એ વાતને નકારી ન શકાય. ભારત અને પાકિસ્તાન કાશ્મીર મુદ્દાનો ઉકેલ કાઢશે.’
‘કાશ્મીરમાં સમસ્યા છે, પરંતુ આર્ટિકલ ૩૭૦ વિશે મેં કંઈ નથી કહ્યું. કાશ્મીર સમસ્યાનો ઉકેલ ભારત અને પાકિસ્તાન કરી શકે છે. મેં કહ્યું છે કે મારાથી બનતી મદદ હું કરીશ, કારણ કે બંને દેશના વડા પ્રધાન સાથે મારે સારા સંબંધ છે.’
‘મોદી અને મેં આ બાબતે વિસ્તારથી ચર્ચા કરી છે. મોદી બહુ ધાર્મિક અને શાંત વ્યક્તિ છે, પરંતુ તેઓ બહુ મજબૂત વ્યક્તિ છે. મેં તેમને એક્શનમાં જોયા છે, તેઓ આ વિષયની સંભાળ લેશે.’


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter