ડોક્ટર આરતી પંડ્યાએ $1,850,000 ચૂકવી હેલ્થકેર ફ્રોડની પતાવટ કરી

મોતિયાની બિનજરૂરી સર્જરીઓ અને નિદાનાત્મક પરીક્ષણોની ફી વસૂલી

Tuesday 17th January 2023 13:56 EST
 
 

અટલાન્ટા, જ્યોર્જિઆઃ ભારતીય અમેરિકન ડોક્ટર આરતી ડી. પંડ્યાએ હેલ્થકેર ફ્રોડની પતાવટ બદલ 1,850,000 ડોલર ચૂકવવા પડ્યાં છે. ડોક્ટર પંડ્યાએ 6 વર્ષના ગાળામાં મોતિયાની બિનજરૂરી સર્જરીઓ અને નિદાનાત્મક પરીક્ષણો કરાવ્યા હતા અને તેની ફી વસૂલી હોવાનું કહેવાય છે.

નોર્ધર્ન ડિસ્ટ્રિક્ટ ઓફ જ્યોર્જિઆની યુએસ એટર્ની ઓફિસના જણાવ્યા મુજબ જ્યોર્જિઆના અટલાન્ટા નજીક કોન્યર્સમાં પંડ્યા પ્રેક્ટિસ ગ્રૂપ ચલાવતાં ડોક્ટર આરતી ડી. પંડ્યાએ નકામા અથવા અધૂરા ટેસ્ટ્સ અને કોઈ સર્વિસ વિના વિઝિટ્સના બિલ્સ આપીને ફોલ્સ ક્લેઈમ એક્ટનો ભંગ કર્યો હોવાનું કહેવાય છે. ડોક્ટર આરતી પંડ્યાએ 2011 અને 2016 વચ્ચેના સમયગાળામાં તબીબી દૃષ્ટિએ મોતિયા-કેટેરેક્ટ્સ દૂર કરવાની બિનજરૂરી સર્જરીઝ અને YAG લેસર કેપ્સ્યુલોટોમીઝ પ્રોસીજર કરીને ફેડરલ હેલ્થકેર પ્રોગ્રામમાં ક્લેઈમ્સ કર્યાં હતાં. પ્રોસીક્યુશને આક્ષેપ લગાવ્યો હતો કે ડો. પંડ્યાએ મેડિકલ પ્રેક્ટિસની સ્વીકાર્ય પ્રોસીજર માટે યોગ્યતા નહિ ધરાવતા પેશન્ટ્સ પર આ સર્જરીઝ કરી હતી અને કેટલાક પેશન્ટ્સને ઈજા પણ પહોંચી હતી. ડોક્ટરે બિનજરૂરી ડાયગ્નોસ્ટિક ટેસ્ટિંગને વાજબી ઠરાવવા પેશન્ટ્સને ગ્લુકોમા હોવાનું ખોટું નિદાન પણ કર્યું હતું. કેટલાક પરીક્ષણો યોગ્ય રીતે કરાયા ન હતા.

પંડ્યા પ્રેક્ટિસ ગ્રૂપના પૂર્વ કર્મચારી અને વ્હીસલબ્લોઅર લૌરા ડિલ્ડાઈનના કાનૂની દાવામાં સરકારે 2018માં હસ્તક્ષેપ કર્યા પછી હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસીસ ડિપાર્ટમેન્ટે પંડ્યા પ્રેક્ટિસ ગ્રૂપને પેમેન્ટ્સ અટકાવી દીધા હતા. ડો.પંડ્યા અને તેમના પ્રેક્ટિસ ગ્રૂપે 2019માં તેની સામે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પડકાર આપ્યો હતો. આ કેસમાં સરકારી કાનૂની કાર્યવાહીની પતાવટના ભાગરૂપે પ્રેક્ટિસ ગ્રૂપે સસ્પેન્શનની 1,850,000 ડોલરની રકમ જતી કરવા સંમતિ આપી હતી. આ પતાવટમાં સરકાર દ્વારા પેમેન્ટ સસ્પેન્શન ઉઠાવી લેવાશે. સરકાર સાથેની સમજૂતી અને કાયદા હેઠળ પંડ્યા પ્રેક્ટિસ ગ્રૂપે તેના દ્વારા અપાતી તબીબી સેવાઓ અને આઈટમ્સ તબીબી દૃષ્ટિએ આવશ્યક, યોગ્ય છે તે દર્શાવવા તેમજ ક્લેઈમ્સને યોગ્ય રીતે રજૂ કરાયા છે કે કેમ તે બાબતે સ્વતંત્ર વાર્ષિક સમીક્ષા કરાવવી પડશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter