દુનિયાના આતંકીઓને આશરો આપનાર પાક. તાત્કાલિક કાશ્મીર ખાલી કરેઃ ભારત

Wednesday 29th September 2021 04:50 EDT
 
 

યુનાઇટેડ નેશન્સઃ યુએન જનરલ એસેમ્બલીમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાનને ‘વિક્ટિમ’ બતાવીને ફરી એક વખત કાશ્મીર રાગ આલાપતાં ભારતે ‘રાઈટ ટુ રિપ્લાય’ હેઠળ ઈમરાન ખાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે સ્પષ્ટ કહ્યું હતું કે પાકિસ્તાન એક એવો દેશ છે જ્યાં આતંકવાદીઓ કોઈ પણ ડર વિના હરીફરી શકે છે અને લઘુમતીઓનું શોષણ થાય છે. પાકિસ્તાન આતંકવાદીઓને આશરો આપતો હોવાથી આખી દુનિયાને તેની નીતિના કારણે નુકસાન સહન કરવું પડયું છે. કાશ્મીરનો મુદ્દો ઉઠાવનાર પાકિસ્તાને હકીકતમાં તેણે પચાવી પાડેલા કાશ્મીરનો કબજો તાત્કાલિક છોડી દેવો જોઈએ તેમ ભારતે જણાવ્યું હતું.
યુએનમાં ભારતનાં ફર્સ્ટ સેક્રેટરી સ્નેહા દુબેએ ૨૪ સપ્ટેમ્બરે જનરલ એસેમ્બલીને સંબોધતાં કહ્યું હતું કે પાકિસ્તાનના નેતા દ્વારા ભારતની આંતરિક બાબતોને વૈશ્વિક મંચ પર ઉઠાવવાનો અને ખોટું બોલીને આ પ્રતિષ્ઠિત મંચની છબી ખરાબ કરવાનો વધુ એક પ્રયાસ કરાયો છે. તેનો જવાબ આપવા માટે અમે રાઈટ ટુ રિપ્લાય અધિકારનો ઉપયોગ કરીએ છીએ. યુવા ભારતીય રાજદૂતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ૭૬મા સત્રમાં ફરી એક વખત કાશ્મીર રાગ આલાપવા બદલ પાકિસ્તાનની આકરી ટીકા કરી હતી.
પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્રને વર્ચ્યુઅલી સંબોધન કરતાં ફરી એક વખત કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. ખાને પાકિસ્તાનને 'આતંકવાદનો શિકાર' દેશ ગણાવ્યો હતો. ઈમરાન ખાને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરવાના ભારત સરકારના નિર્ણય અને પાકિસ્તાન-સમર્થક અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીના નિધનનો મુદ્દો પણ ઊઠાવ્યો હતો.
જોકે, ઈમરાન ખાનને જડબાતોડ જવાબ આપતાં સ્નેહા દુબેએ જણાવ્યું હતું કે, આપણે સાંભળતા આવ્યા છીએ કે પાકિસ્તાન 'આતંકવાદનો શિકાર' છે, પરંતુ હકીકતમાં આ એ દેશ છે જેણે પોતે જ આગ લગાવી છે અને પોતાને આગ ઓલવનાર તરીકે બતાવવાનો દેખાડો કરી રહ્યો છે. પાકિસ્તાન માત્ર એવી આશાએ જ દુનિયાભરના આતંકવાદીઓને આશરો આપી રહ્યો છે કે તે પડોશી દેશોને જ નુકસાન પહોંચાડશે. પરંતુ હકીકતમાં તેની નીતિઓના કારણે આખી દુનિયાએ નુકસાન ઉઠાવવું પડયું છે. બીજી બાજુ તે પોતાના દેશમાં સાંપ્રદાયિક હિંસાને આતંકવાદી કૃત્યોના રૂપમાં છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.
કાશ્મીર મુદ્દે ઈમરાન ખાનને જવાબ આપતાં સ્નેહા દુબેએ જણાવ્યું કે સંપૂર્ણ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હંમેશા ભારતના અભિન્ન અને અવિભાજ્ય ભાગ હતા, છે અને રહેશે જ. આ ક્ષેત્રોમાં એવા પ્રદેશોનો પણ સમાવેશ થાય છે, જેના પર પાકિસ્તાને ગેરકાયદે રીતે કબજો જમાવ્યો છે. અમે પાકિસ્તાનને તેના ગેરકાયદે કબજાવાળા ક્ષેત્રોને તુરંત ખાલી કરવા જણાવીએ છીએ.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter