પૂરથી તબાહીઃ કેલિફોર્નિયાના કેટલાક પ્રાંતોમાં ઇમરજન્સી

Friday 20th January 2023 09:17 EST
 
 

સેક્રામેન્ટોઃ અમેરિકાનું કેલિફોર્નિયા સ્ટેટ ખતરનાક તોફાનની ચપેટમાં આવી ગયું છે. અહીં એટમોસ્ફિયરિક રિવરને કારણે આવેલા પૂરે વિનાશ વેર્યો છે. આથી કેલિફોર્નિયાનાં કેટલાક પ્રાંતોમાં બાઈડેન સરકારે ઇમરજન્સી જાહેર કરવી પડી છે. પૂરે મચાવેલી તબાહીમાં 19નાં મોત થયા છે. તો અર્થતંત્રને 20 બિલિયન ડોલરનો કમરતોડ ફટકો પડ્યો છે. પૂરની આ વિનાશક અને ગંભીર સ્થિતિ સજાવા માટે એટમોસ્ફિયરિક રિવર જવાબદાર છે. કેલિફોર્નિયામાં 20 દિવસમાં તોફાનની પેટર્ન બદલાઈ છે અને 4થી 6 ઈંચ જેટલો વરસાદ પડયો છે. સેન્ટા બાર્બરા તો એક જ દિવસમાં 20 ઈંચ વરસાદથી જળબંબાકાર થઈ ગયું છે.

15 દિવસમાં 8 વખત પૂર જેવી સ્થિતિ
કેલિફોર્નિયામાં છેલ્લા 15 દિવસમાં 8 વખત પૂર જેવી વિનાશક સ્થિતિ સર્જાઈ છે. આને કારણે ક્યાંક ભારે વરસાદથી પૂરથી આફત સર્જાઈ છે તો ક્યાંક બેફામ બરફ પડી રહ્યો છે. અહીં આખા વર્ષમાં જેટલી વખત એટમોસ્ફિયરિક સ્થિતિ સર્જાય છે તેટલી 15 દિવસમાં સર્જાતા કેલિફોર્નિયામાં તબાહીનું તાંડવ સર્જાયું છે. સેલિનોસ અને ફેક્ટોન ગ્રોવમાં ભારે વિનાશ વેરાયો છે. રસ્તાઓ જળબંબાકાર થઈ ગયા છે. લોકોને સુરક્ષિત સ્થળે ચાલ્યા જવા અપીલ કરાઈ છે.

20,000થી વધુ લોકો અંધારપટમાં
કેલિફોર્નિયામાં 20,000થી વધુ લોકો અંધારપટમાં રહેવા મજબૂર બન્યા છે. અનેક રસ્તા, પુલો, અને હાઈવે પર પૂરનાં પાણી ફરી વળતા તબાહી મચી અનેક મકાનો તૂટી ગયા છે અથવા તો પૂરમાં તણાઈ ગયા છે. 30 બિલિયન ડોલર એટલે કે આશરે રૂ. 2 લાખ કરોડનું નુકસાન થયું છે. વેપાર ધંધા ઠપ થઈ ગયા છે. જનજીવન ખોરવાઈ ગયું છે. 6 દિવસમાં અહીં 1000થી વધુ વૃક્ષો પડી ગયા છે. જેમાં કેટલાક વૃક્ષો તો 80થી 100 વર્ષ જૂના હોવાનું મનાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter