પ્રમુખ જો બાઇડેનનું ભારત કનેક્શન! મોદી-બાઇડેન મંત્રણાના પ્રારંભે થઇ રસપ્રદ ચર્ચા

Wednesday 29th September 2021 07:30 EDT
 
 

વોશિંગ્ટનઃ અમેરિકા અને ભારતના ટોચના નેતાઓ મળ્યા ત્યારે તેમની વચ્ચે ભારે હળવાશભર્યો માહોલ પ્રવર્તતો હતો. રાષ્ટ્રપતિ જો બાઇડેને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની ચર્ચાના પ્રારંભે હળવા અંદાજમાં ભારત સાથે તેમનો પારિવારિક સંબંધ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
બાઇડેને વડા પ્રધાન મોદીને કહ્યું હતું કે જ્યારે તેઓ પહેલી વાર અમેરિકાની સેનેટ માટે ચૂંટાયા તો તેમને મુંબઈથી એક પત્ર મળ્યો હતો. જેમાં કહેવાયું હતું કે તેમનું ઉપનામ પણ બાઇડેન છે, પણ બાદમાં તેમને આ અંગે વધુ જાણકારી મેળવવાનો મોકો મળ્યો નથી.
બાદમાં તેઓ દેશના ઉપપ્રમુખ બન્યા ત્યારે ભારત પ્રવાસે ગયા હતા. આ દરમિયાન સ્થાનિક મીડિયાએ તેમને ભારતીય સંબંધીઓ અંગે પૂછ્યું તો બાઇડેને તેમને એ પત્ર અંગે જણાવ્યું હતું. બાઇડેને જણાવ્યું કે પછીના દિવસે ભારતીય મીડિયાએ તેમને જણાવ્યું કે ભારતમાં કેટલાક બાઇડેન્સ વસવાટ કરે છે.
બાઇડને કહ્યું કે જોકે અમે તેનો ક્યારેય સ્વીકાર કર્યો નથી. મેં જાણ્યું કે કેપ્ટન જ્યોર્જ બાઇડેન હતા, જે ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા ટી કંપનીમાં હતા. તેઓ એ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો હવાલો આપી રહ્યા હતા, જેણે ભારત અને દક્ષિણ-પૂર્વ એશિયાના ઘણા ભાગોમાં વેપારને નિયંત્રિત કર્યો હતો.
બાઇડેન મોટા ભાગે પોતાના આઈરીશ વંશજો અંગે વાત કરતા હોય છે. આથી હળવા અંદાજમાં તેમણે ઉમેર્યું હતું કે એક આઈરીશમેન માટે બ્રિટિશ સંબંધોને સ્વીકારવાનું બહુ કઠિન હોય છે.
બાઇડેન અગાઉ પણ ભારતીય લોકો સામે પોતાના આ સંબંધ અંગે જણાવી ચૂક્યા છે. આ પછી તેમણે ફરી એક વાર કહ્યું કે કેપ્ટન બાઇડેન 'ભારતમાં રોકાયા હતા અને ભારતીય મહિલા સાથે લગ્ન કર્યાં હતાં.'
જોકે પ્રમુખ બાઇડેન વધુ કોઈ જાણકારી આપી શક્યા નહીં, પણ તેમણે મજાકમાં કહ્યું કે મોદી વોશિંગ્ટનનમાં 'મને તેના અંગે જાણકારી મેળવવામાં મદદ કરશે તેવી આશા છે.'
મોદીએ દસ્તાવેજોનો ઉલ્લેખ કર્યો
આ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રમુખ બાઇડેનને કહ્યું કે તેઓ કેટલાક દસ્તાવેજો લઈને આવ્યા છે, જે યુએસ પ્રમુખના મુંબઈ પરના સંબંધ પર પ્રકાશ પાડશે. બાઇડેને તેના પર મજાકિયા અંદાજમાં મોદીને પૂછ્યું કે શું આપણે સંબંધી છીએ?
વડા પ્રધાન મોદીએ તરત જ સમર્થન આપતા કહ્યું કે ૪૬મા અમેરિકન પ્રમુખના વાસ્તવમાં ઉપમહાદ્વીપ સાથે પારિવારિક સંબંધો હતા. મોદીએ બાઇડેનને કહ્યું કે 'કદાચ આપણે આ મામલાને આગળ લઈ જશું અને કદાચ આ દસ્તાવેજ તમને કામ લાગી શકે.' બાદમાં પ્રમુખ બાઇડેને ભારત-અમેરિકાના સંબંધો પર કહ્યું કે આપણે જે કરીએ છીએ, તેનાથી પણ આપણી ભાગીદારી મોટી છે. આ તેને લઈને છે કે આપણે કોણ છીએ... આપણા લોકતાંત્રિક મૂલ્યો, આપણી વિવિધતા અને પારિવારિક સંબંધો, જેમાં ૪૦ લાખ ભારતીય-અમેરિકન સામેલ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter