ફેસબુકના સીઓઓ શેરિલે રાજીનામું આપ્યુંઃ કારણ જાહેર કરવાનું ટાળ્યું

Saturday 11th June 2022 17:00 EDT
 
 

વોશિંગ્ટન: ફેસબુક અને તેની પેરન્ટ કંપની મેટા સાથે સંકળાયેલા એક મોટો અહેવાલ બહાર આવ્યો છે. કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઓઓ) શેરિલ સેન્ડર્ગે પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હોવાના અહેવાલોને સમર્થન આપ્યું છે. જોકે શેરિલે હજી તેમણે પદત્યાગ કેમ કર્યો તેની સ્પષ્ટતા હજી નથી કરી.
સેન્ડબર્ગે રાજીનામા સંદર્ભે મુકેલી ફેસબુક પોસ્ટમાં જણાવ્યું હતું કે પોતે સામે ચાલીને સમાજ માટેના પરોપકારી કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના બનાવી છે. સેન્ડબર્ગે ફેસબુકમાં લગભગ 14 વર્ષની સેવા આપી છે. સેન્ડબર્ગે ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, ‘સોશિયલ મીડિયાને મુદ્દે થતી રહેતી ચર્ચા તેના આરંભિક દિવસોને મુકાબલે હાલમાં ખૂબ જ બદલાઈ ગઈ છે. તે બધા વિશે વાત કરવી મારા માટે હંમેશા મુશ્કેલ રહ્યું છે, પરંતુ તે કામ મુશ્કેલ જ હોવું જોઈએ. અમારી પ્રોડક્ટ મોટા જનસમૂહને પ્રભાવિત કરે છે. તેથી અમે તેને એ રીતે જ બનાવીશું કે જે લોકોની પ્રાઈવસી અને ગોપનીયતાનું રક્ષણ કરે અને તેમને સુરક્ષિત રાખે.’
જોકે ફેસબુકની એક અન્ય પોસ્ટમાં મેટાના સીઈઓ માર્ક ઝુકરબર્ગે કહ્યું હતું કે સેન્ડબર્ગ કંપનીના સલાહકાર સમૂહમાં કામ કરવાનું ચાલુ રાખશે. ફેસબુકની આવકવૃદ્ધિમાં શેરિલનું મોટું પ્રદાન છે. ઝુકરબર્ગ સાથે કામ કરતા કરતા શેરિલે ફેસબુકની આવકમાં મોટો વધારો કર્યો હતો.
ઝેવિયર ઓલિવન નવા સીઓઓ
કંપનીના ચીફ ગ્રોથ ઓફિસર ઝેવિયર ઓલિવન હવે પછી સીઓઓ પદ સંભાળશે. જોકે ઝેવિયરની ભૂમિક શેરિલ કરતાં જરા અલગ રહેશે. સીઈઓ માર્ક ઝુકરબર્ગે આ સંબંધમાં જણાવ્યું હતું કે ઝેવિયરની ભૂમિકા પરંપરાગત સીઓઓ જેવી વધુ રહેશે. ઝુકરબર્ગે જણાવ્યું હતું કે મેટા કંપની એ સ્તરે પહોંચી ગઈ છે કે જ્યાં તમામ પ્રોડક્ટ અને વેપાર સમૂહ માટે એક સાથે મળીને કામ કરવાનું મહત્ત્વ ખૂબ જ વધી ગયું છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter