ફ્લાઈટમાં મહિલાની જાતીય સતામણી બદલ ભારતીયને અમેરિકામાં નવ વર્ષ જેલ

Wednesday 19th December 2018 06:12 EST
 
 

વોશિંગ્ટનઃ લાસ વેગાસથી ડેટ્રોઇટ જતી સ્પિરિટ એરલાઇન્સની ફલાઇટમાં ઊંઘી રહેલી મહિલાની જાતીય સતામણી બદલ ૩૫ વર્ષીય ભારતીય આઇટી પ્રોફેશનલ પ્રભુ રામમૂર્તિને અમેરિકામાં ૯ વર્ષની જેલ થઈ છે. આરોપી પ્રભુ રામમૂર્તિ ૨૦૧૫માં એચ-૧બી વિઝા પર અમેરિકા આવ્યો હતો. ડેટ્રોઇટની ફેડરેલ કોર્ટે જણાવ્યું કે જાન્યુઆરીમાં બનેલી ઘટના માટે પ્રભુને ૯ વર્ષની જેલ ફટકારવામાં આવે છે. સજા પૂર્ણ થયા પછી તેને ભારત મોકલી દેવાશે. જજ ટેરેન્સ બર્ગે જણાવ્યું કે આ સજાની આવા જ પ્રકારનો અપરાધ કરનાર ગુનેગારોને સબક મળશે.
આ ચુકાદા પછી યુએસ એટર્ની મેથ્યુ સ્ચનેડરે જણાવ્યું છે કે વિમાનમાં સુરક્ષિત અને સલામત મુસાફરી કરવાનો દરેકને અધિકાર છે. પીડિતાની નિર્બળતાનો લાભ લેનાર કોઇ પણ વ્યકિતને અમે ચલાવી નહીં લઇએ.
તમિલનાડુના રહેવાસી પ્રભુ રામમૂર્તિને ઓગસ્ટમાં પાંચ દિવસની સુનાવણી પછી દોષિત ઠેરવવામાં આવ્યો હતો. સાક્ષીઓના જણાવ્યા અનુસાર પોતાની પત્ની સાથે સફર કરતા રામમૂર્તિએ ઊંઘી રહેલી એક મહિલાની જાતીય સતામણી કરી હતી. જ્યારે આ મહિલા ઊંઘમાંથી ઊઠી તો તેના કપડાં અસ્ત વ્યસ્ત હતાં. મહિલાની પેન્ટનું બટન અને ચેઇન ખુલ્લા હતાં. પીડિતાએ તરત જ ફલાઇટ એટેન્ડન્ટને મદદ માટે બોલાવ્યા હતાં.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter