ભારતીય વિદ્યાર્થીની યુએસનાં કેન્સાસની રેસ્ટોરન્ટમાં ગોળી મારી હત્યા કરાઈ

Wednesday 11th July 2018 09:43 EDT
 
 

નવીદિલ્હીઃ અમેરિકાનાં કેન્સાસમાં હૈદરાબાદના ૨૬ વર્ષીય ભારતીય વિદ્યાર્થી સરથ કોપ્પુની એક રેસ્ટોરન્ટમાં આઠમીએ અજાણ્યા ગનમેન દ્વારા ગોળી મારી હત્યા કરાઈ હતી. હજુ ગયા વર્ષે કેન્સાસના બારમાં તેલુગુ વિદ્યાર્થી શ્રીનિવાસન કુચી ભોતલાની હત્યાની શાહી સુકાઈ નથી ત્યાં વધુ એક ભારતીય વિદ્યાર્થી અમેરિકાના ગન કલ્ચરનો ભોગ બન્યો છે. શરથ કોપ્પુ હજુ બે મહિના પહેલાં જ અમેરિકા ગયો હતો અને કેન્સાની મિસૌરી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. કેન્સાસના સ્થાનિક મીડિાયના અહેવાલ અનુસાર છઠ્ઠીએ સાંજે ૭ કલાકે જેઝ ફિશઅને ચિકન માર્કેટના એક રેસ્ટોરન્ટમાં કેટલાક અજાણયા બદમાશો ઘૂસી આવ્યા હતા. રેસ્ટોરન્ટના એક કર્મચારીએ જણાવ્યું હતું કે એક માણસે ગન કાઢી નાણાની માગણી કરી હતી. તે દરમિયાન રેસ્ટોરન્ટમાં હાજર લોકો સંતાવા લાગ્યાં હતાં, પરંતુ સરથ રેસ્ટોરન્ટના પાછળના હિસ્સામાં જવા લાગ્યો હતો આ જોતાં લૂંટારાઓએ તેને પાછળથી ૬ ગોળી મારી દીધી હતી. બનાવની જાણ થતાં કેન્સાસ પોલીસે ઘટનાસ્થળે દોડી આવી હતી અને સરથને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
૧૦,૦૦૦ ડોલરનું ઇનામ
પોલીસે સીસીટીવી ઇમેજમાં અજાણ્યા ગનમેનને શોધી કાઢ્યો છે, પરંતુ તે ફરાર હોવાથી તેની માહિતી આપનારને ૧૦,૦૦૦ ડોલરનું ઇનામ આપવાની જાહેરાત કરી છે પોલીસે ટ્વિટર પર હત્યારાના ફુટેજ પણ જારી કર્યા છે. શરથ કેન્સાસની રેસ્ટોરન્ટમાં નોકરી કરતો હતો. આ રેસ્ટોરન્ટમાં પાંચ કર્મચારી કામ કરી રહ્યા હતા. લૂંટારા આવ્યા ત્યારે અન્ય લોકો જીવ બચાવવા સંતાયા હતા, પરંતુ સરથે ત્યાંથી નાસવાનો પ્રયાસ કર્યો હતો. લૂંટારાએ તેને નાસતો જોઈ પીઠમાં ગોળી મારી દીધી હતી.
સહાયનું આશ્વાસન
ભારતીય વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે રવિવારે ભારતીય વિદ્યાર્થીના મોત અંગે સંવેદના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પીડિત પરિવારને તમામ પ્રકારની સહાય કરાશે. સુષ્મા સ્વરાજે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે દુઃષિત પરિવાર સાથે મારી સંવેદનાઓ છે અમે સતત અમેરિકન પોલીસ અને સત્તાવાળાઓના સંપર્કમાં છીએ અને પરિવારને તમામ પ્રકારની સહાય આપવામાં આવશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter