ભારત અમેરિકા પાસેથી ૨૪ રોમિયો હેલિકોપ્ટર ખરીદશે

Friday 05th April 2019 05:36 EDT
 
 

નવી દિલ્હીઃ ભારતીય સેનાના લશ્કરી બેડામાં ટૂંક સમયમાં સબમરીનો પર અચૂક નિશાન સાધવાની ક્ષમતા ધરાવતા એમએચ-૬૦-આર રોમિયો સી-હોક હેલિકોપ્ટર સામેલ થશે. આશરે ૧૮,૦૦૦ કરોડ રૂપિયાના આ હેલિકોપ્ટર સોદાને અમેરિકાએ મંજૂરી આપી દીધી છે. ટ્રમ્પ સરકારે સંસદમાં આ સોદાની જાહેરાત કરતા કહ્યું હતું કે આનાથી ભારત-અમેરિકા સંબંધોને મજબૂતી મળશે. અમેરિકી ડિફેન્સ કંપની લોકહીડ માર્ટિને આ હેલિકોપ્ટર બનાવ્યા છે, જે દરિયામાં શોધખોળ તથા બચાવકાર્યમાં પણ ઘણા ઉપયોગી સાબિત થાય છે.

ભારતને દોઢ દાયકાથી આ પ્રકારના હન્ટર હેલિકોપ્ટરની જરૂર હતી. તેનાથી દરિયામાં ભારતની યુદ્ધશક્તિ ઘણી મજબૂત થશે. આ હેલિકોપ્ટર ભારતીય સુરક્ષા દળોને જમીન પર તેમજ સબમરીનવિરોધી યુદ્ધ મિશનો પાર પાડવામાં સક્ષમ બનાવશે. આ હેલિકોપ્ટર બ્રિટનના સી-કિંગ હેલિકોપ્ટરનું સ્થાન લેશે. આ સાથે ભારત હેલિફાયર મિસાઈલ - રોકેટ પણ ખરીદશે.

મોદી-પેન્સની ફળદાયી મંત્રણા

અમેરિકા પાસેથી એમએચ-૬૦-આર રોમિયો સી-હોક હેલિકોપ્ટર ખરીદવા ગયા વર્ષે જ ચર્ચા શરૂ થઈ હતી. બાદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સિંગાપોરમાં અમેરિકી ઉપપ્રમુખ માઇક પેન્સ સાથેની મુલાકાત દરમિયાન આ મુદ્દે ચર્ચા કરી હતી. નવેમ્બર ૨૦૧૮માં થયેલી આ મુલાકાત દરમિયાન આ ડીલ અંગે ચર્ચા શરૂ થઇ હતી. એક હેલિકોપ્ટરની અંદાજિત કિંમત રૂ. ૭૪૨ કરોડથી વધારે છે.

ફર્સ્ટ જનરેશન ફાઇટર હેલિકોપ્ટર

અમેરિકન નેવીના એર સિસ્ટમ કમાન્ડ મુજબ એમએચ-૬૦-આર રોમિયો સી-હોક હેલિકોપ્ટર એન્ટિ-સબમરીન વોરફેર, એન્ટિ-સરફેસ વોરફેર, સર્વેલન્સ કમ્યુનિકેશન રિલે, કોમ્બેટ સર્ચ એન્ડ રેસ્ક્યૂ, નેવલ ગનફાયર સપોર્ટ તથા લોજિસ્ટિક્સ સપોર્ટમાં ઉપયોગી છે. નેવીની આગામી પેઢી માટે યુદ્ધ હેલિકોપ્ટર તરીકે કન્સેપ્ટ ઓફ ઓપરેશન્સનો આધાર ગણાય છે.

ભારતની ધાક વધશે

એમએચ-૬૦ રોમિયા સી-હોક હેલિકોપ્ટરથી અમેરિકા સાથે ભારતના વ્યૂહાત્મક સંબંધો વધુ મજબૂત થશે. હિન્દ પ્રશાંત અને દક્ષિણ એશિયા ક્ષેત્રમાં રાજકીય સ્થિરતા, શાંતિ અને આર્થિક પ્રગતિ માટે ભારત મહત્ત્વનો દેશ છે. અમેરિકી વિદેશ મંત્રાલયનું કહેવું છે કે આ વધેલી ક્ષમતાથી ભારતને પ્રાદેશિક જોખમો સામે લડવામાં મદદ મળશે અને તેની ગૃહ સુરક્ષા મજબૂત થશે.

સૈન્ય સંતુલન નહીં બગડે

અમેરિકી સંરક્ષણ મંત્રાલય મુજબ એમએચ-૬૦ રોમિયો સી-હોક હેલિકોપ્ટરના પ્રસ્તાવિત વેચાણથી દક્ષિણ એશિયામાં સૈન્ય સંતુલન બગડવાનું કોઇ જોખમ નથી. આ વિશ્વના સૌથી આધુનિક દરિયાઈ હેલિકોપ્ટર ગણાય છે. હિન્દુ મહાસાગરમાં ચીનના આક્રમક વલણને ધ્યાનમાં લેતા ભારત માટે આ હેલિકોપ્ટર આવશ્યક છે. તે ભારતીય નૌકાદળની મારક ક્ષમતાઓ વધારશે.

અમેરિકા-ભારત સંરક્ષણ કરાર

• જુલાઈ ૨૦૧૮માં ભારત-અમેરિકાએ ૧૫ ચિનુક હેવીલિફ્ટ અને ૨૨ અપાચે હેલિકોપ્ટરની ખરીદી માટે રૂ. ૨૧ હજાર કરોડની ડીલ પર સહીસિક્કા કર્યા હતા. • ફેબ્રુઆરીમાં ૪ ચિનુક હેલિકોપ્ટરનો પહેલી જથ્થો ભારતને મળ્યો. • છેલ્લા એક દસકામાં ભારતે અમેરિકા સાથે રૂ. ૭૦ હજાર કરોડના સંરક્ષણ કરાર કર્યા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter