મંજૂરી વગર ફેસ રિકગ્નિશનના ઉપયોગ બદલ ગુજરાતી અમેરિકન યુવાને ફેસબૂક પર કેસ કર્યો

Thursday 24th October 2019 04:55 EDT
 

સાન ફ્રાન્સિસ્કો: ફેસબૂકમાં કોઈ પણ ફોટો અપલોડ કરતાં તેમાં જો એકથી વધારે વ્યક્તિ હોય તો તુરંત એ બધાના ચહેરા ઓળખીને નામ સ્ક્રીન પર દેખાવા માંડે છે. યુઝર્સે માત્ર ફોટો અપલોડ કર્યો હોય, નામ લખ્યા ન હોય તો પણ ફેસબૂકને નામ ખબર પડી જાય તેનું કારણ ફેસબૂકની ફેસ રિકગ્નિશન સિસ્ટમ છે. ફેસબૂકે આ સિસ્ટમ શરૂ કરતાં પહેલા તેના બધા વપરાશકર્તાઓની સહમતી લીધી નથી. એટલે જે લોકો ફોટો અપલોડ કરે છે, તેમને ખબર નથી કે ફોટાનો ફેસ રિકગ્નિશન માટે પણ ઉપયોગ થાય છે. આ સુવિધાના ઘણા ગેરલાભ છે, જેમ કે ફોટાની મદદથી મોબાઈલ કે અન્ય ગેજેટ અનલોક કરી શકાય છે.

ફેસબૂકની આ ગરબડ સામે ૨૦૧૫માં ગુજરાતી અમેરિકી યુવાન નિમેશ પટેલે ઈલિનોઈની કોર્ટમાં કેસ કર્યો હતો. સામે ફેસબૂકે આ કેસ રદ કરવા માટે કોર્ટમાં અપીલ કરી હતી.

પરંતુ ૧૮મી ઓક્ટોબરે કોર્ટે ફેસબૂકની આ અપીલ ફગાવી દીધી હતી. એટલે કે ફેસબૂક સામે આ કેસ ચાલશે જ. હવે કેસ તો જ અટકી શકે જો અમેરિકાની સુપ્રીમ કોર્ટ કેસ ચલાવાની ના પાડે.

દરમિયાન ઈલિનોઈને બદલે આ કેસ હવે સાન ફ્રાન્સિકોની કોર્ટમાં ચલાવવા માટે બન્ને પક્ષો રાજી થયા છે. ઈલિનોઈ રાજ્યમાં અંદાજે ૭૦ લાખ લોકો ફેસબૂક વાપરે છે. જો દોષિત ઠરશે તો ફેસબૂકને દરેક યુઝર્સ દીઠ ૧૦૦૦ ડોલરથી માંડીને ૫ હજાર ડોલરનો દંડ થઈ શકે છે. મહત્તમ ૫ હજાર ડોલરનો દંડ થાય તો કુલ આંકડો ૩૫ અબજ ડોલરે પહોંચી શકે છે.

આ તોતિંગ દંડથી બચવા માટે ફેસબૂકે કેસ રદ કરવાની અરજી કરી હતી. ફેસબૂકે ૨૦૧૧માં આ ચહેરો ઓળખવાની પ્રથા શરૂ કરી હતી. ફોટો અપલોડ થાય એ સાથે જ ફેસબૂક પૂછે કે તમારે અમુક-તમુક ભાઈ કે બહેનને ટેગ કરવા છે, કેમ કે તેનો ચહેરો આ ફોટામાં દેખાય છે.

મોબાઈલમાં ઘણા લોકો ફેસિયલ રિકગ્નિશન લોક રાખતા હોય છે. ફોટાની મદદથી એ લોક પણ ખોલી શકાય છે. આ વાતની કોર્ટે ગંભીર નોંધ લઈને કહ્યું હતું કે આ કેસમાં લોકોની પ્રાઈવેટ લાઈફ જોખમાય છે, માટે રદ કરી શકાય નહીં. આ કેસમાં ફેસબૂકે ઈલિનોઈ રાજ્યના કાયદાનો પણ ભંગ કર્યો છે.

ટોપ-૧૦ બ્રાન્ડમાંથી ફેસબૂક આઉટ

ફેસબૂકનો સમાવેશ અત્યાર સુધી જગતની ટોપ-૧૦ બ્રાન્ડમાં થતો હતો. વૈશ્વિક ધોરણે ફેસબૂક બહુ મોટી બ્રાન્ડ છે અને દુનિયાના તમામ ખૂણે લોકો તેનો ઉપયોગ કરે છે, પરંતુ ૨૦૧૭ પછીથી ફેસબૂકની એક પછી એક પ્રાઈવસી સંબંધિત ગરબડો, કૌભાંડ, યુઝર્સના ડેટાને સુરક્ષિત રાખવા અંગેની લાપરવાહી બહાર આવી રહી છે. માટે વૈશ્વિક સંસ્થા ઈન્ટરબ્રાન્ડ એન્યુઅલ રેન્કિંગમાં ફેસબૂક ૧૦માંથી આઉટ થઈને ૧૪મા ક્રમે આવ્યું છે. આ લિસ્ટમાં એપલ પહેલા ક્રમે છે. બે વર્ષ પહેલાં આ લિસ્ટમાં ફેસબૂક આઠમા અને એક વર્ષ પહેલા નવમા ક્રમે હતી.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter