માતા-પિતા માટે યુએસનું ગ્રીનકાર્ડ મેળવવું પડકારજનક બનશે

Thursday 11th October 2018 08:07 EDT
 

વોશિંગ્ટનઃ અમેરિકાની ટ્રમ્પ સરકાર ઇમિગ્રેશન નીતિ વધુને વધુ આકરી બનાવી રહી છે. અમેરિકામાં સ્ટેટસ બદલવા માટે અરજી કરી રહેલા વિદેશી નાગરિકો માટે સરકારી સહાયનો નિયમ લાવીને મુશ્કેલીઓ સર્જ્યા પછી હવે અમેરિકામાં નાગરિકતા મેળવી ચૂકેલા વિદેશી નાગરિકો માટે પણ મુશ્કેલી સર્જી છે. અમેરિકામાં વસતા અને નાગરિકતા ધરાવતા સંતાનોના માતા-પિતાને ટ્રમ્પ સરકારનો નવો પ્રસ્તાવ ગંભીર અસર કરશે. અમેરિકી ઇમિગ્રેશન વિભાગે સ્ટેટસમાં બદલાવ કરી ગ્રીન કાર્ડ મેળવવા ઈચ્છનારાઓ માટે નવું પ્રસ્તાવિત ફોર્મ-આઈ૯૪૪ ફરજિયાત બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમાં અમેરિકી સત્તાવાળાઓ દ્વારા ઉંમર, અંગ્રેજીમાં પ્રભુત્વ, ફાઇનાન્શિયલ સ્ટેટસ, શૈક્ષણિક લાયકાત, જોબ પ્રોફાઇલ સહિતની ઢગલાબંધ વિગતો માગવામાં આવશે.

આ માહિતીના આધારે ઇમિગ્રેશન સત્તાવાળા અરજકર્તાને સરકારી સહાય (પબ્લિક ચાર્જ)ના આધારે ગ્રીન કાર્ડનો ઇનકાર કરવો કે નહીં તેનો નિર્ણય લેશે. અમેરિકી સત્તાવાળાને અમેરિકી ગરીબી માર્ગર્દિશકાના ૨૫૦ ટકા ઓછી આવક અથવા સંપત્તિ ધરાવતા હોય તેમને ગ્રીન કાર્ડનો ઇનકાર કરાશે. અમેરિકામાં બે સભ્યના પરિવાર માટે ૪૧,૧૫૦ ડોલર અને ૬ સભ્યના પરિવાર માટે ૮૪૩૫૦ ડોલર ગરીબીની વ્યાખ્યાની મર્યાદા છે. ભારતમાંથી અમેરિકા ગયેલા ૨૫ ટકા લોકો અમેરિકી માર્ગર્દિશકાથી ૨૫૦ ટકા ઓછી આવક ધરાવે છે. ફેમિલી સ્પોન્સરશિપ દ્વારા ગ્રીન કાર્ડ મેળવવાની ટકાવારી ઘણી ઊંચી છે. તેથી આ નવી જોગવાઇના કારણે પરિવાર દ્વારા સ્પોન્સરના આધારે ગ્રીન કાર્ડ મેળવવામાં ઘણી મુશ્કેલી પડશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter