મીયામી બિલ્ડીંગ હોનારતઃ પટેલ દંપતિનો મૃતદેહ મળ્યો

Wednesday 14th July 2021 03:22 EDT
 
 

મીયામીઃ ફ્લોરિડાના મીયામી બીચ નજીક સર્ફસાઈડ બિલ્ડીંગ ધરાશાયી થયાના બે વીક પછી યુકે - યુએસ બન્નેની સિટીઝનશિપ ધરાવતા ૩૬ વર્ષીય સગર્ભા ભાવના પટેલ અને તેમના ૪૨ વર્ષીય પતિ વિશાલ પટેલનો મૃતદેહ કાટમાળમાંથી મળી આવ્યો હતો. જોકે, તેમની પુત્રી ઐશાનીનો હજુ પત્તો લાગ્યો નથી. મીયામી - ડેડેના મેયર ડેનિએલા લેવીના કાવાએ જણાવ્યું હતું કે આ દુર્ઘટનાનો કુલ મૃત્યુઆંક ૯૪ થયો છે. ૯૪ મૃતકોમાંથી ૮૩ની ઓળખ થઈ ચૂકી છે અને ૮૦ પરિવારોને આ અંગે જાણ કરી દેવાઈ છે. 
મીયામી  - ડેડે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા જણાવાયું કે ગઈ ૨૪ જૂને આ બિલ્ડીંગ તૂટી પડ્યું તે પછી ભાવનાબેન, વિશાલ પટેલ અને પુત્રી ઐશાની લાપતા હતા. કમનસીબે, ભાવના અને વિશાલના મૃતદેહો કાટમાળમાંથી મળી આવ્યા હતા. તેમના ઉપરાંત અન્ય છ મૃતકોની પણ ઓળખ કરાઈ હતી.
મીયામી - ડેડે પોલીસ ડિરેક્ટર અલ્ફ્રેડો રેમીરેઝે જણાવ્યું કે રેસ્ક્યુ ટીમો યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે અને તેમની ટોચની પ્રાથમિકતા કાટમાળમાંથી મૃતકોને શોધી કાઢવાની છે. પરંતુ, દિવસો વીતવાની સાથે જીવિત લોકો મળવાની આશા ઓછી થતી જાય છે. ૨૪ જૂને વહેલી સવારે ૧૨ માળનું બિલ્ડીંગ તૂટી પડ્યું તેના થોડા કલાકો પછી બિલ્ડીંગમાંથી કોઈ વ્યક્તિ જીવિત મળી શકી નથી. ઈમરજન્સી વર્કર્સે ૧૪ દિવસ કરતાં વધુનો સમય કાટમાળ ખસેડવામાં ગાળ્યો હતો. મેયર લેવિન કાવાએ જણાવ્યું કે સર્ચ અને રેસ્ક્યુ મિશનમાં તેમણે શક્ય તમામ વિકલ્પ  પર કામ કર્યું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter