વોશિંગ્ટન: અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા પછી દેશમાં ગેરકાયદે વસતા વસાહતીઓને શોધી-શોધીને તેમના દેશમાં મોકલાઇ રહ્યાં છે. આ સંજોગોમાં અમેરિકાની પોલીસે ગેરકાયદે વસાહતીઓને શોધવા માટે શીખોના ગુરુદ્વારામાં પણ તપાસ શરૂ કરી છે જેનો કેટલાક શીખ સંગઠનોએ વિરોધ કર્યો છે. આ સાથે જ તેમને ધાર્મિક પવિત્રતાનો ભંગ પણ ગણાવ્યો છે. ન્યૂ યોર્ક અને ન્યૂ જર્સીના કેટલાક ગુરુદ્વારાનો ઉપયોગ શીખ અલગતાવાદીઓને અને ગેરકાયદે આવેલા વસાહતીને આશ્રય આપવા કરાતો હોવાનું ન્યૂઝ એજન્સીઓનું કહેવું છે.
અમેરિકન પોલીસ (હોમલેન્ડ સિક્યુરિટી)ના પ્રવક્તાએ જણાવ્યું છે કે હવે ગુનેગારો ધરપકડથી બચવા માટે અમેરિકન સ્કૂલો અને ચર્ચોમાં પણ છૂપાઇ નહીં શકે. ટ્રમ્પ વહીવટી તંત્ર તેમના બહાદુર કાયદાકીય અધિકારીઓના હાથ નહીં બાંધે પરંતુ તેમની કાર્યવાહી પર વિશ્વાસ કરશે.
અમેરિકન પોલીસની કાર્યવાહી પર નારાજગી
અમેરિકન પોલીસની કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરતાં શીખ અમેરિકન લીગલ ડિફેન્સ એજ્યુકેશન ફંડે આ દિશાનિર્દોશે અંગે ચિંતા વ્યક્ત કરી, જેમાં પૂજાસ્થળો જેવા સંવેદનશીલ સ્થળોને ચિન્હિત કરવામાં આવ્યા છે. બાઇડેનના શાસન દરમિયાન આ સ્થળો પર તેમની કાર્યવાહી પ્રતિબંધિત હતી.