યુએસમાં હિન્દુ અમેરિકન પર શીખ અમેરિકનનો વંશીય હુમલો

Saturday 10th September 2022 06:06 EDT
 
 

ન્યૂ યોર્કઃ તાજેતરમાં જ એક મેક્સિકન અમેરિકન મહિલા દ્વારા ચાર ભારતીય મહિલાઓ પર વંશીય હુમલાના અહેવાલોની શાહી હજુ સૂકાઇ નથી ત્યાં ભારતીય પર વંશીય ટિપ્પણીઓ અને હુમલાની વધુ એક ઘટના સામે આવી છે. જોકે આ ઘટનામાં સૌથી ગંભીર બાબત એ છે કે વંશીય હુમલો ભારતીય અમેરિકન દ્વારા જ કરાયો છે. સોશિયલ મીડિયામાં વાઇરલ બનેલા વીડિયોમાં 37 વર્ષીય શીખ અમેરિકન તેજિન્દર સિંહ અન્ય એક હિન્દુ ભારતીય અમેરિકન ક્રિશ્નન જયરામન સામે વંશીય ટિપ્પણીઓ કરતો જોઇ શકાય છે. તેજિન્દર સિંહ સામે હેટ ક્રાઇમ અને નાગરિક અધિકારોના ઉલ્લંઘન, આક્રમક ભાષા દ્વારા શાંતિ ડહોળવા સહિતના આરોપોસર કેલિફોર્નિયાની ફ્રેમોન્ટ પોલીસે કેસ નોંધ્યો છે.
ક્રિશ્નન જયરામન 21મી ઓગસ્ટના રોજ કેલિફોર્નિયાના ફોરમેન્ટ ખાતે આવેલા તાકો બેલમાં ખરીદી માટે ગયા હતા ત્યારે તેજિન્દર સિંહે તેમની સામે બેફામ વંશીય ટિપ્પણીઓ કરી હતી. તેજિન્દરે જયરામનને કહ્યું હતું કે, તમે હિન્દુઓ ગંદા અને કૂતરા જેવા છો. તમે ગાયના મૂત્રથી સ્નાન કરો છો. તમે ભારતીય લોકોને મજાક સમાન બનાવી દીધાં છે. તારા ગંદા દેખાવ સામે જો. તું કૂતરા જેવો દેખાય છે. આ રીતે જાહેરમાં ક્યારેય આવીશ નહીં. તેજિન્દર સિંહ બે વાર જયરામનના ચહેરા પર થૂંક્યો હતો અને કહ્યું હતું કે તું ભારતમાં નહીં, અમેરિકામાં છે.
જયરામન કહે છે કે તેજિન્દરની એક્સેન્ટ પરથી હું સમજી શક્યો હતો કે તે પણ ભારતીય છે. હું ઘણો ગભરાઇ ગયો હતો. પોલીસ ચીફ સીન વોશિંગ્ટને જણાવ્યું હતું કે, અમે હેટ ક્રાઇમને ઘણી ગંભીરતાથી લઇએ છીએ. આ પ્રકારની ઘટનાઓની અમારા સમાજ પર ગંભીર અસર પડે છે. આ પ્રકારની ઘટનાઓ સ્વીકાર્ય નથી. અમે જેન્ડર, વંશ., રાષ્ટ્રીયતા, ધર્મ કે અન્ય કોઇપણ ભેદભાવ વિના દરેક સમુદાયને સંરક્ષણ આપીએ છીએ. અમે દરેક સમુદાયને એકબીજાનું સન્માન જાળવવા અપીલ કરીએ છીએ.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter