વોશિંગ્ટન: પ્રેસિડેન્ટ ટ્રમ્પના વહીવટી તંત્રે દુનિયાભરના અમેરિકન રાજદૂતાવાસો અને તેમના વાણિજ્ય વિભાગોને સ્ટુડન્ટ માટે જે વિઝા, પ્રોફેશનલ માટે એમ વીઝા અને એક્સચેન્જ વિઝિટર જે વિઝાના ઇન્ટરવ્યુ માટે નવી એપોઇન્ટમેન્ટ આપવા પર પ્રતિબંધ મુકી દીધો છે. વિદેશી સ્ટુડન્ટ્સ માટે ફરજિયાત સોશ્યલ મિડિયા સ્ક્રિનિંગ લાગુ પાડવાની વ્યાપક યોજનાના ભાગરૂપે આ પગલું ભરાઇ રહ્યું હોવાનું અહેવાલમાં જણાવ્યું છે. અહેવાલમાં વિદેશ પ્રધાન માર્કો રૂબિયોની સહીવાળા દસ્તાવેજોનો ઉલ્લેખ પણ છે.
દસ્તાવેજોમાં સ્પષ્ટ જણાવાયું છે કે તત્કાળ અમલમાં આવે એ રીતે જરૂરી સોશ્યલ મીડિયા તપાસને વ્યાપક બનાવવાની તૈયારીના ભાગરૂપે કોઇપણ સ્ટુડન્ટ કે એક્સચેન્જ વિઝિટરની વિઝા ઇન્ટરવ્યુ માટે એપોઇન્ટ નક્કી ન કરાય. જ્યાં સુધી આ મામલે વધારે માર્ગદર્શન ન અપાય ત્યાં સુધી આદેશલાગુ રહેશે. સ્ટુડન્ટસ વિઝાના મામલે પ્રતિભાવ આપતાં વિદેશ વિભાગના પ્રવકતાએ કહ્યું હતું કે સરકાર વ્યક્તિગત વિઝાના મામલે કે તેમાં લેવામાં આવેલાં નિર્ણયો વિશે જાહેરમાં કોઇ ટિપ્પણી કરતી નથી. અમેરિકામાં પ્રવેશતા દરેક વ્યક્તિની તપાસ ગંભીરતાથી કરાય છે અને ભવિષ્યમાં પણ તે ચાલુ રહેશે. તમે સ્ટુડન્ટ હો, પ્રવાસી હો, કે કોઇપણ શ્રેણીના વિઝાધારક હો, અમે દરેક જણની તપાસ કરીશું.