યુનિવર્સિટી છોડી, ઘરવાળાએ રોક્યા, છતાં કોરોનામાં કંપની શરૂ કરી, આજે માર્કેટ વેલ્યૂ રૂ. ૨૨૫૦ કરોડ

Wednesday 15th December 2021 04:59 EST
 
 

વોશિંગ્ટનઃ આંખોમાં એક સપનું હોય, હૈયે હામ હોય ને તેને સાકાર કરવા આકરી મહેનતની તૈયારી હોય તો સમજી લેજો કે તમારી સફળતાને કોઇ રોકી શકવાનું નથી. આ વાત છે બે મિત્રોની, ઉંમર ફક્ત ૧૯ વર્ષ... પણ બિઝનેસ શરૂ કરવાની ધૂનમાં અમેરિકાની પ્રતિષ્ઠિત સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં કમ્યુટર સાયન્સનો અભ્યાસ પણ છોડી દીધો.
આત્મવિશ્વાસ એટલો કે વર્ષથી ઓછા સમયમાં સ્ટાર્ટઅપ શરૂ કરી દીધું. મોટા અને સારા ફંડિંગવાળા સ્ટાર્ટઅપને પણ પગ જમાવતાં લાંબો સમય લાગી જાય છે. પરંતુ આ મિત્રોના સ્ટાર્ટઅપ જેપ્ટોએ તાજેતરમાં રૂ. ૪૫૦ કરોડનું ફંડિંગ એકત્ર કર્યું છે. આ વાત છે યુવા ઉદ્યમીઓ કૈવલ્ય વોહરા અને આદિત પલિચાની. આવો, તેમના જ શબ્દોમાં જાણીએ તેમની સફળતાની કહાણી...
‘સ્ટેનફોર્ડમાં એડમિશન સપનું સાકાર થવા જેવું હતું પણ લક્ષ્ય તો બિઝનેસ શરૂ કરવાનું જ હતું. આથી કમ્પ્યૂટર સાયન્સનો અભ્યાસ છોડી દીધો. પરિવારે કહ્યું કે, ભવિષ્ય સાથે ખિલવાડ ન કરશો. જોકે, બિઝનેસ વિસ્તરતો જોયો તો પરિવારજનો પણ ખુશ થયા. કોરોનાની પ્રથમ લહેરમાં અમે જોયું કે, લોકોને ઘરની જરૂરી ચીજવસ્તુઓ માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો. મોટાભાગની ગ્રોસરી ડિલિવરી એપ વસ્તુ પહોંચાડવામાં ૩-૪ દિવસનો સમય લેતી હતી. અમારા જેવા બેચલર્સ માટે આટલી રાહ જોવી મુશ્કેલ હતી. આ સમયે લાગ્યું કે લોકો પર શું વીતતું હશે. બસ ત્યારે આઈડિયા ક્લિક થયો...
અમને લાગ્યું કે, દેશમાં ક્યૂ કોમર્સ (ક્વિક કોમર્સ)નું ભવિષ્ય સોનેરી છે. પછી તો ગ્લેડ બ્રુક કેપિટલ જેવા રોકાણકારોએ અમારી ઉંમર પર ધ્યાન ન આપતા બિઝનેસના પાયાની વાતો પર ધ્યાન આપ્યું. તાજેતરના ફંડિંગ રાઉન્ડમાં કંપનીની માર્કેટ વેલ્યૂ રૂ. ૨૨૫૦ કરોડ અંકાઈ છે. આજે તમામ ઓર્ડર ૧૦ મિનિટથી ઓછા સમયમાં ડિલિવર થઈ જાય છે, જ્યારે અમુકમાં જ ૧૫થી ૧૬ મિનિટનો સમય લાગે છે. હાલ અમે ફક્ત મુંબઈ, દિલ્હી, બેંગ્લૂરુ તથા એનસીઆરમાં છીએ.
અમે ૨૦૦૦ એવી ચીજવસ્તુઓ પસંદ કરી છે જેની જરૂર સૌથી વધુ પડે છે. તેમાં નાશ્તો, ભોજન, પાન, મુખવાસ અને પૂજાના ફુલ છે. અમારા સ્ટોરમાં ૧૦૦થી વધુ ચીજવસ્તુઓ એન્ટ્રન્સ પર જ હોય છે, જેથી પેકિંગ તથા ડિલિવરીમાં સમય ન લાગે. ગ્રોસરી ડિલિવરી બજાર વાર્ષિક ૨૦૦ ટકાના દરે વધી રહ્યું છે.
જ્યારે મિનિ ગ્રોસરી ડિલિવરી સેગમેન્ટમાં તો અનેક સ્ટાર્ટઅપ પેદા કરવાની ક્ષમતા છે... લાગે છે કે સ્ટેનફોર્ડ છોડવાનો અમારો નિર્ણય ખોટો ન હતો.’’


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter