રિલાયન્સ જિયો-ફેસબુક ડીલઃ કોને શું લાભ થશે?

Friday 01st May 2020 06:24 EDT
 
 

રિલાયન્સ જિયો અને ફેસબુકના સ્ટોક ડીલથી કોને શું લાભ થશે તે સમજો...

• અમે ૨૦૧૬માં જિયોની શરૂઆત કરી ત્યારે અમારું એક સ્વપ્ન હતું. તે ભારતનું ડિજિટલ સર્વોદયનું સ્વપ્ન હતું. ડિજિટલ ક્રાંતિ થકી દરેક ભારતીયનું જીવન બહેતર બનાવવાનું અમારું સપનું છે. આ એક એવી ક્રાંતિ છે જે ભારતને ડિજિટલ વર્લ્ડના શિખરે પહોંચાડે છે. ડિજીટલ ઇકોસિસ્ટમના વિકાસ અને બદલાવ માટે અમે લાંબા ગાળાના ભાગીદાર તરીકે ફેસબુક આવકારીએ છીએ. આ જોડાણથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરવામાં મદદ મળશે. - મુકેશ અંબાણી, ચેરમેન - રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

• અમે વ્હોટ્સઅપની મદદથી જિયોમાર્ટનો પ્રારંભ કરી રહ્યા છીએ. તેના દ્વારા લોકો સીધા નાના બિઝનેસ અને દુકાનો સાથે સંકળાઇને વસ્તુઓની ખરીદી કરી શકશે. - માર્ક ઝુકરબર્ગ, સીઇઓ - ફેસબુક

• ફેસબુકને જિયોના બહોળા નેટવર્કનો લાભ મળશેઃ ભારતમાં વ્હોટસઅપના ૩૪ કરોડથી વધુ સબસ્ક્રાઇબર્સ છે. ટ્રાઇ દ્વારા પ્રતિબંધ મુકાયા બાદ ફેસબુક ફ્રી બેઝિક પ્લાનનો અમલ કરી શકી નથી. આથી હોમ ઇન્ટરનેટથી માંડીને ઇ-કોમર્સ સુધીના પ્લાન માટે રિલાયન્સ જિયોના શહેરી અને બહોળા ગ્રામીણ નેટવર્કનો ફેસબુકને લાભ થશે. તે ઉપરાંત ચીનની ટિકટોક એપનો મુકાબલો કરવામાં મદદ મળી રહેશે.

• ૨૦૨૧ સુધીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દેવામુક્તઃ ફેસબુક સાથેના સોદાના કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૨૦૨૧ સુધીમાં દેવામુક્ત કંપની બની જશે. ઓક્ટોબર ૨૦૧૯માં રિલાયન્સે જિયોનું ૧૦૮૦ અબજ રૂપિયાનું દેવું પોતાના માથે લીધું હતું. જેના પગલે જિયોના માથે ફક્ત ૬૪૦ અબજનું દેવું રહી ગયું હતું. ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ રિલાયન્સનું નેટ દેવું ૧૫૩૧ અબજ રૂપિયા હતું.

જિયોની નેટવર્થ ૬૫ બિલિયન ડોલર

જિયોની નેટવર્થ અધધધ ૬૫ બિલિયન ડોલર છે, મતલબ કે કેટલાક દેશોની જીડીપી કરતાં પણ વધુ છે. ફેસબુક સાથેના સોદા બાદ રિલાયન્સ જિયોની નેટવર્થ ૬૫ બિલિયન ડોલર પર પહોંચી છે. જે ઝિમ્બાબ્વે, મોરિશિયસ અને આઇસલેન્ડની જીડીપીનો સરવાળો કરીએ તો તેના કરતાં પણ વધુ છે. ઝિમ્બાબ્વેનો જીડીપી ૧૯.૪ બિલિયન, મોરિશિયસનો ૧૪ બિલિયન અને આઇસલેન્ડનો જીડીપી ૨૬.૬ બિલિયન ડોલરથી વધુ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter