લોસ એન્જલસમાં દોશી સેન્ટર ફોર ઈન્ટિગ્રેટિવ મેડિસીનનો પ્રારંભ

Tuesday 25th May 2021 17:11 EDT
 
 

લોસ એન્જલસઃ વૈશ્વિક આરોગ્ય કટોકટી વચ્ચે મહર્ષિ ઈન્ટરનેશનલ યુનિવર્સિટી દ્વારા૧૪ મેએ દોશી સેન્ટર ફોર ઈન્ટિગ્રેટિવ મેડિસીન ખૂલ્લું મૂકવામાં આવ્યું હતું. લોસ એન્જલસમાં સેપુલ્વેડા બોલેવર્ડના પ્રાઈમ લોકેશનમાં ભારતીય અમેરિકન દાતા નવીન દોશી અને પ્રતિમા દોશી દ્વારા બે માળના બિલ્ડીંગના સ્વરૂપે અપાયેલા પાંચ મિલિયન ડોલરના ડોનેશનથી આ સેન્ટર શક્ય બન્યું હોવાની MIUના પ્રમુખ ડો. જહોન હેગલીને ઓનલાઈન ઈવેન્ટમાં જાહેરાત કરી હતી.

ભારત અને તેની પરંપરાઓના સંશોધન અને અભ્યાસને સહાય કરવા બદલ સધર્ન કેલિફોર્નિયામાં ખૂબ જાણીતા દોશી દંપતિ માટે શૈક્ષણિક સંસ્થાઓને શ્રેણીબદ્ધ ડોનેશનમાં આ વધુ એક હતું. નવું સેન્ટર આયુર્વેદીક સારવાર, તાલીમ અને સંશોધન માટેનું ક્લિનિક બની રહેશે.

હેગલીને ઉમેર્યું કે દર્દીઓની વેસ્ટર્ન મેડિકલ ડોક્ટર અને આયુર્વેદિક વૈદ્ય બન્ને દ્વારા તબીબી ચકાસણી થશે અને તેઓ સમાંતરે કાર્ય કરશે. અંડરગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવનારા સેંકડો ઓનલાઈન વિદ્યાર્થીઓની ક્લિનિકલ ટ્રેનિંગ દરમિયાન આ સેન્ટર તેમના રહેઠાણનું સ્થળ બનશે.

હાલ આ સેન્ટર વીકમાં બે દિવસ ખૂલ્લું રહેશે અને ટૂંક સમય પછી લોસ એન્જલસના કાર્ડિયોલોજિસ્ટ અને મેડિકલ સુપરવાઈઝર ડો. જહોન ઝમારા અને વૈદ્ય ડો. મનોહર પાલાકુર્તિની દેખરેખ હેઠળ વીકના તમામ દિવસ ખૂલ્લું રહેશે.

નવીન દોશીએ કેમ્પસમાં અપાતા સાકલ્યવાદી શિક્ષણ તેમજ ત્યાંની સાદી જીવનશૈલીથી પ્રભાવિત થયા હોવાનું જણાવ્યું હતું. તે સાંજે નોર્વોકમાં સનાતન ધર્મ મંદિર ખાતે ડિનરમાં તેમણે જણાવ્યું કે મૃત્યુ પછી બધું અહીં જ રહી જાય છે. તેથી તેમને સમાજને પાછું આપવામાં આનંદ આવે છે.

સવારે અને સાંજના કાર્યક્રમોમાં સંખ્યાબંધ વક્તાઓએ ભાગ લીધો હતો. તેમાં ડો. અનીતા ગાર્લાપતિ, પ્રો. દીપક શીમખેડા,ડો. રોબર્ટ સ્નીડેર, ડો પૌલ મોરહેડ, પ્રો. ક્રિસ્ટોફર ચેપલનો સમાવેશ થાય છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter