લ્યુઈસ્ટનઃ અમેરિકામાં ગન કલ્ચર માઝા મૂકી રહ્યું છે. 25 ઓક્ટોબરની રાત્રે ફરી એક વાર અમેરિકાનાં મેઇને સ્ટેટનાં લ્યુઈસ્ટન શહેરમાં માથા ફરેલા હુમલાખોરે ત્રણ સ્થળે કરેલા અંધાધૂંધ ફાયરિંગમાં 22 નિર્દોષ માર્યા ગયા હતા. જ્યારે 60થી વધુને ઈજાગ્રસ્ત થયા હતા. લોકો પર આડેધડ ફાયરિંગ કરનાર હુમલાખોર ફરાર થઈ ગયો હતો. ઘટનાને નજરે જોનાર સાક્ષીઓનાં જણાવ્યા મુજબ હુમલાખોર પાસે ગન હતી જેનાથી તે આડેધડ ફાયરિંગ કરી રહ્યો હતો. ફાયરિંગ વખતે તે બૂમો પાડતો હોવાનું કહેવાય છે. થોડા મહિના પહેલાં તેણે માનસિક બીમારીની સારવાર લીધી હોવાનું પોલીસ તપાસમાં જણાયું છે. અમેરિકાની વસ્તી 33 કરોડ છે અને ત્યાં લોકો પાસે 40 કરોડથી વધુ ગન છે.
માસ શૂટિંગમાં 35 હજારનાં મોત
અમેરિકામાં માસ શૂટિંગની હવે કોઈ નવાઈ રહી નથી. ગન વાયોલન્સ આર્કાઈવ્સ મુજબ માસ શૂટિંગ સહિતની અલગ અલગ ઘટનાઓમાં 2023ના 10 મહિનામાં કુલ 35,279 લોકોનાં મોત નીપજ્યાં છે, જેમાં 1,157 બાળકો-સગીરોનો સમાવેશ થાય છે. દેશમાં વર્ષ 2023માં માસ શૂટિંગની 55 ઘટના જ્યારે માસ મર્ડરની 31 ઘટના થઈ છે, જેમાં કુલ 35,279 લોકોનાં મોત થયા છે. આ ઘટનામાં 41 પોલીસ કર્મચારીઓનો ભોગ લેવાયો છે. વધુમાં બંદૂકથી આત્મહત્યા કરનારાઓની સંખ્યા 19,734 થઈ છે. ગન વાયોલન્સમાં મોટાભાગનાં મોત ટેક્સાસ, કેલિફોર્નિયા, ફ્લોરિડા, જ્યોર્જિયા, નોર્થ કેરોલિના, ઈલિનોઈ અને લુસિઆનામાં થયા છે.