વડા પ્રધાન મોદીને વોલ સ્ટ્રીટ નિષ્ણાતનો ખુલ્લો પત્રઃ રાજનીતિ રાહ જોઈ શકે છે, અર્થતંત્ર નહીં

Wednesday 22nd January 2020 06:29 EST
 

વોશિંગ્ટનઃ આઇએમએફે ભારતના અર્થતંત્રના વર્ષ ૨૦૧૯-૨૦ માટેના ગ્રોથ રેટનો અંદાજ ઘટાડીને ૪.૮ ટકા કર્યાના એક દિવસ પછી અમેરિકાની પ્રસિદ્ધ વોલ સ્ટ્રીટમાં ઇન્વેસ્કોમાં વાઇસ ચેરમેન ક્રિશ્ના મેમાણી દ્વારા ભારતીય અર્થતંત્રની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતાં મોદીને ખુલ્લો પત્ર લખવામાં આવ્યો છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં શું ચાલી રહ્યું છે તે અમે જાણીએ છીએ અને આ તમામ બાબતો પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે. હાલની સ્થિતિ જોતાં એમ લાગી રહ્યું છે કે ભારત લાંબાગાળાની આર્થિક મંદીમાં સપડાઇ શકે છે. તમારી રાજનીતિ રાહ જોઇ શકે છે પરંતુ અર્થતંત્ર નહીં. તમે સારી રીતે જાણો છો કે કયા કારણે ભારતીય અર્થતંત્ર માંદુ પડયું છે.

ફક્ત ચર્ચાઓ કરવાથી કશું થશે નહીં. તાત્કાલિક પગલાં લેવાં પડશે. ભારતની જનતાએ તમને ભારે જનમતથી ચૂંટયા છે. તેમના જીવનોની સ્થિતિ સુધરે તે માટે આ જનમતનો ઉપયોગ કરો. ભારત જેવા મોટા દેશમાં ઘણી સમસ્યા હોઇ શકે છે પરંતુ ઊંચો ગ્રોથ રેટ જ લોકોનાં જીવનધોરણ સુધારી શકે છે. જ્યાં સુધી તમે સંપૂર્ણ ધ્યાન નહીં આપો ત્યાં સુધી ભારત તકો ગુમાવતો રહેશે. રાજનીતિ રાહ જોઇ શકે છે, અર્થતંત્ર નહીં.

મેમાણીના પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ભારત ક્રેડિટ ક્રન્ચમાંથી પસાર થઇ રહ્યો છે. ભારતે ક્રેડિટ ગ્રોથમાં સુધારો કરવો પડશે. ભારત સરકારે સમસ્યાઓના ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. ભારતે ગ્રોથ રેટ વધારવો હશે તો મૂડીરોકાણ વધારવું પડશે. મૂડીરોકાણ વિના રોજગાર વધવાનો નથી. ભારતમાં દર વર્ષે લાખો યુવાનો જોબ માર્કેટમાં જોડાવા બહાર પડે છે. જો તેમને નોકરીઓ નહીં મળે તો તે દેશ માટે જવાબદારી બની રહેશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter