ન્યૂ યોર્કઃ અમેરિકામાં બીજી વખત પ્રમુખપદના શપથ લેવા જઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી વધી ગઈ છે. ન્યૂ યોર્કની કોર્ટ ટ્રમ્પને હશ મની કેસમાં 20 જાન્યુઆરીએ તેઓ પ્રમુખપદના શપથ પહેલાં તે પૂર્વે 10 જાન્યુઆરીએ સજા સંભળાવે તેવી સંભાવના છે. જોકે, કોર્ટે સંકેત આપ્યા છે કે ટ્રમ્પને જેલ નહીં જવું પડે. આ સાથે અમેરિકન ઈતિહાસમાં પહેલી વખત ચૂંટાયેલા પ્રમુખે કોર્ટનો સામનો કરવો પડશે.
જોકે ટ્રમ્પના કેસની સુનાવણી કરી રહેલા ન્યાયાધીશે ચૂંટાયેલા પ્રમુખને જેલ થશે તેવી અટકળો ફગાવી દીધી છે. તેમનું કહેવું છે કે ટ્રમ્પને જેલ કે દંડ કશું જ નહીં થાય. 10 જાન્યુઆરીએ થનારી સુનાવણી દરમિયાન ટ્રમ્પને સશરત છોડી મૂકાઇ શકે છે. જોકે, ટ્રમ્પ અમેરિકાના પહેલા દોષિત પ્રમુખ બનશે તે લગભગ નિશ્ચિત મનાય છે. આ સિવાય આગામી સુનાવણી માટે ડોનાલ્ડ ટ્રમ્પ કોર્ટમાં વ્યક્તિગત હાજર નહીં રહે, પણ તેઓ વર્ચ્યુઅલ હાજરી આપશે.
ટ્રમ્પના કેસની સુનાવણી કરી રહેલા જજે સંકેત આપ્યા હતા કે તેઓ ભૂતપૂર્વ અને ભાવિ પ્રમુખને શરતી ડિસ્ચાર્જ તરીકે ઓળખાતી સજા આપશે. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખપદની મુક્તિના ધોરણે પોતાની સામેનો કેસ રદ કરવા અને આ કેસમાં ચૂકાદો ના આવે તે માટે જજ પર દબાણ કર્યું હતું, પરંતુ તેઓ ટ્રમ્પના દબાણને વશ થયા નહોતા.
જજે સ્પષ્ટ કર્યું હતું કે, ટ્રમ્પને સજા સંભળાવવામાં કોઈ કાયદાકીય અવરોધ જણાતો નથી. તેથી 20 જાન્યુઆરીએ ટ્રમ્પ પ્રમુખપદના શપથ લે તે પહેલાં જ તેઓ તેમને સજા કરી શકે છે.