હેટ ક્રાઇમની શિકાર ભારતીય બાળકી ધૃતિને બચાવવા અમેરિકામાં રૂ. ૪ કરોડથી વધુ ફંડ એકત્ર

Thursday 09th May 2019 07:37 EDT
 

વોશિંગ્ટન: અમેરિકામાં હેટ ક્રાઇમની શિકાર અને જિંદગી માટે હોસ્પિટલમાં સંઘર્ષ કરી રહેલી એક ભારતીય બાળકીની મદદ માટે હજારોની સંખ્યામાં લોકો આગળ આવી રહ્યા છે. માત્ર આઠ દિવસની અંદર ક્રાઉડ-ફંડિગના માધ્યમથી ૬ લાખ ડોલર (આશરે રૂ. ૪.૧૭ કરોડ) એકઠા થયા છે. ૧૩ વર્ષની ધૃતિ નારાયણના માથા પર ગંભીર ઈજા પહોંચી છે. તે હાલ હોસ્પિટલમાં લાઇફસપોર્ટ સિસ્ટમ પર છે.

એક પૂર્વ સૈનિકે મુસ્લિમ સમજીને બાળકી સહિત પરિવાર પર કારથી હુમલો કરી દીધો હતો. કેલિફોર્નિયામાં ૨૩ એપ્રિલે ધૃતિ તેના ભાઈ, પિતા અને પરિવારના બીજા સભ્યો સાથે રોડ ક્રોસ કરી રહી હતી. આ સમયે સનીવેલ વિસ્તારમાં એક પૂર્વ સૈનિક ઇશાહ પીપલ્સ (૩૪)એ તેના પર કારથી હુમલો કર્યો હતો. જાણવા મળ્યું છે કે, પૂર્વ સૈનિક પોસ્ટ ટ્રોમેસ્ટિક સ્ટ્રેસ ડિસઓર્ડર (પીટીએસડી)થી પીડિત છે. તે ઇરાક યુદ્ધ પર લડી ચૂક્યો છે. આ હુમલામાં ધૃતિના પિતા અને ૯ વર્ષના તેના ભાઈને પણ ઈજા પહોંચી છે. પોલીસે જણાવ્યું કે મામલો હેટ ક્રાઇમનો હોય તેવું જણાય રહ્યું છે કારણ કે, પરિવારને મુસ્લિમ સમજીને તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરને કોઈ ઇજા નથી થઈ. હાલ તેની ધરપકડ થઈ ગઈ છે અને તે જેલમાં છે. તેના પર હત્યાની કોશિશનો કેસ ચાલી રહ્યો છે. આ મામલાની આગામી સુનાવણી ૧૬મેએ થશે.

ધૃતિના ઇલાજ માટે આઠ દિવસ ક્રાઉડ ફંડિગ પેજ પર બાળકીના ઇલાજ માટે મદદની અપીલ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં ૧૨,૪૦૦થી વધુ લોકોએ ડોનેટ કર્યું છે. લક્ષ્ય પાંચ લાખ ડોલર રાખવામાં આવ્યું હતું. આ રકમ હાલ ૬ લાખ ડોલરને પાર કરી ગઈ છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter