૭૫ વર્ષના અમેરિકને સૌથી મોટી ઉંમરમાં એવરેસ્ટ સર કરવાનો રેકોર્ડ બનાવ્યો

Wednesday 02nd June 2021 08:06 EDT
 
 

કાઠમાંડુ: શિકાગોના રિટાયર્ડ એટર્ની માઉન્ટ એવરેસ્ટ સર કરનારા વિશ્વના સૌથી વૃદ્ધ વ્યકિત બન્યા છે. બીજી તરફ સૌથી ઝડપથી માઉન્ટ એવરેસ્ટ સર કરનાર હોંગ કોંગના મહિલા શિક્ષક સૌથી ઝડપથી સુરક્ષિત પરત ફર્યા છે. કોરોના અને ખરાબ હવામાનને કારણે પર્વતારોહકોને માઉન્ટ એવરેસ્ટ સર કરતી વખતે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
૭૫ વર્ષીય આર્થર મુઇરે આ મહિનામાં માઉન્ટ એવરેસ્ટ સર કર્યો છે. આર્થર મુઇર માઉન્ટ એવરેસ્ટ સર કરનારા વિશ્વના સૌથી વૃદ્ધ વ્યકિત બની ગયા છે. આ અગાઉ આ રેકોર્ડ ૬૭ વર્ષીય બિલ બુર્કેના નામે હતો. તેઓ પણ અમેરિકન હતાં.
હોંગ કોંગના ૪૫ વર્ષીય ત્સાંગ યિન હુંગ સૌથી ઝડપી મહિલા પર્વતારોહક બની ગયા છે. તેમણે ૨૫ કલાક ૫૦ મિનિટમાં એવરેસ્ટ સર કરી લીધો હતો.
મુઇર ૨૦૧૯માં પર્વત ચઢતી વખતે ઇજાગ્રસ્ત થયા હતાં. આમ છતાં તેમણે હિંમત હારી ન હતી. નિવૃત્ત થઇ ગયેલા વકીલે પોતાના જીવનમાં મોડેથી પર્વતારોહણ શરૂ કર્યું હતું.
માઉન્ટ એવરેસ્ટ સર કર્યા પછી મુઇરે જણાવ્યું હતું કે પર્વત ચઢતી વખતે જ ખબર પડે છે કે આ પર્વત કેટલો મોટો છે અને તે કેટલો ખતરનાક છે. અહીંયા કેટલી બધી વસ્તુઓનું તમારે ધ્યાન રાખવાનું હોય છે. આમ છતાં પર્વત ચઢતી વખતે અનેક ભૂલો થતી હોય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સૌથી મોટી બાબત તો એ છે કે પર્વત ચઢતી વખતે નર્વસ થઇ જાવો છો અને ડર પણ લાગે છે. મુઇરે ૬૮ વર્ષની ઉંમરે પર્વત ચઢવાનું શરૂ કર્યુ હતું. તેમણે આ અગાઉ ૨૦૧૯માં એવરેસ્ટ ચઢવાનો પ્રયત્ન કર્યો હતો. આ અગાઉ તેમણે દક્ષિણ અમેરિકા અને અલાસ્કામાં પર્વતારોહણ શરૂ કર્યુ હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter