૮ વર્ષના યુ ટ્યુબર રેયાન કાજીની ૧ વર્ષની કમાણી ૨ કરોડ પાઉન્ડ!

Monday 23rd December 2019 07:03 EST
 
 

વોશિંગ્ટનઃ માત્ર આઠ વર્ષની વયે રેયાન કાજીએ જગતભરના મીડિયાનું ધ્યાન ખેંચ્યું છે. રેયાને પોતાની યુ ટયુબ ચેનલ દ્વારા આ વર્ષે ૨૬ મિલિયન ડોલર (આશરે બે કરોડ પાઉન્ડ)ની કમાણી કરી છે. આ સાથે જ ‘ફોર્બ્સ’ મેગેઝિને તેને યુ ટયુબના માધ્યમથી સૌથી વધારે કમાણી કરનારી હસ્તીઓની યાદીમાં સર્વોચ્ચ સ્થાને મુક્યો છે.

રેયાન કાજીનું સાચું નામ રેયાન ગૌન છે અને ‘ફોર્બ્સ’ના અહેવાલ પ્રમાણે ગત વર્ષે ૨૦૧૮ની સાલમાં પણ તે વીડિયો પ્લેટફોર્મ પર સૌથી વધારે કમાણી કરનારા લોકોની યાદીમાં ટોચ પર હતો. ગત વર્ષે તેણે ૨૨ મિલિયન ડોલરની કમાણી કરી હતી. રેયાનના માતા-પિતાએ તે જ્યારે ત્રણ વર્ષનો હતો ત્યારે ૨૦૧૫માં તેની ચેનલ ‘રેયાન્સ વર્લ્ડ’ લોન્ચ કરી હતી અને હાલ તેની ચેનલના ૨૨.૯ મિલિયન સબસ્ક્રાઈબર છે.

‘ફોર્બ્સ’ મેગેઝિને બહાર પાડેલી યાદીમાં રેયાન કાજીને યુટ્યૂબ ચેનલ પર સૌથી વધુ કમાણી કરનારા લોકોની યાદીમાં ટોચ પર છે. આ વર્ષે યુ ટ્યૂબ ચેનલમાંથી તેણે ૨૬ મિલિયન ડોલર એટલે કે અંદાજે ૨ કરોડ પાઉન્ડની કમાણી કરી છે.
૨૦૧૮માં તેણે યુ ટ્યૂબ ચેનલ થકી ૨૨૦ લાખ ડોલર કમાણી કરી હતી. યાદ રહે કે એનાલિટિકલ વેબસાઈટ સોશિયલ બ્લેડના મતે રેયાનના મોટા ભાગના વીડિયોના એક બિલિયનથી વધુ વ્યૂ છે. આ ચેનલ શરૂઆતમાં રેયાન ટોઇઝ રિવ્યૂના નામથી ઓળખાતી હતી. રેયાન રમકડાંના અનબોક્સિંગથી માંડીને તેની સાથે રમતા રમતાં એક નાનો વીડિયો બનાવે છે. તેને તેના માતા-પિતા યુટ્યૂબ પર અપલોડ કરે છે.

માત્ર ૩ વર્ષની વયે ચેનલ લોન્ચ

રેયાનની ચેનલનું નામ રેયાન વર્લ્ડ છે. જે ૨૦૧૫માં રેયાનના માતા-પિતાએ લોન્ચ કરી હતી. એ વખતે રેયાનની ઉંમર ફક્ત ૩ વર્ષ હતી, પરંતુ એ સમયે તેના ૨૨૯ લાખ સબસ્ક્રાઈબર હતા. રેયાનને પણ યુટ્યૂબ પર ટોય રિવ્યૂ જોવાનો શોખ છે. એક દિવસ તેણે કહ્યું કે બધા બાળકો યુટ્યૂબ પર છે. હું કેમ નહીં? એ સાથે જ યુટ્યૂબ ચેનલ શરૂ થઈ હતી, જે આજે ધૂમ મચાવી રહી છે.

૩૫ બિલિયનથી વધુ વ્યૂ

રેયાનની ચેનલને શરૂઆતમાં ‘રેયાન ટોય્ઝ રિવ્યુ’ નામ અપાયું હતું જેમાં મોટા ભાગે અનબોક્સિંગ વીડિયો અપલોડ કરવામાં આવતા હતા. શરૂઆતમાં રેયાનની ચેનલ પર તે વિવિધ રમકડાંના પેકેટને ખોલીને તેના વડે રમતો અને તેના વિશે અભિપ્રાય આપતો જોવા મળતો હતો. સોશિયલ બ્લેડ નામની એનાલિટિકલ વેબસાઈટના અહેવાલ પ્રમાણે રેયાનના અનેક વીડિયો એક બિલિયનથી પણ વધારે વખત જોવાયા છે અને તેની ચેનલને અત્યાર સુધીમાં ૩૫ બિલિયનથી વધુ વ્યૂ મળ્યા છે.

શરૂઆતમાં રેયાનની ચેનલ પર રમકડાં અંગે તેના મંતવ્યો જ દર્શાવાતા હતા પરંતુ રેયાનની ઉંમર વધવા સાથે હવે તેની ચેનલ પર અભ્યાસને વધારે મનોરંજક બનાવવા માટેના વિવિધ વીડિયો પણ અપલોડ કરવામાં આવે છે. આ બધા વીડિયોમાં રેયાન વિવિધ પ્રકારના પ્રયોગો કરતો જોવા મળે છે.

‘ફોર્બ્સ’ રેન્કિંગમાં રેયાનની ચેનલે ‘ડૂડ પરફેક્ટ’ ચેનલને પાછળ રાખી દીધી છે. ડૂડ પરફેક્ટ ચેનલે એક જૂન ૨૦૧૮થી એક જૂન ૨૦૧૯ સુધીમાં કુલ ૨૦ મિલિયન ડોલરની કમાણી કરી છે. જ્યારે ત્રીજા ક્રમે રશિયાની પાંચ વર્ષની બાળકી અનાસ્તાસિયા રાડજિન્કાયાની ચેનલે આ વર્ષે ૧૮ મિલિયન ડોલરની કમાણી કરી છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter