મુંબઈઃ ટીવી સિરીઝ ‘ફ્રેન્ડઝ’થી જાણીતા હોલિવૂડ એક્ટર મેથ્યુ પેરીનું નિધન થયું છે. તેમનો મૃતદેહ તેમના ઘરે બાથટબમાંથી મળી આવ્યો હતો. ભારતીય અભિનેત્રી શ્રીદેવી પણ આ રીતે દુબઈની હોટેલમાં બાથટબમાં જ મૃત હાલતમાં મળી હતી તે ઘટના ભારતીય ચાહકોએ યાદ કરી હતી. મેથ્યુ પેરી લોસ એન્જલસમાં પોતાના ઘરે બાથરૂમમાં બાથ ટબમાં નિશ્ચેતન હાલતમાં પડેલો હતો. પેરીની ‘ફ્રેન્ડઝ’ સિરીઝ 1994થી 2004 દરમિયાન ચાલી હતી. આ સિરીઝમાં શેન્ડલ બિન્ગના પાત્રએ તેને દુનિયાભરમાં લોકપ્રિયતા અપાવી હતી. જોકે, બાદમાં પેરી દારુના રવાડે ચઢી ગયો હતો અને તેણે અનેકવાર ડિએડિક્શન ક્લિનિકમાં સારવાર પણ લેવી પડી હતી. ‘ફ્રેન્ડઝ’, ‘લવર્સ એન્ડ ધી બીગ ટેરિબલ થિંગ’ ટાઈટલ ધરાવતી પોતાની આત્મકથામાં પણ પેરીએ પોતે વારંવાર ડિએડિક્શનની સારવાર લીધી હોવાની કબૂલાત કરી છે.
પેરી શાળાજીવન દરમિયાન કેનેડાના હાલના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનો સહાધ્યાયી હતો. ટ્રુડોએ પોતે અને પેરીએ નાનપણમાં સાથે વિતાવેલા સમયને યાદ કર્યો હતો. પેરીનાં માતા જસ્ટિન ટ્રુડોના પિતા તથા કેનેડાના તત્કાલીન વડાપ્રધાન પિઅર ટ્રૂડોના સહાયક તરીકે કામ કરતાં હતાં.
54 વર્ષીય પેરીનાં નિધનથી બોલીવૂડના પણ કેટલાય કલાકારો દુખી થઈ ગયા છે. કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, રણવીર સિંહ તથા સામંથા પ્રભુએ પણ પેરીના નિધન અંગે આઘાતની લાગણી વ્યક્ત કરી હતી.