10 ઇનોવેટિવ ‘ટાઇમ’ ટીચર્સમાં ત્રણ ભારતીય

Wednesday 15th June 2022 05:00 EDT
 
 

ન્યૂ યોર્કઃ વિશ્વવિખ્યાત ‘ટાઇમ’ મેગેઝિને અમેરિકાના વર્ષ 2022ના 10 ઇનોવેટિવ ટીચર્સની યાદી બહાર પાડી છે. ભારતીયો માટે ગૌરવપ્રદ બાબત એ છે કે 10 ઇનોવેટિવ ટીચર્સની યાદીમાં ત્રણ ભારતીય છે, અને તેમાંથી એક ગુજરાતી છે. આમ તમામ શિક્ષકો ઇનોવેટિવ પદ્ધતિથી કામગીરી કરીને શિક્ષણના ક્ષેત્રમાં આમૂલ પરિવર્તન લાવી રહ્યા છે. અહીં આ શિક્ષકોની વાત તેમના જ શબ્દોમાં રજૂ કરી છે.
વીડિયો કોલિંગથી જોડ્યા 150 દેશના વિદ્યાર્થીને
ડલાસમાં શિક્ષક તરીકે કાર્યરત આકાશ પટેલ કહે છેઃ ‘હું એક એવો ટીચર છું કે જે 150 દેશના વિદ્યાર્થીને પ્લેનમાં બેસાડ્યા વિના ટીચર્સની નજીક લાવ્યો. હું 60 દેશમાં ફરી ચૂક્યો છું, અને ઘણી ભાષા જાણું છું એટલે આ બધું કરી શક્યો. હું એકથી વધુ ભાષા બોલતા 1,200 લોકોના નેટવર્ક દ્વારા વિદ્યાર્થીઓને વીડિયો કોલથી કનેક્ટ કરું છું. હું ભારતમાં જન્મ્યો. અમેરિકામાં ન્યુક્લિયર એન્જિનિયરિંગમાં ડિગ્રી પ્રાપ્ત કરી. 2018માં વિમાન દુર્ઘટનામાં મારા જોડિયા ભાઇ આનંદનું અવસાન થયું, જેની યાદમાં હેપી વર્લ્ડ ફાઉન્ડેશન બનાવ્યું. આ ફાઉન્ડેશન જે 50 અમેરિકન સ્ટેટના ટીચર્સને દુનિયાભરના વિદ્યાર્થીઓ સાથે ફ્રીમાં જોડાવવા સક્ષમ બનાવે છે.’

‘પોકેટ ફોરેસ્ટ’થી ક્લાઇમેટ ચેન્જ ધીમું પાડ્યું
બર્કલેમાં વસતાં અને શિક્ષક તરીકે ફરજ બજાવતા નીલમ પાટીલ કહે છેઃ ‘મને ક્લાઇમેટ ચેન્જ સામે લડવા માટે મિયાવાકી ફોરેસ્ટ ટેક્નિક અંગેના મેસેજ મળતા હતા. આ મહત્ત્વનું છે કારણ કે બે દાયકામાં કેલિફોર્નિયાના અંદાજે 26.5 હેક્ટર જંગલ નષ્ટ થઇ ગયા છે.
આ અંગે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીને મેં કામ શરૂ કર્યું. દુનિયાભરમાં મિયાવાકી જંગલ ઊભા કરનારા એસયુજીઆઇ પ્રોજેક્ટ તરફથી ફંડ મળ્યું અને વિદ્યાર્થીઓ કામે લાગી ગયા. મિયાવાકી સામાન્ય જંગલ કરતાં ઘણી ઝડપથી વધે છે અને કાર્બન પણ વધુ શોષે છે. અમે વિદ્યાર્થીઓની ગ્રીન ટીમ બનાવી છે અને અહીં ક્લાસની શરૂઆત પણ બ્રીધિંગ એક્સરસાઇઝથી થાય છે.’
રિસર્ચ માટે ફંડ કેવી રીતે એકઠું કરવું તે વિદ્યાર્થીઓને શીખવ્યું
એરિઝોનમાં વસતાં રચના નાથ કહે છેઃ ‘આસામ (ભારત)માં સ્કૂલમાં ભણતી વખતે હું ખૂબ સવાલો કરતી. હવે હું ટીચર છું એટલે આ જ રીતે બાળકોની જિજ્ઞાસા સંતોષું છું. શેન્ડલર પ્રેપ હાઇ સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે 2018માં જોડાઇ. તેમની સાથે દુનિયાની સમસ્યાઓ તથા ઉકેલ પર કામ શરૂ કર્યું. અહીં વિદ્યાર્થીઓ સોલ્યુશન્સ પર બ્રેઇન સ્ટોર્મિંગ, પેટન્ટ અંગે રિસર્ચ અને પ્રોટોટાઇપ માટે મદદ લેતા શીખ્યા છે. તેમણે ડેડ ઝોનમાં વાઇ-ફાઇ સિગ્નલ વધારતું ડિવાઇસ અને હીટ સ્ટ્રેસ માપતી ટોપી પણ વિકસાવ્યા છે. આ વર્ષ પૂરું થશે ત્યાં સુધીમાં તો તેઓ ઇન્વેસ્ટર્સ સમક્ષ પ્રોટોટાઇપ પણ રજૂ કરી દેશે.’


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter