વોશિંગ્ટન: અમેરિકાના 21 વર્ષીય શીખ યુવકે પોતાની દાઢી કપાવ્યા વગર અને પોતાની ધાર્મિક માન્યતા સાથે કોઇ સમાધાન કર્યા વગર યુએસ મરીન કોર્પ્સની ટ્રેનિંગ પુરી કરી છે. જસકીરત સિંહે 25 સપ્ટેમ્બરે ઇતિહાસ રચીને સાન ડિયાગોમાં મરીન કોર્પ્સ રિક્રૂટ ટ્રેનિંગ પૂરી કરી હતી. ગયા એપ્રિલમાં એક અદાલતે સેનાના કર્મીઓને તેમની ધાર્મિક માન્યતાઓ સાથે સેવા આપવાનો આદેશ કર્યો હતો.
શીખ, મુસ્લિમ અને યહૂદી એમ ત્રણ યુવકોએ મરીન કમાન્ડોની ટ્રેનિંગ દરમિયાન એમની ધાર્મિક માન્યતાઓનું પાલન કરવા દેવાની માગ સાથે કેસ કર્યો હતો. આ કેસ અંગે સંઘીય અદાલતે એપ્રિલમાં આ આદેશ આપ્યો હતો. અમેરિકાની ભૂમિદળ અને વાયુદળમાં શીખ જવાનોની ભરતી કરાય છે પરંતુ નૌસેનામાં સીમિત સંખ્યામાં જ શીખ જવાનોને સામેલ કરવામાં આવે છે અને એમાં પણ મરીન કમાન્ડોની ટ્રેનિંગ માટે ઘણા બધા પ્રતિબંધ છે. મરીન કમાન્ડોની ટ્રેનિંગ માટે જવાનોએ માથાના વાળ અને દાઢી કપાવવાં પડતાં હતાં. આ જ કારણે મરીન કમાન્ડોની ટ્રેનિંગમાં શીખ સૈનિકોએ પોતાની ધાર્મિક માન્યતાઓને છોડવી પડતી હતી. જસકીરત સિંહે પોતાની ધાર્મિક માન્યતાઓ સાથે ટ્રેનિંગ પૂરી થવાના લીધે ખુશી વ્યક્ત કરી અને પોતાની બટાલિયનના જવાનોનો આભાર માન્યો હતો.