ડીજેવાલી દાદી મેરા ગાના બજા દો...

Saturday 04th May 2019 07:06 EDT
 
 

વોર્સોઃ જિંદગીના પાછલા પડાવમાં લોકો ધર્મધ્યાન અથવા તો સેવાકાર્યોમાં સંકળાવાનું પસંદ કરતા હોય છે, પણ વર્જિનિયા શ્મિટની વાત અલગ છે. પોલેન્ડના વોર્સોમાં રહેતાં ૮૦ વર્ષનાં આ દાદીમાએ રિટાયર થયાં પછી અનોખી હોબી વિકસાવી છે. તેમણે નાઇટ-ક્લબ્સ અને પાર્ટીને પોતાનું પેશન બનાવ્યાં છે.
આ હોબીએ તેમને તરોતાજાં રાખવા ઉપરાંત હેલ્ધી અને હેપ્પી પણ રાખ્યાં છે. આખો દિવસ તેઓ પોતાના ગ્રાન્ડ-ચિલ્ડ્રન સાથે ગાળે છે અને સાંજ પડતાં જ તેમનો અવતાર એકદમ ચેન્જ થઈ જાય છે. પોતાનું લેપટોપ, મ્યુઝિક ફાઇલ, હેડફોન સહિતના સાધનો લઈને તેઓ વોર્સોની
ક્લબમાં પહોંચી જાય છે અને દાદી વર્જિનિયા બની જાય છે ડીજે વિકા. ધમાકેદાર પાર્ટી મ્યુઝિક વગાડતાં વગાડતાં આ દાદીમા સંગીતના તાલે ઝૂમતાં-નાચતાં પણ હોય છે. છેલ્લા બે દાયકાથી આ વર્જિનિયા રિટાયર્ડ લોકો માટેની એક ક્લબમાં ડીજે (ડિસ્ક જોકી) તરીકે જવાબદારી સંભાળે છે.

ખુશીની આદત પાડી દેવી છે

સૌથી વયસ્ક ડીજે શ્મિટે આખી જિંદગી શારીરિક રીતે વિકલાંગ બાળકોને ભણાવ્યા છે અને નિવૃત્તિ પછી મ્યુઝિક સાથે નાતો જોડ્યો છે. તેઓ અઠવાડિયામાં બે દિવસ વોર્સોની બોલેક ક્લબમાં પરફોર્મ કરે છે, જ્યાં લેપટોપ પર મોડર્ન મ્યુઝિકથી માંડીને પોતાના જમાનાના ગીતો વગાડીને લોકોને ખુશ કરે છે. તેમની ધૂનો પર પોલેન્ડના વરિષ્ઠ નાગરિકો જ નહીં, યુવક-યુવતીઓ પણ ઝૂમી ઊઠે છે.
દાદીમાનું કહેવું છે કે તેઓ લોકોમાં ખુશીઓ વહેંચવા નથી ઇચ્છતા, પણ લોકોને ખુશીઓની આદત પાડી દેવા ઇચ્છે છે. આથી જ ૮૦ વર્ષની ઉંમરે પણ લોકોને પોતાની ધૂનો પર નચાવી રહ્યા છે.

૬૧ વર્ષની ઉંમરે શરૂઆત

તેઓ કહે છે કે કોઇ પણ વ્યક્તિ સારો ડીજે ત્યારે જ બની શકે કે જ્યારે તેને સારા સંગીતની સમજ હોય અને લોકો આપોઆપ ડાન્સ ફ્લોર પર આવી જાય તેવા ગીતો વગાડવાની જાણકારી હોય. નિવૃત્તિ બાદ હું સાંજનો સમય વીતાવવા બોલેક ક્લબ ખાતે જતી હતી અને એક દિવસ મેં ત્યાં ડીજેને જોઇને ગીત વગાડવાનું શરૂ કર્યું અને થોડા સમય બાદ હું ત્યાં જ ડીજે બની ગઇ. મેં ૬૧ વર્ષની ઉંમરે પહેલી વાર ડીજે તરીકે કામ કર્યું હતું ત્યારે ક્લબમાં થોડા લોકો જ હતા. ત્યારે તો કેસેટ્સ અને સીડી સાથે મિક્સિંગ થતું હતું પણ હવે આટલા વર્ષોમાં બધું બદલાઇ ગયું છે, જે ટેક્નોલોજીની કમાલ છે.
વર્જિનિયાનું માનવું છે કે ડીજે બનવાની કોઇ ઉંમર નથી હોતી. માણસ કોઇ પણ ઉંમરે આ કામ શીખી શકે છે. આજકાલ ૪ વર્ષના બાળકો મોબાઇલ ફોનના બધા ફંક્શન્સ સમજી શકતા હોય તો મારા જેવા ૮૦ વર્ષની ઉંમરના લોકો ડીજે કેમ ન બની શકે? આમ પણ ડીજેનો પ્રોફેશન કોઇ બેલે માસ્ટર કે ફાયરમેનની જોબ તો છે નહીં. બસ, લોકોએ જાતે જ એમ માની લીધું છે કે ડીજે તો યંગ જ હોય છે. હું ખૂબ ખુશ છું કે મારા સંગીતથી લોકોને ખુશ કરી રહી છું.

જીવન પ્રત્યે દૃષ્ટિકોણ બદલાયો...

પોતાના ફેવરિટ મ્યુઝિક અંગે વર્જિનિયાનું કહેવું છે કે, મારા મતે દરેક પ્રકારનું સંગીત ખૂબસૂરત છે, પછી તે ફાસ્ટ હોય કે સ્લો. યંગસ્ટર્સની મ્યુઝિક ચોઇસ પણ ખરાબ નથી. તેઓ કહે છે કે જો તેમને ડિમ લાઇટમાં મ્યુઝિક સાથે ડાન્સ કરવાનું ગમતું હોય તો તેમાં કંઇ ખોટું નથી. સાચું કહું તો મને નથી ખબર કે આવા મ્યુઝિકને શું કહે છે - ઇલેક્ટ્રો, હાઉસ કે પછી ટેક્નો, પરંતુ આ મ્યુઝિક મને ખૂબ પસંદ છે. જ્યારથી ડીજે બની છું ત્યારથી મને નવા નવા મિત્રો અને પ્રશંસકો તો મળ્યા જ છે, સાથે સાથે જિંદગી પ્રત્યે મારો દૃષ્ટિકોણ પણ બદલાયો છે, જેના કારણે હું પણ ઘણી બદલાઇ ગઇ છું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter