દુબઇમાં ભારતીય ડ્રાઇવરને રૂ. ૨૧ કરોડની લોટરી લાગી

Thursday 12th April 2018 08:12 EDT
 
 

દુબઇઃ દુબઇમાં ડ્રાઇવીંગ કરીને પરિવારનો નિર્વાહ કરતા ભારતીયના નસીબ આડેથી પાંદડુ ખસતાં રાતોરાત કરોડપતિ બની ગયો છે. આ માણસનું નામ છે જ્હોન વર્ગિસ છે. કેરળના વતની જ્હોનને ૧.૨૦ કરોડ દિરહામ (અંદાજે ૨૧ કરોડ રૂપિયા)ની લોટરી લાગી છે. તે ૨૦૧૬માં દુબઇ ગયો હતો અને ત્યારથી ત્યાં એક ખાનગી કંપનીમાં ડ્રાઇવર તરીકે કામ કરે છે.
લોટરી જીત્યા બાદ ખુશખુશાલ જ્હોન કહે છે કે 'મને વિશ્વાસ જ નહોતો થતો કે હું આટલું મોટું ઇનામ જીતી ગયો છું. એપ્રિલ ફૂલ ડે તાજેતરમાં જ ગયો છે. આથી મને લાગ્યું કે મારા મિત્રો ભેગા મળીને મારી સાથે મજાક કરી રહ્યા છે. મારા પર આવેલો ફોન મને બોગસ લાગ્યો હતો.' આથી તેણે લોટરી લાગ્યાના સમાચાર મળ્યા પછી પણ કેરળમાં તેના પરિવારને કંઇ જણાવ્યું નહોતું.
જ્હોનનું કહેવું છે કે તે લોટરીના પૈસામાંથી સૌપ્રથમ એક સ્માર્ટફોન ખરીદવા ઇચ્છે છે, કેમ કે હાલ તે સાદો ફોન વાપરી રહ્યો છે. બાકીના નાણાંનું તે બે સંતાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે રોકાણ કરશે. જ્હોને એમ પણ કહ્યું કે તે મિત્રોને પણ ભૂલશે નહીં અને થોડા-થોડા પૈસા તેમને પણ આપશે અનેક થોડાક નાણાંમાંથી જરૂરિયાતમંદોને મદદ પણ કરશે.
ઉલ્લેખનીય છે કે દુબઇમાં ભારતીયોને લોટરી લાગવી એ જાણે સામાન્ય વાત થઇ ગઇ છે. આ અગાઉ પણ કેરળનો એક યુવક લોટરી જીતી ચૂક્યો છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં જે ૧૦ લોકોને લોટરી લાગી હતી તેમાંથી ૮ ભારતીય હતા. આ લોટરીમાં દરેક વિજેતાને ૧.૭૮ કરોડ રૂપિયા મળ્યા હતા.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter