મોહમયી નગરી દુબઇની એક આગવી ઓળખ છે વિશાળ વેરાન રણપ્રદેશ. જોકે આજકાલ આ પ્રદેશ તેના મિરેકલ ગાર્ડનમાં ખીલેલાં વિવિધ રંગી ફૂલોની સુગંધથી મહેકી ઉઠ્યો છે. આ રણ વિસ્તારમાં સાકાર થયેલા સ્વર્ગસમાન ગાર્ડનમાં 15 કરોડ ફૂલ ખીલ્યાં છે. આ ગાર્ડનની વિશેષતા જોઇએ તો, અહીં અમિરાત એરલાઈન્સના A-380 પ્રતિકૃતિ આકર્ષક ફૂલોથી બનાવાઇ છે. આ ઉપરાંત ઇનડોર બટરફ્લાઈ પાર્ક છે, જ્યાં અલગ-અલગ પ્રજાતિના 15 હજાર પતંગિયા છે. તો આખા ગાર્ડનમાં ફૂલોથી બનેલા હાથી, ઘોડા સહિતની વિશાળકાય પ્રતિમાઓ લગાવાઇ છે. જ્યારે હર્ટ્સ પેસેજ, ફ્લોરલ ટનલ, ડિઝની થીમ ગાર્ડન અબાલવૃદ્ધ સહુ કોઇ માટે ફોટોગ્રાફી કરાવવા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ભવ્યાતિભવ્ય મિરેકલ ગાર્ડનના નામે બે વર્લ્ડ રેકોર્ડ નોંધાયા છે, જેમાં વિશ્વના સૌથી લાંબા વર્ટિકલ ગાર્ડન અને એરબસના આકારના સૌથી મોટા ફ્લોરલ સ્કલ્પચરનો સમાવેશ થાય છે.


