ચંડીગઢ: ટેક જાયન્ટ એપલનો નવોસવો લોન્ચ થયેલો આઈફોન-16 ચર્ચામાં છે ત્યારે એક વ્યક્તિએ સોશિયલ મીડિયામાં ‘આઈફોનના બદલે ગાય કેમ લેવી જોઈએ’ વિષય પર પોસ્ટ કરતાં લખ્યું હતું કે રૂ. 1.50 લાખના આઈફોન કરતાં તેટલી કિંમતની ગાય પરિવારનો આર્થિક સહારો બને છે. આ ચર્ચિત પોસ્ટ વચ્ચે ‘અનમોલ’ નામનો એક પાડો તેની અધધધ કિંમતના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચાના ચકડોળે ચઢ્યો છે. આ પાડાની કિંમત રોલ્સ રોયસના લેટેસ્ટ મોડેલ કરતાં પણ ઊંચી છે.
સામાન્ય રીતે, પાડાની કિંમત 50 હજારથી લઇને એકાદ લાખ રૂપિયા સુધીની હોય છે. પરંતુ હરિયાણાના વિખ્યાત પશુ મેળામાં પહોંચેલા ‘અનમોલ’ની કિંમત 23 કરોડ રૂપિયા છે. ઊંચી બ્રિડના ‘અનમોલ’ના વીર્યનું વેચાણ કરીને માલિક લાખોની કમાણી કરે છે તે અલગ. ‘અનમોલ’ના માલિક પલવિંદર સિંહ કહે છે કે, આઠ વર્ષના ‘અનમોલ’ના રોજિંદા ખોરાકમાં કાજુ, બદામ, છોલેનો સમાવેશ થાય છે. તેના ખોરાક પાછળ રોજનો 1,500 રૂપિયાનો ખર્ચ થાય છે.
જોકે ‘અનમોલ’ના જ આટલા ઊંચા મોલ છે એવું નથી. ‘અનમોલ’ સિવાય હરિયાણાના ખેડૂત નરેન્દ્રસિંહના પાડા ‘વિધાયક’ની કિંમત રૂ. 20 કરોડ આંકવામાં આવે છે. જ્યારે, તેમના બીજા પાડા ‘ગોલુ-ટુ’ની કિંમત રૂ. 10 કરોડ છે. નરેન્દ્રસિંહનું કહેવું છે કે ઊંચી ઓલાદના આ પાડાના વીર્યનું વેચાણ કરીને માલિકને સારી કમાણી થઈ જાય છે. મુરાહ બ્રીડની ભેંસોના પશુપાલન માટે ભારત સરકાર તરફથી પણ મદદ મળે છે. આ દર્શાવે છે કે આ ઓલાદ કેટલું મહત્ત્વ ધરાવે છે. ઉલ્લેખનીય છે કે, ડેરી પ્રોડક્ટની ડિમાન્ડના કારણે મુરાહ ભેંસોના દૂધની માંગ વધુ છે. ભારત, પાકિસ્તાન, ચીન, દક્ષિણ-પૂર્વ એશિયા, મિડલ-ઈસ્ટમાં પણ આ ભેંસ અને તેના દૂધની ભારે ડિમાન્ડ જોવા મળે છે.