લક્ષદ્વિપમાં દુનિયાની પહેલી સી કુકુમ્બર સેન્ચ્યુઅરી

Sunday 17th May 2020 07:15 EDT
 
 

ભારતીય ટાપુસમુહ લક્ષદ્વિપમાં દુનિયાનું પ્રથમ સી કુકુમ્બર (દરિયાઈ કાકડી) નામના પ્રાણીનું અભ્યારણ્ય બન્યું છે. આ પ્રાણીનો આકાર કાકડી જેવો હોવાથી તેને દરિયાઈ કાકડી નામ મળ્યું છે. ભારતના દરિયામાં આ પ્રાણીની મોટી વસાહતો છે અને દરિયાઈ માફિયાગીરી કરનારા ગુનેગારોની તેના પર સતત નજર હોય છે કેમ કે સી-ફૂડ અને ઔષધીઓ માટે આ સજીવની ચીન જેવા દેશોમાં જબરી ડિમાન્ડ હોવાથી તેનો વ્યાપક શિકાર થતો રહે છે. ભારતે આ અટકાવવા માટે પહેલ કરી છે. અલબત્ત, ભારતમાં તો પહેલેથી જ આ સજીવને સંરક્ષિત જાહેર કરી દેવાયું છે. લક્ષદ્વિપમાં આ અભ્યારણ્ય માટે કુલ ૨૩૯ એકરનો દરિયાઈ વિસ્તાર ફાળવી દેવાયો છે. અહીંથી નિયમિત રીતે આ સજીવની દાણચોરી પકડાતી રહે છે અને કેટલાક કિસ્સામાં તો ચોરીના કેસની તપાસ દેશની ટોચની ગુપ્તચર સંસ્થા સીબીઆઈને પણ સોંપવી પડી છે. આ સજીવનો મૂળ દેખાવ તો કાકડી જેવો છે, પરંતુ વિશ્વભરમાં તેની કુલ ૧૪૫૦ જેટલી પ્રજાતિઓ છે, જે પૈકી ભારતના દરિયામાં પોણા બસ્સો જેટલી પ્રજાતી જોવા મળે છે. આ પૈકી અમુકનો દેખાવ કાકડીને બદલે અન્ય દરિયાઈ સજીવ જેવો પણ લાગે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter