અયોધ્યા: ભગવાન શ્રીરામની નગરી અયોધ્યાના નામે દીપોત્સવ પ્રસંગે એક સાથે 28 લાખ દીવડાં પ્રગટાવવાનો તેમજ એકસાથે 1121 વેદાચાર્યો દ્વારા મહાઆરતીનો વિશ્વવિક્રમ નોંધાયો છે. અવધ યુનિવર્સિટીના આશરે 30 હજાર વોલન્ટિયર્સે 28 લાખ જેટલા દીવા પ્રગટાવીને નવો ઈતિહાસ રચ્યો હતો. અયોધ્યામાં રામભક્તો દ્વારા ઉત્સાહભેર આઠમો દીપોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે રચાયેલા વિશ્વવિક્રમે ગિનેસ બુકમાં સ્થાન મેળવ્યું છે.
આ વિશ્વવિક્રમની નોંધ લેવા માટે ગિનેસ બુકના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. સૌપ્રથમ વિશાળ વિસ્તારમાં જુદા જુદા ઝોનમાં ગોઠવાયેલા એક એક કોડિયાની ગણતરી કરાઇ હતી. બાદમાં ડ્રોન દ્વારા ગણતરી કરાઇ હતી. અને દીવડા પ્રગટાવાયા બાદ ફરી એક વખત આ બન્ને પ્રકારે ગણતરી કરાયા બાદ ગિનેસ બુકના સત્તાવાળાઓ દ્વારા નવો વિશ્વ વિક્રમ રચાયો હોવાની સત્તાવાર જાહેરાત કરાઇ હતી.
દીપોત્સવમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને દિનેશ શર્મા સહિતના કેટલાક નેતાઓ વિશેષ મહેમાન તરીકે હાજર રહ્યા હતા. સમગ્ર અયોધ્યા નગરીને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવી છે. લેસર શોના માધ્યમથી ભગવાન શ્રી રામ અને હનુમાનજી ઉપરાંત દીવડા વગેરેને દર્શાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે અયોધ્યા પુરી ત્રેતાયુગની જેમ નજર આવી રહી છે. અયોધ્યાએ ફરી એક વખત વિશ્વ રેકોર્ડ બનાવી નાખ્યો છે. અયોધ્યામાં આજે એક સાથે બે વિશ્વ રેકોર્ડ સ્થપાયા છે, દેશ-દુનિયામાં આજે અયોધ્યાની ચર્ચા છે, જે તમામ લોકો માટે ગૌરવની વાત છે.
આ પ્રસંગે સરયૂ નદીના કાંઠે લાખો દીવા ઝળહળતાં જોવા મળ્યા હતા. યોગી આદિત્યનાથે દીવા પ્રગટાવીને દીપોત્સવનો પ્રારંભ કર્યો હતો. યોગીએ સૌથી પહેલાં રામના ચરણ સ્પર્શ કર્યા હતા. બાદમાં મંદિરમાં એક દીવો પ્રગટાવ્યા પછી પાંચ દીવા પ્રગટાવી ઉત્સવનો પ્રારંભ કર્યો હતો. દીપોત્સવને લઈને અયોધ્યાના પુજારીઓએ પણ ખુશી વ્યક્ત કરી હતી. અહીંના મહંત બિંદુ સ્વામી દેવેન્દ્ર પ્રસાદાચાર્યએ કહ્યું હતું કે દીપાવલી અને દીપોત્સવ સનાતન ધર્મનો પાયો મજબૂત કરે છે.