મુગાબેના દેહાવશેષો બહાર કાઢીને રાષ્ટ્રીય કબ્રસ્તાનમાં દફનાવવાનો આદેશ

Wednesday 09th June 2021 06:25 EDT
 
 

હરારેઃ ઝિમ્બાબ્વેના પારંપારિક વડાએ ભૂતપૂર્વ શાસક રોબર્ટ મુગાબેના અવશેષો તેમના ગ્રામીણ ઘરેથી બહાર કાઢીને રાષ્ટ્રીય કબ્રસ્તાનમાં દફનાવવાનો આદેશ આપ્યો હતો. સ્થાનિક શોના ભાષામાં લખાયેલા ચૂકાદાની નકલમાં જણાવાયું હતું,' હું કુતામા ખાતેથી સ્વ. રોબર્ટ મુગાબેના દેહાવશેષો બહાર કાઢવાની અને તેને ફરીથી હરારેમાં નેશનલ હિરોઝ એકર ખાતે દફનાવવાની સત્તા દ્વારા અધિકૃત લોકોને પરવાનગી આપું છું.'  
૨૦૧૯માં મૃત્યુ પામેલા  રોબર્ટ મુગાબેએ ખાસ કરીને રાજકીય હરિફો સહિત કેટલીક વ્યક્તિઓ તેમના દેહાવશેષો ચોરી જશે અને તેનો પારંપારિક વિધિઓમાં ઉપયોગ કરશે તેવી દહેશતને લીધે તેમને હરારેમાં નેશનલ હિરોઝ એકર ખાતે દફનાવવાનો ઈનકાર કર્યો હતો.  
ગયા અઠવાડિયે રોબર્ટ મુગાબેના વિધવા ગ્રેસ મુગાબેને પોતાના પતિને અયોગ્ય સ્થળે દફનાવવા બદલ પાંચ ગાય અને બે બકરી દંડ તરીકે આપવા માટે ટ્રેડિશનલ કોર્ટે આદેશ કર્યો હતો.
તેમના પર ૨૦૧૯માં ૯૫ વર્ષની વયે મૃત્યુ પામેલા તેમના પતિને હરારેથી પશ્ચિમે ૯૦ કિ.મીના અંતરે આવેલા કુતામામાં પોતાના જન્મસ્થળના આંગણામાં દફનાવવાનો આરોપ છે. લગભગ ૧૫ લોકોની હાજરીમાં આ કોર્ટ મુરોમ્બેદ્ઝી ખાતે યોજાઈ હતી. આ સુનાવણીમાં પત્રકારો હાજર રહી શક્યા ન હતા. કોર્ટના વડાએ જણાવ્યું હતું કે તેમને થોડીક પ્રાઈવસી જોઈતી હતી.  
ચીફ ઝ્વિમ્બાએ દાવો કર્યો હતો કે રોબર્ટ મુગાબેને તેમની માતાએ અથવા તે જે પરિવારમાં જન્મ્યા હતા તે પરિવારે પસંદ કરેલા સ્થળે દફનાવવા જોઈતા હતા. ગ્રેસ મુગાબે તે સ્થળેથી તેમના મૃતદેહને બહાર કાઢીને જે સ્થળે રોબર્ટ મુગાબેના માતા બોનાને દફનાવ્યા હતા ત્યાં ફરી દફનાવે તેમ ચીફ ઈચ્છે છે.  


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter