મોમ્બાસાના કચ્છી દ્વારા રૂ. ૨૦ કરોડનું દાન

Wednesday 28th November 2018 06:11 EST
 
 

કેરા: ફોટડીના મોમ્બાસા નિવાસી હસુભાઇ કાનજી ભુડિયા તથા તેમના પરિવારે અમદાવાદમાં અભ્યાસ માટે આવતી કચ્છી દીકરીઓના આવાસ, ભોજન, છાત્રાલય માટે ૨૮ ફ્લેટ ધરાવતા સાત માળના બિલ્ડિંગ માટે રૂ. ૨૦ કરોડનું દાન આપ્યું છે.
લેવા પટેલ જ્ઞાતિજનો, સત્સંગ સંલગ્ન હરિભક્તો, વરિષ્ઠ સંતો અને સંસ્થાઓએ દાન સખાવત માટે કહ્યું હતું કે આ દાન ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે. દાતા પ્રેમજી જેઠા ભુડિયાના સમસ્ત પરિવાર વતી યુવા ઉદ્યોગપતિ હસુભાઇ ભુડિયાએ જણાવ્યું કે, ‘માતા વેલીબહેન કાનજી પ્રેમજી ભુડિયા કન્યા અને કુમાર સેવાસદન મોમ્બાસા (કેન્યા)’ નામઃકરણ સાથે આ દાન અપાયું છે.
અહીં ૩૨૫ જેટલી દીકરીઓ માટે નિવાસની સંપૂર્ણ વ્યવસ્થાઓ હશે. ૨૮ ફ્લેટ્સ પૈકી નાના રૂમમાં બે અને મોટામાં ૧૦થી ૧૧ દીકરીઓ અભ્યાસ કરી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકશે. જગ્યાના અભાવે ના પાડવી પડે તેવી સ્થિતિ ભોગવતા અમદાવાદ લેવા પટેલ સમાજ નારાણપુરામાં હવે ૧૨૦ ઉતારુઓ રહી શકશે. અમદાવાદ મેડિકલ હબ બનતાં યુકે, આફ્રિકા અને કચ્છથી સંખ્યાબંધ દર્દીઓ પણ અહીં સારવારાર્થે આવતા હોઇ તેમની સગવડમાં પણ વધારો થશે.
૩૨૫ કન્યાઓ, ૩૦૦ કુમાર અને ૧૨૦ ઉતારુ મળીને કુલ ૭૪૫ વ્યક્તિ એકસાથે સગવડ પામશે. આ મહાદાનથી સમગ્ર જ્ઞાતિએ દાતા પરિવારને અભિનંદન સહ રાજીપો દર્શાવ્યો હતો. અમદાવાદ સમાજ પ્રમુખ શિવજીભાઇ શિયાણી, ઇશ્વરભાઇ પૂંજાણી તથા કારોબારી સભ્યોએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તો ભુજ સમાજ, નાઇરોબી, મોમ્બાસા, યુકે કોમ્યુનિટી તેમજ ચોવીસીના ગામેગામના સમાજોએ આભાર વ્યક્ત કર્યો હતો.
અમદાવાદમાં ઇ.સ. ૧૯૯૨માં ઉતારાના હેતુથી ખરીદાયેલા એક મકાનથી સમાજનો પાયો નંખાયો હતો. આ સંસ્થા ૨૬ વર્ષમાં સૌથી મોટા આંક માટે હક્કદાર બની છે. અમદાવાદ સમાજના સ્થાપક માવજી રૂડા પાંચાણી (ડ્રાઇવ ઇન સિનેમા), નાથાલાલ વીરજી વરસાણી, ખીમજી નારાણ રાબડિયા, લક્ષ્મીકાંત પિંડોરિયા, શામજી દેવજી વરસાણી, મેઘજીભાઇ કુંવરજી ખેતાણી (પટેલ ટ્રાવેલ્સ) અને વર્તમાન પ્રમુખ શિવજીભાઇ શિયાણી રહ્યા હતા.
આ સંસ્થાએ પણ જ્ઞાતિમાં સૌથી મોટું દાન મેળવી ઇતિહાસ રચ્યો હતો અને આ મહાદાન ભવિષ્યમાં અન્ય દાતાઓ માટે પણ પ્રેરણાસ્રોત બનશે તેવું એજ્યુકેશન અને મેડિકલ અધ્યક્ષ ગોપાલભાઇ માવજી ગોરસિયાએ જણાવ્યું હતું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter