મોમ્બાસામાં કચ્છી ઉદ્યોગસાહસિકની શતાબ્દીની ઉજવણી

Friday 07th August 2015 06:48 EDT
 
 

મોમ્બાસાઃ આફ્રિકાના વિવિધ દેશોમાં કચ્છીઓએ વેપાર-ઉદ્યોગમાં કાઠું કાઢ્યું છે. યુગાન્ડામાં વેપાર-ઉદ્યોગના સ્થાપક અને આફ્રિકામાં વેપારના અગ્રણી તરીકે ઓળખાયેલા કચ્છી સાહસવીર અલીદીના વિશ્રામ ખોજાની પ્રતિમા મોમ્બાસાના બોડેલી ગાર્ડનમાં છે. ૧૦૦ વર્ષ અગાઉ સ્થપાયેલા આ સ્મારકને કચ્છીઓએ પુષ્પાંજલિ અર્પી હતી. ૧૯મી સદીમાં એક નાના ગામથી મોટાં સ્વપ્ન લઇને નીકળેલી આ વ્યક્તિ આફ્રિકાના ઉદ્યોગજગતમાં અમીટ છાપ છોડે તે મહત્ત્વની વાત ગણાય. જેમની પાસે ત્રણ હજાર કામદારો રોજગારી મેળવે તેમ છતાં કર્મભૂમિમાં દવાખાનાનું નિર્માણ કરાવે તે ‘કચ્છીયત’ના ગુણ છે, ભૂજ શહેર વિસ્તાર વિકાસ સત્તા મંડળ (ભાડા)ના ચેરમેન કિરીટ સોમપુરાએ જણાવ્યું હતું. અલીદીના વિશ્રામ ખોજાના કાર્યોને યાદ કરતાં સેડાતાના શિક્ષક વસંત પટેલે તેમનો વિસ્તૃત પરિચય આપ્યો હતો.

મધ્ય મોબ્બાસામાં જ્યાં ભારતીય એલચી કચેરી છે તેની સામેના બાગમાં કાંસ્ય પ્રતિમાની જાળવણી અને શહેરની સ્વચ્છતાનું માનદ કાર્ય સંભાળતા હસમુખ કાનજી ભુડિયાના પ્રદાનને અલીદીના સાથે સરખાવતાં અહીંના ગવર્નરે કચ્છીઓના દૂધમાં સાકરની જેમ ભળી જવાના ગુણને વખાણ્યું હતું. આ પ્રસંગે કેરા-કુંદનપરના ઉપસરપંચ રવજી કેરાઈ, અગ્રણી માવજી હાલાઈ, ઘનશ્યામ ટપ્પરિયા, દિનેશ હાલાઈ, દેવેન્દ્ર વાઘજિયાણી ઉપસ્થિત રહ્યા હતા. 

કેરા-કુંદનપુર ગામ જૂથે કેન્યામાં વિકલાંગ બાળકો માટે ફાર્મ બનાવ્યાઃ આફ્રિકાના શારીરિક-માનસિક વિકલાંગ બાળકોના લાભાર્થે કચ્છી અગ્રણી મૂળજીભાઈ લાલજી પિંડોરિયાની પ્રેરણાથી કેરા-કુંદનપુર ગામ જૂથે ફાર્મમાં શાકભાજીનું ઉત્પાદન શરૂ કર્યું છે. જેનો ખૂબ બહોળી સંખ્યામાં આવા બાળકો લાભ લઈ રહ્યા છે. કિચન ગાર્ડનનો સંકલ્પ શાળાઓ માટે નવો નથી, પરંતુ વિકલાંગ બાળકોએ તેને આવકારીને આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યમાં દેવેન્દ્ર વાઘજિયાણી, અરવિંદ રૂપાલિયા સહિતના લોકો જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, મૂળજીભાઇ પિંડોરિયા અગાઉ કચ્છમાં કૃષિ શિબરો દ્વારા ક્રાંતિ રચવાનો પ્રયાસ કર્યો હતો પણ હવે યુવાનો ધંધા-રોજગાર ક્ષેત્રે આગળ વધારવા પ્રયત્નો કરી રહ્યા છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter